ઑલરાઉન્ડરે એક હાથમાં બિયરનો ગ્લાસ પકડીને બન્ને પગ રાખ્યા ટ્રોફી પર ઃ ક્રોધિત ક્રિકેટ-લવર્સની માગણી, ‘ટ્રોફીના અનાદર બદલ માર્શ સામે આઇસીસી કડક પગલાં ભરે, બીસીસીઆઇ તેને આઇપીએલમાંથી કાઢી મૂકે’
World Cup
વર્લ્ડ ચૅમ્પિયનોમાં તફાવત
લાગલગાટ ૧૦ મૅચ જીતનાર યજમાન ભારતને અમદાવાદની ફાઇનલમાં રવિવારની રાતે ૬ વિકેટે હરાવીને પૅટ કમિન્સની ઑસ્ટ્રેલિયન ટીમે ટ્રોફી ઊંચકીને છઠ્ઠા ચૅમ્પિયનપદનું જોરદાર સેલિબ્રેશન તો કર્યું, પરંતુ પછીથી ટ્રોફી સાથેનું એક પિક્ચર એવું વાઇરલ થયું જેનાથી કરોડો ક્રિકેટપ્રેમીઓને વિજેતા ટીમ પરથી માન ઊતરી ગયું હશે. આ તસવીરમાં બતાવવામાં આવેલા ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મિચલ માર્શના એક હાથમાં બિયરનો ગ્લાસ હતો અને તેના બન્ને પગ રવિવારે થોડી જ વાર પહેલાં જીતેલી ટ્રોફી પર હતા.
વિવેક વિન્સેન્ટ નામના ટ્વિટર યુઝરે ટ્વીટમાં લખ્યું કે ‘આપણને ટ્રોફી મળી હોત તો આપણે એની પૂજા કરી હોત. શેમ ઑન યુ મિચલ માર્શ. આઇસીસી, પ્લીઝ માર્શ સામે કડક પગલાં લો.’
બ્રિગેડિયર પી. સતીશે ટ્વીટમાં લખ્યું કે ‘આ તો ઑસ્ટ્રેલિયનોની બહુ જાણીતી ઉદ્ધતાઈની ઝલક છે.’ ઉત્તમ સોલંકી નામના ટ્વિટર યુઝરે લખ્યું કે ‘મિચલ માર્શનું આ શરમજનક કૃત્ય કહેવાય. ક્રિકેટના ઇતિહાસમાં આ લાંછનરૂપ અને અનાદર તરીકેની ઘટના તરીકે લેખાશે. આવો ઍટિટ્યુડ ચલાવી જ ન લેવાય. ક્રિકેટર્સ ભાવિ પેઢી માટે શું આવો મેસેજ છોડી જવા માગે છે?’
ADVERTISEMENT
ASKRO નામના ટ્વિટર યુઝરે પણ મિચલ માર્શ સામે કડક પગલાં ભરવાનો આઇસીસીને અનુરોધ કર્યો છે. પ્રિયાંશ પટેલ નામના ક્રિકેટ-લવરે ટ્વીટમાં લખ્યું કે ‘દેખો કાંગારૂઝ રિસ્પેક્ટ ભી નહીં કરતે ટ્રોફી કા. આ ઘૃણાસ્પદ હરકત બદલ માર્શ સામે પગલાં લેવાં જોઈએ.’ આયુષ મિઝા નામના યુઝરે મિચલ માર્શ પર આઇપીએલમાં રમવાનો પ્રતિબંધ મૂકી દેવાની માગણી કરી છે.
આઇપીએલમાં મિચલ માર્શ દિલ્હી કૅપિટલ્સ, ડેક્કન ચાર્જર્સ, પુણે વૉરિયર્સ, રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમી ચૂક્યો છે.
વર્લ્ડ કપ ૨૦૨૩ના ટૉપર્સ
બૅટિંગ
કોહલી : ૧૧ ઇનિંગ્સમાં ૭૬૫ રન
રોહિત : ૧૧ ઇનિંગ્સમાં ૫૯૭ રન
ડિકૉક : ૧૦ ઇનિંગ્સમાં ૫૯૪ રન
રાચિન રવીન્દ્ર : ૧૦ ઇનિંગ્સમાં ૫૭૮ રન
ડેરિલ મિચલ : ૯ ઇનિંગ્સમાં ૫૫૨ રન
નોંધ : વિકેટકીપર્સમાં ડિકૉક ૨૦ શિકાર સાથે મોખરે હતો.
બોલિંગ
શમી : ૭ ઇનિંગ્સમાં ૨૪ વિકેટ
ઝૅમ્પા : ૧૧ ઇનિંગ્સમાં ૨૩ વિકેટ
મદુશન્કા : ૯ ઇનિંગ્સમાં ૨૧ વિકેટ
બુમરાહ : ૧૧ ઇનિંગ્સમાં ૨૦ વિકેટ
કૉએટ્ઝી : ૮ ઇનિંગ્સમાં ૨૦ વિકેટ
નોંધ : ફીલ્ડર્સમાં ડેરિલ મિચલ ૧૧ કૅચ સાથે મોખરે હતો.