ક્રિકેટ બોર્ડના વર્કલોડ મૅનેજમેન્ટ પર અજય જાડેજાનો કટાક્ષ
અજય જાડેજા
વર્કલોડ મૅનેજમેન્ટનું બહાનું આગળ ધરીને ઘણી મહત્ત્વપૂર્ણ મૅચોમાં આરામ આપવામાં આવે છે, જ્યારે ગઈ કાલે એશિયા કપમાં નબળી કક્ષાની UAE જેવી ટીમ સામે જસપ્રીત બુમરાહને મેદાનમાં ઉતારતાં સોશ્યલ મીડિયામાં ટીમ મૅનેજમેન્ટની ટીકાઓ થવા લાગી હતી. આમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે કૉમેન્ટેટર અજય જાડેજાનો હડતાળ પર ઊતરી જવાનો કટાક્ષ સૌથી વધારે ટ્રેન્ડ કરી રહ્યો હતો. UAE સામેની મૅચ પહેલાં અજય જાડેજાએ એક રમૂજી દલીલ કરી હતી કે ‘આ મૅચમાં બુમરાહની શું જરૂર છે? આમ તો તમે તેની ખૂબ જ સંભાળ રાખો છો. પણ હવે UAEની સામે પણ તમને બુમરાહ જોઈએ છે? કાં તો તેને જરાય પ્રોટેક્ટ ન કરો અને જો કરવો જ હોય તો આવી મૅચોમાં કરો. આ T20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમ છે. આથી હું સ્પષ્ટ છું. જો UAE સામે બુમરાહ રમશે તો હું હડતાળ પર ઊતરી જઈશ.’
