પિન્ક બૉલ સામે આ ઑસ્ટ્રેલિયન બૅટરે ફટકારી છે સૌથી વધુ ચાર સેન્ચુરી, ભારત માટે એકમાત્ર સેન્ચુરી વિરાટ કોહલીના નામે છે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન લબુશેનને પેટના ભાગે બૉલ વાગ્યો હતો અને તે રીતસરનો ફસડાઈ પડ્યો હતો.
ઍડીલેડમાં રમાનારી ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ડે-નાઇટ મૅચ એ ક્રિકેટ-ઇતિહાસની ત્રેવીસમી પિન્ક બૉલ ટેસ્ટ બનશે. ટેસ્ટમાં રિઝલ્ટની ગૅરન્ટીવાળા આ પિન્ક બૉલથી ઑસ્ટ્રેલિયન ટીમ સૌથી વધુ ૧૨ ટેસ્ટ રમી છે. એના જ કારણે પિન્ક બૉલ ટેસ્ટમાં ટૉપ-ફાઇવ હાઇએસ્ટ રન સ્કોરર ઑસ્ટ્રેલિયન જ છે. પિન્ક બૉલ ટેસ્ટમાં કુલ ૨૭ સેન્ચુરી થઈ છે જેમાંથી સૌથી વધુ ૧૧ સેન્ચુરી ઑસ્ટ્રેલિયન બૅટર્સે ફટકારી છે. ત્યાર બાદ પાકિસ્તાનના ચાર, સાઉથ આફ્રિકા-ન્યુ ઝીલૅન્ડના ત્રણ-ત્રણ, ઇંગ્લૅન્ડ-શ્રીલંકાના બે-બે અને વેસ્ટ ઇન્ડીઝ-ભારતના એક-એક બૅટરે પિન્ક બૉલ સામે સેન્ચુરી ફટકારી છે.
ઑસ્ટ્રેલિયાના મિડલ ઑર્ડર બૅટર માર્નસ લબુશેનના નામે સૌથી વધુ ચાર પિન્ક બૉલ ટેસ્ટ સેન્ચુરી છે. લબુશેને ન્યુ ઝીલૅન્ડ સામે બે અને પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝ સામે એક-એક સેન્ચુરી ફટકારી છે. ચાર પિન્ક બૉલ ટેસ્ટ રમનાર ભારતીય ટીમ તરફથી એક માત્ર વિરાટ કોહલીએ ૨૦૧૯માં કલકત્તામાં બંગલાદેશ સામે ૧૩૬ રનની ઇનિંગ્સ રમીને સેન્ચુરી નોંધાવી હતી.
ADVERTISEMENT
પિન્ક બૉલ ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારનાર આૅસ્ટ્રેલિયન
માર્નસ લબુશેન ૧૪ ઇનિંગ્સમાં ૮૯૪ રન
સ્ટીવ સ્મિથ ૨૧ ઇનિંગ્સમાં ૭૬૦ રન
ડેવિડ વૉર્નર ૧૭ ઇનિંગ્સમાં ૭૫૩ રન
ટ્રૅવિસ હેડ ૧૨ ઇનિંગ્સમાં ૫૪૩ રન
ઉસ્માન ખ્વાજા ૧૩ ઇનિંગ્સમાં ૫૧૩ રન
પિન્ક બૉલ ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારનાર ભારતીય
વિરાટ કોહલી છ ઇનિંગ્સમાં ૨૭૭ રન
રોહિત શર્મા પાંચ ઇનિંગ્સમાં ૧૭૩ રન
શ્રેયસ ઐયર બે ઇનિંગ્સમાં ૧૫૯ રન
અજિંક્ય રહાણે ચાર ઇનિંગ્સમાં ૧૦૦ રન
ચેતેશ્વર પુજારા ચાર ઇનિંગ્સમાં ૯૮ રન
ત્રિપલ અને ડબલ સેન્ચુરી કોણે ફટકારી હતી?
પિન્ક બૉલ ટેસ્ટમાં બે ત્રિપલ અને એક ડબલ સેન્ચુરી જોવા મળી છે. ૨૦૧૬માં પાકિસ્તાનના અઝહર અલીએ વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૦૨ રનની અને ૨૦૧૯માં ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરે પાકિસ્તાન સામે ૩૩૫ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી, જ્યારે ૨૦૧૭માં ઇંગ્લૅન્ડના ઍલસ્ટર કુકે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૪૩ રનની ઇનિંગ્સ રમી હતી.