માહીની ફૅન નિતિકા જયસ્વાલ ફ્લાઇટના ઇકૉનૉમી ક્લાસમાં ક્રિકેટ-લેજન્ડની વિનમ્રતાથી પ્રભાવિત થઈ
ધોનીએ ઍર-હૉસ્ટેસ પાસેથી ખજૂરનું પૅકેટ સ્વીકાર્યું અને ચૉકલેટ્સ પાછી આપી
ભારતના ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્ર સિંહ ધોનીની ગણના વિશ્વના મહાન ક્રિકેટર્સમાં તો થાય જ છે, પરંતુ તેના અદ્ભુત વ્યક્તિત્વની પણ વિશ્વભરમાં વાહ-વાહ થઈ છે. ‘જેન્ટલમેન્સ ગેમ’ ક્રિકેટના આ જિનિયસ ખેલાડી અને કૂલ-કૅપ્ટને તાજેતરમાં આઇપીએલમાં પાંચમું ટાઇટલ જીતીને પોતાની મહાનતાની ફરી એક વાર ઝાંખી કરાવી હતી. સુપરસ્ટાર હોવા છતાં કોઈની પણ પ્રત્યે હંમેશાં વિનમ્રતા અને ‘ડાઉન ટુ અર્થ’ અપ્રોચ બતાવતા માહીના દેશ-વિદેશમાં કરોડો ચાહકો છે.
ધોનીની લોકપ્રિયતા, મહાનતા અને અપ્રતિમ વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થયેલી એક ઍર-હૉસ્ટેસે તાજેતરમાં વિમાનપ્રવાસ દરમ્યાન ધોનીના સૌમ્ય અને વિનમ્ર સ્વભાવને પ્રત્યક્ષ માણ્યો હતો. નિતિકા જયસ્વાલ નામની આ ઍર-હૉસ્ટેસે પોતાની ફ્લાઇટમાં ધોની હોવાનું જણાતાં જ એક ટ્રેમાં ચૉકલેટ્સનાં ઘણાં પૅકેટ્સ તેમ જ ખજૂરનાં પૅકેટ લઈને તેની પાસે પહોંચી ગઈ હતી. ધોનીની બાજુની સીટમાં પત્ની સાક્ષી પણ બેઠી હતી. ઍર-હૉસ્ટેસ જે ધોનીની ફૅન છે તેણે ધોનીને ચૉકલેટ્સ અને ખજૂર (તેના સ્વાગત તરીકે) ઑફર કર્યાં હતાં. ધોનીએ હળવા સ્મિત સાથે તેની આ ઑફરને આવકારી હતી અને એમાંથી ખજૂરનું પૅકેટ સ્વીકારીને બાકીની આખી ટ્રે વિનમ્રતાપૂર્વક પાછી આપી હતી. ધોનીએ ઍર-હૉસ્ટેસ સાથે થોડી વાતચીત પણ કરી હતી અને તેણે શુભેચ્છાનો સંદેશ લખાયેલો કાગળ સ્વીકાર્યો હતો.
૭ જુલાઈએ ૪૨ વર્ષ પૂરા કરનાર ધોની ફિટનેસ લેવલ જાળવી રાખવા માટે ખૂબ જાણીતો છે. તે સ્ટ્રિક્ટ ડાયટ ફૉલો કરે છે અને ઘૂંટણમાં સર્જરી કરાવ્યા પછી ખાવા-પીવામાં ખૂબ કાળજી રાખે છે.
ADVERTISEMENT
ઇકૉનૉમી ક્લાસમાં પ્રવાસ
ધોની પત્ની સાક્ષી સાથે ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટમાં ઇકૉનૉમી ક્લાસમાં પ્રવાસ કરી રહ્યો હતો. કૅન્ડી ક્રશ ગેમ રમી રહ્યો હતો ધોની વિમાનપ્રવાસ દરમ્યાન પોતાના ટૅબ્લેટ પર ‘કૅન્ડી ક્રશ’ વિડિયો ગેમ રમી રહ્યો હતો. તેના પ્રવાસને લગતો વિડિયો વાઇરલ થતાં જ કૅન્ડી ક્રશ ઍપના માલિકે ટ્વિટર પર ‘થૅન્ક યુ નોટ’ પોસ્ટ કરી હતી. એમાં લખવામાં આવ્યું હતું કે ‘થૅન્ક્સ ટુ ધ ઇન્ડિયન ક્રિકેટ લેજન્ડ એમએસ ધોની. અમે તમારા થકી જ ભારતમાં પૉપ્યુલર છીએ.’
વિમાનમાં બેઠેલા ધોનીને ‘કૅન્ડી ક્રશ’ વિડિયો ગેમ રમી રહેલો બતાવતો જે વિડિયો ટ્વિટર પર પોસ્ટ થયો એ પછી ત્રણ જ કલાકમાં આ ગેમ માટે આટલા લાખ નવા ડાઉનલોડ થયા હોવાનું ગેમના માલિકોએ જણાવ્યું હતું.
ઍર-હૉસ્ટેસે સ્ટોરીમાં લખ્યું, ‘માય ઑલ ટાઇમ ક્રશ, માય લવ’
ધોનીને ચૉકલેટ્સ અને ખજૂર સર્વ કરનાર ઍર-હૉસ્ટેસ નિતિકા જયસ્વાલે ઇન્સ્ટાગ્રામ પર ધોની સાથેની મુલાકાતવાળો વિડિયો પોસ્ટ કરવાની સાથે સ્ટોરીમાં આ મુજબ લખ્યું હતું ઃ હું ધોનીને મળીને એટલી બધી ખુશ અને પ્રભાવિત થઈ છું કે વાત ન પૂછો! માત્ર ફ્લાઇટમાં જ નહીં, આખો દિવસ હું તેની સાથેની મુલાકાતની ક્ષણોને જ યાદ કર્યાં કરતી હતી. હું તેને મળી એ હજી મારા માનવામાં નથી આવતું. માય ઑલ ટાઇમ ક્રશ, માય લવ. તેની મહાનતાનાં વખાણ કરું એટલા ઓછા છે. તે ખૂબ જ વિનમ્ર સ્વભાવનો અને ડાઉન ટુ અર્થ છે. ઓહ માય ગૉડ! હું (તેની મુલાકાતને યાદ કરીને) હજી પણ મનોમન ખુશખુશાલ થઈને હસ્યા કરું છું.’ નિતિકા જયસ્વાલની ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીને ૨૨,૦૦૦થી પણ વધુ લાઇક્સ મળ્યા હતા.