ઑસ્ટ્રેલિયન પેસત્રિપુટીનો આ સિતારો પણ ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી ખરી પડ્યો
મિચલ સ્ટાર્ક
૧૯ ફેબ્રુઆરીથી શરૂ થતી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયા એના ત્રણ ફ્રન્ટલાઇન ફાસ્ટ બોલરો વગર રમશે. કૅપ્ટન પૅટ કમિન્સ અને જોશ હેઝલવુડ ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયા પછી ગઈ કાલે મિચલ સ્ટાર્ક અંગત કારણોસર એમાંથી ખસી ગયો હતો. ભારતમાં ૨૦૨૩માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવનારી આ પેસત્રિપુટીની ગેરહાજરીથી કાંગારૂ ટીમને મોટો ફટકો પડ્યો છે. ઑલરાઉન્ડર મિચલ માર્શ પણ ઇન્જરીને લીધે ચૅમ્પિયન્સ ટ્રોફી નથી રમવાનો અને વન-ડે ક્રિકેટમાંથી ઓચિંતી નિવૃિત્ત જાહેર કરવાને પગલે ઑલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસ પણ ઉપલબ્ધ નથી. પાકિસ્તાન અને દુબઈમાં રમાનારી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ સ્ટીવ સ્મિથ કરશે.
ICC કૉમ્પિટિશનમાં ૮ વર્ષ પછી ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કરશે સ્ટીવ સ્મિથ
ADVERTISEMENT
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ઑસ્ટ્રેલિયાએ ફાઇનલ ટીમ જાહેર કરી એમાં નેતૃત્વ સ્ટીવ સ્મિથને સોંપવામાં આવ્યું છે. સ્મિથ ૨૦૧૭ પછી પહેલી વાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કોઈ કૉમ્પિટિશનમાં કૅપ્ટન્સી કરશે. છેલ્લે તેણે ૨૦૧૭માં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જ ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું. બૉલ-ટૅમ્પરિંગ સ્કૅન્ડલને પગલે તેના કૅપ્ટન બનવા પર મુકાયેલો પ્રતિબંધ દૂર થયા પછી તેણે ઑસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ દ્વિપક્ષી સિરીઝોમાં તો કર્યું છે, પણ ICC કૉમ્પિટિશનમાં તે ઘણાં વર્ષે કૅપ્ટન્સી કરશે.

