ઑસ્ટ્રેલિયાના ૪/૪૭૫ : ખ્વાજાની ત્રણ મોટી ભાગીદારી
Australia Vs South Africa
ઉસમાન ખ્વાજા અને સ્ટીવન સ્મિથ
સાઉથ આફ્રિકા સામે સિરીઝની પહેલી બન્ને ટેસ્ટ જીતીને ૨-૦થી વિજયી-સરસાઈ મેળવનાર ઑસ્ટ્રેલિયાનો ગઈ કાલે સિડનીમાં આખરી ટેસ્ટના બીજા દિવસની રમતને અંતે પહેલા દાવનો સ્કોર ૪ વિકેટે ૪૭૫ રન હતો. ઓપનર ઉસમાન ખ્વાજા (૧૯૫ રન, ૩૬૮ બૉલ, એક સિક્સર, ઓગણીસ ફોર) ટેસ્ટમાં ૧૨ સેન્ચુરી બાદ પહેલી વાર ડબલ સેન્ચુરી કરવાની લગોલગ પહોંચી ગયો હતો. તેની અને માર્નસ લબુશેન (૭૯ રન, ૧૫૧ બૉલ, તેર ફોર) વચ્ચે બીજી વિકેટ માટે ૧૩૫ રનની ભાગીદારી થઈ હતી. ત્યાર પછી ખ્વાજાની સ્ટીવન સ્મિથ (૧૦૪ રન, ૧૯૨ બૉલ, બે સિક્સર, અગિયાર ફોર) સાથે ત્રીજી વિકેટ માટે ૨૦૯ રનની પાર્ટનરશિપ થઈ હતી. ઑસ્ટ્રેલિયાની ટીમ ગઈ કાલે જ પહેલો દાવ ડિક્લેર કરવા માગતી હતી, પરંતુ વરસાદને લીધે રમત એક કલાક વહેલી પૂરી કરવી પડી હતી. ખ્વાજાની સાથે ટ્રેવિસ હેડ (૭૦ રન, ૫૯ બૉલ, એક સિક્સર, આઠ ફોર) સાથે ચોથી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી થઈ ત્યાર બાદ ખ્વાજાની સાથે મૅટ રેન્શો પાંચ રને રમી રહ્યો હતો. સાઉથ આફ્રિકન બોલર્સમાં ઍન્રિક નોર્કિયાએ માત્ર પંચાવન રનમાં સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
જોકે કૅગિસો રબાડા ૧૧૯ રનમાં એક અને કેશવ મહારાજ ૧૦૮ રનમાં એક વિકેટ લઈ શક્યો હતો.
ADVERTISEMENT
ઑફ-સ્પિનર સાઇમન હાર્મર ૧૦૯ રનમાં અને માર્કો યેન્સેન ૭૯ રનમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો.
૨૦૨૨માં ખ્વાજાના ૧૦૮૦ રન
ઉસમાન ખ્વાજાએ ૨૦૨૨નું વર્ષ ૧૦૮૦ રન સાથે પૂરું કર્યું હતું. વર્ષને અંતે તેની ૬૭.૫૦ની અફલાતૂન બૅટિંગ-ઍવરેજ હતી. હવે તેણે ૨૦૨૩ના વર્ષની શરૂઆત ધમાકેદાર ઇનિંગ્સ સાથે કરી છે.
સ્મિથ ૧૪મો ખેલાડી
સ્મિથે ૩૦ ટેસ્ટ-સદી ફટકારીને પોતાના જ દેશના લેજન્ડ સર ડોનાલ્ડ બ્રૅડમૅનની ૨૯ સદીની સિદ્ધિ ઓળંગી હતી. સ્મિથની હવે ૩૦ સેન્ચુરી છે. તે ટેસ્ટ-ક્રિકેટમાં ૩૦ કે વધુ સેન્ચુરી ફટકારનારો વિશ્ર્વનો ૧૪મો અને ઑસ્ટ્રેલિયાનો ચોથો ખેલાડી છે. મૅથ્યુ હેડનની ૩૦, સ્ટીવ વૉની ૩૨ અને રિકી પૉન્ટિંગની ૪૧ સેન્ચુરી છે. સચિન ૫૧ ટેસ્ટ-સદી સાથે તમામ પ્લેયર્સમાં મોખરે છે.