એશિયા કપમાં સુપર-ફોરની મૅચો નિર્વિઘ્ન રમાડવા ૧૦૦ ગ્રાઉન્ડ્સમેનની ફોજ કામે લાગી
શ્રીલંકામાં ૧૦૦ ગ્રાઉન્ડ્સમેન ખડેપગે
વરસાદના ઓછાયા હેઠળ રમાઈ રહેલી એશિયા કપ ક્રિકેટ સિરીઝમાં હવે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે રવિવારે કોલંબોમાં સુપર-૪ના મુકાબલામાં ઊતરવાની છે અને બીજી તરફ એશિયા કપના આયોજકો બાકી બચેલી મૅચો વરસાદના વિઘ્ન સિવાય પૂરી પાડવા માટે પુરજોશ મહેનત કરી રહ્યા છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) અને બીસીસીઆઇ વચ્ચે સુપર-૪ની મૅચના સ્થળને લઈને થોડી ખટપટ થઈ છે. શ્રીલંકાનાં મુખ્ય શહેરો કોલંબો અને કૅન્ડીમાં મેઘરાજા ત્રાટક્યા હોવાને કારણે આયોજક શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સુપર-૪ અને ફાઇનલની મૅચો હમ્બનટોટામાં રમાડવા ઇચ્છતું હતું. હમ્બનટોટામાં અન્ય શહેરોના મુકાબલે વરસાદની શક્યતા નહીંવત્ હોવાથી ત્યાં બાકી બચેલી ટુર્નામેન્ટ સફળતાપૂર્વક થઈ શકે એમ હતી, પરંતુ બીસીસીઆઇએ એસીસીને ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે ટીમ ઇન્ડિયા કોલંબો સિવાય અન્ય કોઈ સ્થળે રમવા ઇચ્છતી નથી. ગ્રાઉન્ડ્સમેન આ વિશે પૂરતી તૈયારી કરી લે એવી સલાહ બીસીસીઆઇએ એસીસીને આપી હતી.
ADVERTISEMENT
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ એસીસીના ચીફ છે.
રવિવારે ભારત v/s પાકિસ્તાન
રવિવારે ૧૦ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી બીજી મોટી મૅચ વરસાદને કારણે વિવાદમાં ન આવે એ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધિકારીઓ તૈયારી કરી રહ્યા છે. આવતા અઠવાડિયે વરસાદની આગાહી હોવા છતાં સુપર-૪ની મૅચો અને એશિયા કપની ફાઇનલ માટે કોલંબોનું આર. પ્રેમદાસા સ્ટેડિયમ પૂરી રીતે તૈયાર કરવા માટે આયોજકોને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે. સુપર-૪ની મૅચો હવે ૯ સપ્ટેમ્બરથી કોલંબોમાં રમાશે, જ્યારે ફાઇનલ ત્યાં જ ૧૭ સપ્ટેમ્બરે રમાશે.
શ્રીલંકામાં ૧૦૦ ગ્રાઉન્ડ્સમેન ખડેપગે
એસએસસીના નૅશનલ ક્યુરેટર ગૉડફ્રે ડુબ્રેરાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની ટીમ કોઈ પણ મેદાન પર પરિસ્થિતિને સંભાળી શકે છે. કોલંબો, પલ્લેકેલ અને હમ્બનટોટામાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ અમે લગભગ ૧૦૦ લોકોની ટીમ બનાવી છે જે ત્રણેય સ્થળોએ પિચ તૈયાર કરી રહી છે. અમને કહેવામાં આવ્યું છે કે અહીં મૅચો યોજાશે એથી અમે એ મુજબ તૈયારી કરી રહ્યા છીએ, પરંતુ હું કહી શકું છું કે જો જરૂર પડે તો ત્રણેય સ્થળોએ મૅચનું આયોજન કરી શકાય છે,એવું ગૉડફ્રે જણાવે છે.
બ્રૉડકાસ્ટર્સની પણ ચીમકી
બ્રૉડકાસ્ટર્સે એશિયા કપના આયોજકોને ચોખ્ખું કહી દીધું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી સપ્ટેમ્બરની મૅચ વરસાદને કારણે આખી ન રમાઈ એટલે અમને ઘણું નુકસાન થયું છે, પરંતુ હવે રવિવારની આ જ બે દેશ વચ્ચેની મૅચ વરસાદને કારણે કોઈ રીતે ખોરવાઈ ન જાય એવું કંઈક કરજો, નહીં તો અમારે આર્થિક મુદ્દો તમારી સમક્ષ લાવવો પડશે.
પીસીબીની જય શાહને મેઇલ
એશિયા કપના મુખ્ય આયોજક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એસીસીના ચૅરમૅન જય શાહને એક ઈ-મેઇલ મોકલવામાં આવી છે, જેમાં શ્રીલંકામાં વરસાદને કારણે જે મૅચોને વિપરીત અસર થઈ છે એ મૅચોની ટિકિટના વેચાણ ન થવા સામે વળતર આપવાની માગણી કરી છે. જોકે હકીકતમાં એશિયા કપમાં પીસીબીએ પ્રમાણમાં ટિકિટના ઊંચા રેટ રાખ્યા છે.