ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરનું ચોંકાવનારું નિવેદન
ડેવિડ વૉર્નર
ઍડીલેડ ટેસ્ટમાં જીત મેળવીને ઑસ્ટ્રેલિયાએ બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ને ૧-૧થી બરાબર કરી છે, પણ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નરનું માનવું છે કે ઑસ્ટ્રેલિયાના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેન હજી પણ પ્રેશર અનુભવી રહ્યા છે.
ડેવિડ વૉર્નર કહે છે, ‘માત્ર ઉસ્માન ખ્વાજા પર જ નહીં, ટોચના ક્રમના તમામ બૅટ્સમેન પ્રેશરમાં છે. બીજી ટેસ્ટમાં ટ્રૅવિસ હેડે આવીને શાનદાર સેન્ચુરી ફટકારી અને અમે જાણીએ છીએ કે તે આવું કરવા સક્ષમ છે, પરંતુ અન્ય બૅટ્સમેને પણ તેને અનુસરવું જોઈએ. તમામ ટોચના છ બૅટ્સમેને મોટો સ્કોર કરવાની જરૂર છે. તેમણે ખાતરી કરવી જોઈએ કે ટીમના બોલર્સને પૂરતો આરામ મળે. મને આશા છે કે અમારા ટોચના બૅટ્સમેન બ્રિસબેનમાં મોટી ઇનિંગ્સ રમશે.’
ADVERTISEMENT
છેલ્લી બે ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ટૉપ-ઑર્ડરનું પ્રદર્શન
નૅથન મૅકસ્વીની : ચાર ઇનિંગ્સમાં ૫૯ રન
ઉસ્માન ખ્વાજા : ચાર ઇનિંગ્સમાં ૩૪ રન
સ્ટીવ સ્મિથ : ત્રણ ઇનિંગ્સમાં ૧૯ રન
ટ્રૅવિસ હેડ : ત્રણ ઇનિંગ્સમાં ૨૪૦ રન
માર્નસ લબુશેન : ત્રણ ઇનિંગ્સમાં ૬૯ રન
મિચલ માર્શ : ત્રણ ઇનિંગ્સમાં ૬૨ રન
ગ્લેન મૅક્સવેલને ટેસ્ટ-ક્રિકેટને લાયક નથી સમજતો ડેવિડ વૉર્નર
ટેસ્ટ-ટીમમાં મર્યાદિત ઓવરના ક્રિકેટ સ્પેશ્યલિસ્ટ ગ્લેન મૅક્સવેલને સામેલ કરવાની ચર્ચા છે, પરંતુ વૉર્નરનું માનવું છે કે આ ઑલરાઉન્ડર ટેસ્ટ માટે લાયક નથી. મૅક્સવેલના મામલે તે કહે છે કે ‘જો તેને ડોમેસ્ટિક ક્રિકેટની ચાર-દિવસીય સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી રહ્યો નથી તો તે ટેસ્ટ-ટીમમાં સ્થાન માટે કેવી રીતે લાયક બનશે. મને નથી લાગતું કે તે ટેસ્ટ-ક્રિકેટ માટે યોગ્ય છે.’
ઑસ્ટ્રેલિયા માટે ૭ ટેસ્ટ રમનાર મૅક્સવેલ સપ્ટેમ્બર ૨૦૧૭માં છેલ્લી ટેસ્ટ-મૅચ રમ્યો હતો.