ચેન્નઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ પ્લેયર અંબાતી રાયુડુએ કહ્યું...
અંબાતી રાયુડુ
ભારતના ભૂતપૂર્વ બૅટ્સમૅન અંબાતી રાયુડુએ પોતાની ભૂતપૂર્વ ફ્રૅન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સ અને એના સૌથી અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની વિશે મોટું નિવેદન આપ્યું છે. તે માને છે કે ધોની માટે અભૂતપૂર્વ સમર્થન ધીમે-ધીમે એક હાનિકારક જુસ્સામાં ફેરવાઈ ગયું છે જે અન્ય બૅટ્સમૅન માટે સારું નથી, કારણ કે દર્શકો ફક્ત ધોનીની બૅટિંગને જોવા માગે છે.
૩૯ વર્ષના IPL કૉમેન્ટેટર રાયુડુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘ચેન્નઈના નવા બૅટ્સમેન માટે આ એક મોટો પડકાર છે. ફૅન્સનો ટેકો અદ્ભુત છે, પણ જ્યારે તમે રમવા માટે મેદાન પર ઊતરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ ટેકો ચેન્નઈ સુપર કિંગ્સ પહેલાં ધોની માટે છે. આ એકદમ સ્પષ્ટ અને સાચું છે, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ટીમને આ રીતે તૈયાર કરવામાં આવી રહી છે. તેનું નામ યોગ્ય રીતે થાલા (નેતા) છે અને તેણે ચેન્નઈ ટીમ માટે પ્રભાવ પાડ્યો છે. લોકો તેમણે ચેન્નઈ ટીમ માટે જે કર્યું છે એના માટે પ્રેમ કરે છે.’
ADVERTISEMENT
રાયુડુ આગળ કહે છે કે ‘ટીમમાં ઘણા લોકો એ પણ સમજે છે કે જ્યારે અન્ય બૅટ્સમૅન બૅટિંગ કરવા આવે છે ત્યારે દર્શકો ઇચ્છે છે કે તેઓ વહેલા આઉટ થઈ જાય. એથી એ ખૂબ જ વિચિત્ર છે અને પ્રામાણિકપણે મને નથી લાગતું કે એ રમત માટે સારું છે. અન્ય પ્લેયર્સ પણ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે અને આજે તેઓ જે સ્થાન પર છે ત્યાં પહોંચવા માટે તેમણે ઘણું બલિદાન આપ્યું છે. ચેન્નઈ ફ્રૅન્ચાઇઝીએ એવો કોઈ પ્લેયર પેદા કર્યો નથી જે દર્શકોને આકર્ષિત કરી શકે, કારણ કે એ હંમેશાં ધોનીની આસપાસ ફરે છે. આ ટીમના બ્રૅન્ડિંગને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ચોક્કસપણે આ માટે વિચારવું પડશે.’

