ઇંગ્લૅન્ડે આપેલા ૩૫૨ રનના વિશાળ ટાર્ગેટને ૪૭.૩ ઓવર્સમાં ચેઝ કરીને ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટની જીત સાથે વિજયી શરૂઆત કરી : ટુર્નામેન્ટમાં પહેલી વાર ૧૫૦ પ્લસ રનનો વ્યક્તિગત સ્કોર અને એક મૅચમાં ૭૦૦ પ્લસ રન પણ થયા
ઇંગ્લૅન્ડના બેન ડકેટે ચૅમ્પિયન્સ ટ્રોફીનો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો, ગઈ કાલે જીત હાંસલ કરી લીધા પછી ગ્લેન મૅક્સવેલ અને જોશ ઇંગ્લિસ.
ગઈ કાલે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચૅમ્પિયન્સ ટ્રોફીની ચોથી મૅચ રેકૉર્ડ-બ્રેકિંગ રહી હતી. ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલા ઇંગ્લૅન્ડે ૮ વિકેટ ગુમાવીને આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ ૩૫૧ રનનો સ્કોર કર્યો હતો જેને ઑસ્ટ્રેલિયાની ટીમે ૪૭.૩ ઓવરમાં પાંચ વિકેટના નુકસાન સાથે ૩૫૬ રન ફટકારી ૩૫૨ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. આ જીત સાથે ઑસ્ટ્રેલિયાએ છેલ્લાં ૧૫ વર્ષથી ચૅમ્પિયન્સ ટ્રોફીની એક પણ મૅચ ન જીતવાનો સિલસિલો તોડ્યો હતો. છેલ્લાં ૧૫ વર્ષમાં કાંગારૂ ટીમને ૬માંથી ત્રણ મૅચમાં હાર મળી હતી અને ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
૫.૨ ઓવરમાં ૪૩ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવનાર ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટે પોતાની કરીઅરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમીને સાથી પ્લેયર્સ સાથે શાનદાર પાર્ટનરશિપની મદદથી ટીમને ઐતિહાસિક સ્કોર સુધી પહોંચી દીધી હતી. બેન ડકેટે ૧૧૫.૩૮ના સ્ટ્રાઇક રેટથી ૧૪૩ બૉલમાં ૧૭ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૧૬૫ રનની ઇનિંગ્સ રમી આ ટુર્નામેન્ટનો હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. ICC વન-ડે ઇવેન્ટમાં ઇંગ્લૅન્ડ માટે આ સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ પણ હતી. તેણે જો રૂટ (૭૮ બૉલમાં ૬૮ રન) સાથે ત્રીજી વિકેટ માટે ૧૫૫ બૉલમાં ૧૫૮ રન અને કૅપ્ટન જોસ બટલર (૨૧ બૉલમાં ૨૩ રન) સાથે પાંચમી વિકેટ માટે ૪૨ બૉલમાં ૬૧ રનની પાર્ટનરશિપ કરી હતી.
ADVERTISEMENT
વિશાળકાય ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા ઑસ્ટ્રેલિયાએ ૪.૧ ઓવરમાં ૨૭ રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ઓપનર મૅથ્યુ શૉર્ટ (૬૬ બૉલમાં ૬૩ રન) અને મિડલ ઑર્ડર બૅટર માર્નસ લબુશેન (૪૫ બૉલમાં ૪૭ રન)ની ત્રીજી વિકેટ માટે ૯૧ બૉલમાં ૯૫ રનની પાર્ટનરશિપ ઇંગ્લૅન્ડ માટે આશાનું કિરણ બની હતી. ત્યાર બાદ વિકેટકીપર-બેટર જોશ ઇંગ્લિસે (૮૬ બૉલમાં ૧૨૦ રન અણનમ) પાંચમી વિકેટ માટે ઍલેક્સ કૅરી (૬૩ બૉલમાં ૬૯ રન) સાથે ૧૧૬ બૉલમાં ૧૪૬ રનની અને છઠ્ઠી વિકેટ માટે ગ્લેન મૅક્સવેલ (૧૫ બૉલમાં ૩૨ રન અણનમ) સાથે ૩૬ બૉલમાં ૭૪ રનની પાર્ટનરશિપ કરીને ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં અને ઓવરઑલ ICC ટુર્નામેન્ટના ઇતિહાસમાં હાઇએસ્ટ રન ટાર્ગેટ-ચેઝનો રેકૉર્ડ બનાવી દીધો હતો. કાંગારૂ બૅટર્સ સામે જોફ્રા આર્ચર (૮૨ રનમાં એક વિકેટ), માર્ક વુડ (૭૫ રનમાં એક વિકેટ) અને બ્રાયડન કાર્સ (૬૯ રનમાં એક વિકેટ) જેવા મુખ્ય બોલર સૌથી વધુ ધોવાયા હતા.
પહેલી વાર બની આ ઘટનાઓ?
ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર બેન ડકેટના રૂપમાં કોઈ પ્લેયરે ૧૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી છે. જોશ ઇંગ્લિસ આ ટુર્નામેન્ટમાં સેન્ચુરી કરનાર પહેલો ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટર બન્યો હતો. પહેલી વાર આ ટુર્નામેન્ટમાં ૩૫૦ પ્લસ રનનો સ્કોર બન્યો હતો. છેલ્લે ૨૦૦૪માં ન્યુ ઝીલૅન્ડે અમેરિકા સામે સાત વિકેટે ૩૪૭ રનનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. પહેલી વાર આ ટુર્નામેન્ટમાં ૩૫૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ પણ થયો છે. ICC વન-ડે ઇવેન્ટમાં પણ આ સૌથી મોટી રન-ચેઝ બની છે. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાને શ્રીલંકા સામે ૩૪૫ રનનો ટાર્ગેટ ચેઝ કરી બતાવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પહેલી વાર એક મૅચમાં ૭૦૦ પ્લસ રન બન્યા છે. આ મૅચમાં કુલ ૭૦૭ રન થયા હતા.
પાકિસ્તાનની ધરતી પર વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન
ગઈ કાલે લાહોરમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચૅમ્પિયન્સ ટ્રોફીની મૅચ પહેલાં એક-બે સેકન્ડ માટે ભારતનું રાષ્ટ્રગીત વાગતાં પાકિસ્તાની ફૅન્સમાં ગુસ્સો જોવા મળ્યો હતો. મૅચ શરૂ થાય એ પહેલાં, જ્યારે બન્ને ટીમો રાષ્ટ્રગીત માટે લાઇનમાં ઊભી હતી ત્યારે દર્શકો ભારતનું ‘જન ગણ મન...’ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે એને તરત જ બંધ કરી દેવામાં આવ્યું હતું. અહેવાલ અનુસાર આ ભૂલ ICCની ટીમ તરફથી થઈ છે. તમામ આઠ ટીમનાં રાષ્ટ્રગીત એક પ્લેલિસ્ટમાં હોવાથી આ ભૂલ થઈ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ઘટના વિશે પણ ICC પાસે સ્પષ્ટતા માગી છે. ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમી રહી નથી છતાં એનું રાષ્ટ્રગીત વાગવાની ઘટના બની એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

