કાંગારૂઓ સામે કૅરિબિયનો સૌથી મોટા ૪૧૯ રનના માર્જિનથી હાર્યા : ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની નજીક
Australia Vs West indies
ઑસ્ટ્રેલિયા ૧૧મી ડે/નાઇટ ટેસ્ટ પણ જીત્યું
ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ઍડીલેડમાં વેસ્ટ ઇન્ડીઝને બીજી અને અંતિમ ટેસ્ટમાં ૪૧૯ રનથી હરાવીને શ્રેણીમાં ૨-૦થી ક્લીન સ્વીપ કરી હતી અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની લગોલગ પહોંચી ગયું હતું. વેસ્ટ ઇન્ડીઝ સામે રનની ગણતરીએ ઑસ્ટ્રેલિયાની આ સૌથી મોટી જીત છે.
પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ-ક્રિકેટની શરૂઆત નવેમ્બર ૨૦૧૫માં થઈ હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધી ઑસ્ટ્રેલિયા કુલ ૧૧ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ રમ્યું છે અને બધી મૅચ જીત્યું છે. ૧૧માંથી આવી ૭ ટેસ્ટ ઍડીલેડ ઓવલમાં રમાઈ છે.
ADVERTISEMENT
કૅરિબિયનો ૭૭માં ઑલઆઉટ
ઑસ્ટ્રેલિયાએ ક્રેગ બ્રેથવેઇટના સુકાનમાં રમતી વેસ્ટ ઇન્ડીઝની ટીમને જીતવા માટે ૪૯૭ રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ આ મહેમાન ટીમ ૪૦.૫ ઓવરમાં ફક્ત ૭૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ભૂતપૂર્વ ક્રિકેટર શિવનારાયણ ચંદરપૉલનો પુત્ર તેજનારાયણ ચંદરપૉલના ૧૭ રન ટીમમાં હાઇએસ્ટ હતા. ત્રણ બૅટર્સ ઝીરોમાં વિકેટ ગુમાવી બેઠા હતા. મિચલ સ્ટાર્ક, સ્કૉટ બોલૅન્ડ અને માઇકલ નેસરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. એક વિકેટ નૅથન લાયને લીધી હતી. પહેલા દાવમાં ઑસ્ટ્રેલિયાના ૫૧૧/૭ના સ્કોર સામે કૅરિબિયનો ૨૧૪ રન બનાવી શક્યા હતા અને પછી બીજા દાવમાં કાંગારૂઓએ ૧૧૯/૬ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. ઑસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટ ૧૬૪ રનથી જીતી લીધી હતી.
ટ્રેવિસ, લબુશેનને અવૉર્ડ
ફર્સ્ટ ઇનિંગ્સમાં ૧૭૫ રન અને સેકન્ડ ઇનિંગ્સમાં અણનમ ૩૮ રન બનાવનાર ટ્રેવિસ હેડ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. પહેલા દાવના બીજા સેન્ચુરિયન માર્નસ લબુશેન (૧૬૩ રન)ના ટેસ્ટ-સિરીઝમાં ૫૦૨ રન હતા જે બધા બૅટર્સમાં હાઇએસ્ટ હતા. તેણે ૫૦૨ રન ત્રણ સદીની મદદથી બનાવ્યા હતા.
450
સ્પિનર નૅથન લાયને આટલામી ટેસ્ટ-વિકેટ ગઈ કાલે લીધી હતી. ઑસ્ટ્રેલિયન બોલર્સમાં સૌથી વધુ વિકેટ લેનારાઓમાં તે શેન વૉર્ન અને ગ્લેન મૅક્ગ્રા પછી ત્રીજા નંબરે છે.