હાઈ-વૉલ્ટેજ મૅચમાં માત્ર ૨૦ ટકા પ્રેક્ષકો : આ મુકાબલાની ટિકિટના કોઈ લેવાલ ન હોવાનો અભૂતપૂર્વ બનાવ : મુખ્ય યજમાન પાકિસ્તાને ટિકિટનો ભાવ ૪૨,૦૦૦થી ૨,૬૦,૦૦૦ રૂપિયા રાખ્યો હતો : વરસાદની આગાહી પણ કારણરૂપ : પછીથી એસીસીએ ભાવ ઘટાડીને ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા કરી
Asia Cup 2023
પહેલી વાર ભારત-પાકિસ્તાનની મૅચમાં સ્ટેડિયમ ખાલીખમ
આર્થિક બોજનો માર ઝીલી રહેલા પાકિસ્તાનને હવે ક્રિકેટ બોર્ડથી પણ આર્થિક ઝટકો લાગવાની તૈયારીમાં છે. એશિયા કપ ટુર્નામેન્ટમાં રવિવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં માત્ર ૨૦ ટકા પ્રેક્ષકોની હાજરી હોવાથી એેશિયા કપ બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જબરો ફટકો પડવાના અણસાર છે. અમુક દિવસો પહેલાં લાખ્ખો શ્રીલંકન રૂપિયામાં વેચાતી ટિકિટ રવિવારે મૅચ શરૂ થવાની પહેલાં કાગળિયાના ભાવમાં વેચાતી જોવા મળી હતી. એક તરફ વર્લ્ડ કપની ટિકિટ મળવાના કોઈ સંકેત નથી ત્યાં બીજી તરફ એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મૅચના કોઈ લેવાલ નથી.
અત્યાર સુધી ક્રિકેટના ઇતિહાસમાં ભારત-પાકિસ્તાનની દરેક મૅચમાં સ્ટેડિયમ ફુલ-પૅક્ડ જોવા મળ્યાં છે, પરંતુ ગઈ કાલે કોલંબોમાં ૮૦ ટકા સ્ટેડિયમ ખાલી હોવાનો પહેલો દાખલો આ બે દેશ વચ્ચેની મૅચમાં રવિવારે જોવા મળ્યો હતો. પાકિસ્તાન કિકેટ બોર્ડને આશા હતી કે બીજી સપ્ટેમ્બરની જેમ ૧૦ સપ્ટેમ્બર, રવિવારે પણ ટિકિટની ભારે ડિમાન્ડ થશે. પાકિસ્તાન બોર્ડે સુપર-ફોર અને ફાઇનલની ટિકિટનો ભાવ ૧૨૫થી ૮૦૦ ડૉલરમાં રાખ્યો હતો. શ્રીલંકાના રૂપિયામાં આ ભાવ ૪૨,૦૦૦થી શરૂ થઈને ૨,૬૦,૦૦૦ રૂપિયા સુધી હતો, પરંતુ ભારત-પાકિસ્તાન મૅચની ટિકિટબારી પર કાગડા ઊડતા જોવા મળતા હતા. ભારત અને પાકિસ્તાનથી શનિવાર અને રવિવારની રજા માણવા આવેલા અમુક લોકો ઑનલાઇન ટિકિટ લઈને આવ્યા હતા. ભારત-પાકિસ્તાન મૅચમાં ટિકિટ મેળવવા ફાંફાં મારતા ક્રિકેટ સમર્થકો મફતમાં પણ ટિકિટ લેવા તૈયાર નહોતા.
ADVERTISEMENT
એસીસીએ ભાવ ખૂબ ઘટાડ્યા
જોકે ગઈ કાલે મૅચ શરૂ થયા અગાઉ આ મૅચની ટિકિટ માત્ર ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા જેવા નજીવા ભાવમાં મળતી હોવાની માહિતી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ એક પ્રેસ રિલીઝ દ્વારા જાહેર કરી હતી.
૮૦ ટકા ખાલી સ્ટૅન્ડ હાસ્યાસ્પદ
મુંબઈથી આવેલા સ્પોર્ટ્સ ટ્રાવેલ એજન્સીના માલિક રાજ ખાંડવાલાએ આ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘એસીસીએ સુપર-ફોરની ભારત-પાકિસ્તાન મૅચનું માર્કેટિંગ જ સહી ઢંગથી કર્યું નથી. અમુક જ લોકોને ખબર છે કે A1 અને A2 ટીમ કઈ છે. આવી હાઈ-પ્રોફાઇલ મૅચમાં અનેક સ્ટૅન્ડ પ્રેક્ષકો વગર ખાલીખમ જવા હાસ્યાસ્પદ બાબત છે.’
બન્ને બોર્ડ આર્થિક ભીંસમાં
આર્થિક ભીંસની માર આયોજક પાકિસ્તાન અને શ્રીલંકા બન્ને ક્રિકેટ બોર્ડને છે. આવામાં ક્રિકેટ વિશ્વની સૌથી મોટી કમાઉ મૅચની ટિકિટો ન વેચી પોતાની અને દેશની તિજોરી ભરી ન શકવા બદલ ક્રિકેટના જાણકારો આવનારા દિવસોમાં બન્ને બોર્ડને વખોડે તો નવાઈ નહીં લાગે.