નંબર-વન પાકિસ્તાન આજે ૧૫મા ક્રમના નેપાલને જરાય અન્ડર-એસ્ટિમેટ નહીં કરે : ભારત અને પાકિસ્તાનનો ‘ત્રણમાંનો’ પ્રથમ મુકાબલો શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યાથી
રોહિત પૉડેલ અને બાબર આઝમ
પાકિસ્તાન અને શ્રીલંકામાં આજથી એશિયા કપ વન-ડે ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે, જેમાં આ બન્ને દેશ અને ભારત સહિત કુલ ૬ દેશની ટીમ ભાગ લઈ રહી છે. ભારત, પાકિસ્તાન, નેપાલ ગ્રુપ ‘એ’માં અને શ્રીલંકા, બંગલાદેશ, અફઘાનિસ્તાન ગ્રુપ ‘બી’માં છે. આજે (બપોરે ૩.૦૦ વાગ્યાથી) ટુર્નામેન્ટનો પ્રથમ મુકાબલો મુલતાનમાં પાકિસ્તાન અને નેપાલ વચ્ચે છે. પાકિસ્તાન તાજેતરમાં જ વન-ડેમાં નંબર-વન થયું, જ્યારે રૅન્કિંગ્સમાં નેપાલનો ૧૫મો રૅન્ક છે.
અમદાવાદમાં ૧૪ ઑક્ટોબરે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે જે મૅચ રમાવાની છે એ વિશ્વકપનો સર્વોત્તમ મુકાબલો બની શકે, પરંતુ એ પહેલાં એશિયા કપમાં આ બન્ને કટ્ટર દેશ વચ્ચે એક કે બે નહીં, પણ ત્રણ ટક્કર થઈ શકે. બીજી સપ્ટેમ્બરનો લીગ મુકાબલો નક્કી છે. ૧૦ સપ્ટેમ્બરનો સુપર-ફોર મુકાબલો પણ થવાની પાકી સંભાવના છે, કારણ કે એમાં ગ્રુપ ‘એ’ની ટોચની બે ટીમ (ભારત-પાકિસ્તાન) ટકરાશે. ૧૭ સપ્ટેમ્બરે ફાઇનલમાં પણ આ જ બન્ને દેશ આવી શકે.
ADVERTISEMENT
મુલતાનમાં અસહ્ય ગરમી
પાકિસ્તાનનું શહેર મુલતાન ભારતીયોમાં તો વીરેન્દર સેહવાગને કારણે જ પ્રચલિત છે. તેણે આ જ મેદાન પર ટ્રિપલ સેન્ચુરી (૨૦૦૪માં ૩૦૯ રન) ફટકારી હતી અને ત્યારથી તે ‘મુલતાન કા સુલતાન’ તરીકે ઓળખાય છે. જોકે આજે મુલતાનમાં અસહ્ય ગરમીમાં એશિયા કપનો પ્રથમ મુકાબલો પાકિસ્તાન અને નેપાલ વચ્ચે થવાનો છે. ક્રિકેટમાં જાયન્ટ પાકિસ્તાન સામે નેપાલ બહુ નાની ટીમ કહેવાય, પરંતુ કહેવાય છેને કે ક્રિકેટમાં તો કંઈ પણ શક્ય છે.
નેપાલ પહેલી વાર એશિયા કપમાં
ટચૂકડા દેશ નેપાલની ક્રિકેટ ટીમ પહેલી જ વાર એશિયા કપમાં રમી રહી છે. પાકિસ્તાન સામે નેપાલની કોઈ પણ ફૉર્મેટમાં આ પહેલી જ મૅચ છે. નેપાલની ટીમ એપ્રિલ-મેમાં ૧૦ ટીમ વચ્ચેની એસીસી મેન્સ પ્રીમિયર કપ ટુર્નામેન્ટ જીતીને એશિયા કપમાં પ્રવેશ્યું છે. એમાં એણે યુએઈ તથા હૉન્ગકૉન્ગ જેવી જાણીતી ટીમોને પાછળ રાખીને ટાઇટલ જીતી લીધું હતું. યુએસ, હૉન્ગકૉન્ગ અગાઉ એશિયા કપમાં રમી ચૂક્યા છે. નેપાલે એ પહેલાં ૧૨માંથી ૧૧ વન-ડે જીતીને વન-ડે વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં સ્થાન મેળવ્યું હતું. આ બધુ જોતાં નેપાલની ટીમને પાકિસ્તાન આજે અન્ડર-એસ્ટિમેટ નહીં કરે. સોમપાલ કામી અને કરણ કેસી નેપાલના બે મુખ્ય પેસ બોલર્સ છે.
પાકિસ્તાન એશિયા કપનું મુખ્ય યજમાન છે, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર એની માત્ર બે મૅચ રમાવાની છે. પાકિસ્તાનમાં જ કુલ ચાર મુકાબલા થવાના છે અને બાકીની બધી મૅચો શ્રીલંકામાં થશે.
મારી ટીમ પાકિસ્તાન અને ભારત સામે ટક્કર ઝીલી શકે એવી છે. અમે પહેલી વાર એશિયા કપમાં આવ્યા છીએ , પરંતુ અમારી તાકાત અને કાબેલિયત જોતાં અમે આ એન્ટ્રી ડીઝર્વ કરીએ છીએ . : રોહિત પૉડેલ (નેપાલનો કૅપ્ટન)
ભારતના કૅપ્ટન રોહિત શર્મા પહેલાં નેપાલના સુકાની રોહિત પૉડેલ સાથે પાકિસ્તાનની થશે જોરદાર ટક્કર
રોહિત શર્મા ભારતનો કૅપ્ટન છે અને ભારત-પાકિસ્તાનની મૅચ શનિવાર, બીજી સપ્ટેમ્બરે કૅન્ડીના પલ્લેકેલમાં રમાવાની છે, પરંતુ એ પહેલાં પાકિસ્તાનનો સુકાની બાબર આઝમ આજે નેપાલના કૅપ્ટન રોહિત પૉડેલ સાથે ટૉસ માટે મેદાન પર ઊતરશે. ૨૮ વર્ષના બાબરને ૧૦૩ વન-ડેનો અનુભવ છે, જેમાં તે ૧૮ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. ૨૦ વર્ષનો રોહિત પૉડેલ બાવન વન-ડે રમ્યો છે, જેમાંની મોટા ભાગની મૅચો નાના દેશો સામે રમાઈ છે. નવલપારાસીમાં જન્મેલા રોહિત પૉડેલે એકમાત્ર સેન્ચુરી સાથે કુલ ૧૪૬૯ રન બનાવ્યા છે. શનિવારે ૨૧ વર્ષ પૂરાં કરનાર રોહિત પૉડેલ વન-ડેનો બીજા નંબરનો સૌથી યુવાન સુકાની છે. વન-ડે વર્લ્ડ કપની વર્તમાન સાઇકલમાં નેપાલ (૫૧) પાકિસ્તાન (૩૧) કરતાં વધુ વન-ડે રમ્યું છે.
આજની મૅચ માટેની બન્ને ટીમની સંભવિત ઇલેવન:
પાકિસ્તાન : બાબર આઝમ (કૅપ્ટન), રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, આગા સલમાન, ઇફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ અને રઉફ.
નેપાલ : રોહિત પૉડેલ (કૅપ્ટન), આસિફ શેખ (વિકેટકીપર), કુશાલ ભુર્ટેલ, ભીમ શાર્કી, કુશાલ મલ્લા, દીપેન્દ્રસિંહ એઇરી, ગુલસન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લમીછાને અને લલિત રાજબન્શી.