અઠવાડિયામાં મારું વજન પાંચ કિલો ઘટી ગયું : બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મૅચ વખતે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ બીમાર હતા એને લીધે ટીમને પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરવામાં પણ સમય લાગ્યો હતો. એ મૅચ સંદર્ભે ખુલાસો કરતાં બેન સ્ટોક્સે કહ્યું કે એ વખતે મહેમાન ટીમના અનેક પ્લેયર્સની તબિયત ચોથી ટેસ્ટ મૅચ વખતે સારી નહોતી અને મૅચ પહેલાં તેઓમાંના કેટલાક પેટની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા.
બ્રિટિશ પ્લેયર્સ કટિબદ્ધ હોવાનો દાવો
ADVERTISEMENT
સ્ટોક્સે કહ્યું કે ‘મારા ખ્યાલથી ઇંગ્લૅન્ડના પ્લેયરો પોતાની ગેમ માટે એકદમ પ્રતિબદ્ધ હતા અને છે એ વાતનો દાખલો ગયા અઠવાડિયે જ જોવા મળ્યો જ્યારે ચોથી ટેસ્ટ મૅચ વખતે અમારા ખેલાડીઓ પેટની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. ખરું કહું તો ૪૧ ડિગ્રી તાપમાનમાં રમવું અમારે માટે ઘણું મુશ્કેલ હતું. એક અઠવાડિયામાં મારું વજન પાંચ કિલો જેટલું ઘટી ગયું છે, ડોમ સિબ્લીનું ચાર કિલો અને જેમ્સ ઍન્ડરસનનું ત્રણ કિલો વજન ઊતરી ગયું હતું. જૅક લીચે પણ બોલિંગ-સ્પેલ વચ્ચે વારંવાર મેદાન છોડીને બાથરૂમ જવું પડ્યું હતું. બીમાર પડવાની આ વાત કાંઈ બહાનું નથી.’
પંતનું પ્રદર્શન બેસ્ટ
બેન સ્ટોક્સે પોતાની વાત આગળ વધારતાં રિષભ પંતનાં વખાણ કર્યાં હતાં. સ્ટોક્સે કહ્યું કે ‘ભારતની વાત કરું તો રિષભ પંત ઘણું સારું રમ્યો. અમારા ખેલાડીઓએ પણ જીતવાનો શક્ય એટલો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય ટીમ બાજી મારવામાં સફળ રહી હતી. જ્યાં સુધી અમારી વાત છે તો અમારે અમારી રમત સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ટીકાકારો કે નિષ્ણાતો પોતાનું કામ કરે છે, પણ અમને બેસ્ટ ખેલાડી કે બેસ્ટ ટીમ બનાવવાનું કામ તેમનું નથી. એ અમારું કામ છે અને અમારે એના પર ધ્યાન આપવાનું છે. તમારા માટે તમારા કૅપ્ટન, કોચ અને સાથી પ્લેયરોની વિચારધારા મહત્ત્વની છે અને એ જ તમને બેસ્ટ ખેલાડી કે બેસ્ટ ટીમ બનવામાં મદદ કરે છે. અમારા ઘણા ખેલાડીઓની આ ભારતની પહેલી ટૂર હતી અને આશા છે કે અહીં તેમને ઘણું શીખવા મળ્યું હશે.’

