ફૉર્મમાં રહેલા શુભમન ગિલ સામે ઑલરાઉન્ડ પ્રદર્શન કરનાર શાર્દુલ ઠાકુરની ટક્કર જોવાલાયક હશે
શાર્દુલ ઠાકુર
ઘરઆંગણે અમદાવાદમાં રમાનારી મૅચને જીતીને ગુજરાત ટાઇટન્સ વિજયની હૅટ-ટ્રિક કરવા માગશે. બીજી તરફ બૅન્ગલોરને ૮૧ રનથી હરાવનાર કલકત્તા આત્મવિશ્વાસથી છલોછલ છે. જોકે ગુજરાતે પહેલી બે મૅચમાં વિજય મેળવીને પોતાની સર્વોપરીતા સાબિત કરી દીધી હતી. ચેન્નઈ સામેની મૅચમાં યુવા શુભમન ગિલે બનાવેલા ૩૬ બૉલમાં ૬૩ રનને લીધે પાંચ વિકેટથી વિજય મેળવ્યો તો દિલ્હી સામે સુદર્શને ૪૮ બૉલમાં ૬૨ રન કરીને હરીફ ટીમના ટોટલને સાવ આસાન બનાવી દીધો.
બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ મોહમ્મદ શમી, કૅપ્ટન હાર્દિક પંડ્યા અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનના અનુભવથી ભરપૂર છે. રાહુલ તેવટિયા હંમેશાં મુશ્કેલીના સમયમાં ઝળકી ઊઠે છે. દિલ્હી સામે ડેવિડ મિલરે ૧૬ બૉલમાં ૩૧ રન કરીને પોતાની ક્ષમતા પુરવાર કરી છે. શમીએ બે મૅચમાં પાંચ વિકેટ ઝડપી છે. જોકે પાવરપ્લેમાં વધુ રન ન આપવાની ટેક્નિક આ દિગ્ગજે કલકત્તા સામે શીખવી પડશે.
કલકત્તા માટે શ્રેયસ ઐયરની ઈજા અને બંગલાદેશના ઑલરાઉન્ડર શાકિબ અલ હસનને બહાર કર્યા બાદ જેસન રૉયને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ અફઘાનિસ્તાનના યુવા વિકેટકીપર રહેમનુલ્લા ગુરબાઝના કારનામા બાદ ઇંગ્લૅન્ડના ઓપનરને કેવી રીતે ટીમમાં ફિટ કરે છે એ જોવું રહ્યું. ગુરબાઝે પંજાબ સામે ઝડપી બાવીસ રન બનાવ્યા હતા. જોકે ટીમ ડીએલએશને કારણે હારી ગયું હતું. બીજી મૅચમાં શાર્દુલ ઠાકુરની આક્રમક રમત પહેલાં ૨૧ વર્ષના યુવા ખેલાડીઓએ ૨૦૦થી વધુના કુલ સ્કોરનો પાયો નાખવાનું કામ
કર્યું હતું.
શાર્દુલના ઑલરાઉન્ડ પ્રદર્શનની મદદથી ૮૧ રનથી જીત મેળવનાર કલક્તા સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જેવા ખેલાડીઓ અને નીતિશ રાણાની સકારાત્મક માનસિકતાની સાથે રમતમાં ઊતરશે.