આ ટેનિસ બૉલ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો
શ્રીરામ ઇલેવન ટીમ ચૅમ્પિયન બની હતી
શ્રી આહિર સમાજ દ્વારા ગયા રવિવારે ભિવંડીમાં આવેલા માનકોલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી જ્ઞાતિબંધુઓ માટેની શ્રી આહિર પ્રીમિયર લીગ ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ (સીઝન-ટૂ)માં શ્રીરામ ઇલેવન ટીમ ચૅમ્પિયન બની હતી. આ ટેનિસ બૉલ ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. નૉક-આઉટ ધોરણે રમાયેલી આ સ્પર્ધામાં એકથી એક રોમાંચક મુકાબલાઓ બાદ શ્રીરામ ઇલેવન અને ચામુંડા ઇલેવન ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સમાજના અનેક અગ્રણી આગેવાનોની હાજરીમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં ચામુંડા ઇલેવને ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ લઈને ૮ ઓવરમાં ૬ વિકેટે ૭૯ રન બનાવ્યા હતા જેમાં પ્રવીણ ઝરુ (૧૨ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૨૫ રન) અને નારણ આહિર (૯ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૨ રન)નું મુખ્ય યોગદાન હતું. શ્રીરામ ઇલેવને રામ આહિર (૧૭ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૬ રન), રાજેશ આહિર (૮ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૫ રન) તેમ જ મહેશ આહિર (૧૨ બૉલમાં બે ફોર સાથે ૧૫ રન)ના જોરે ૬.૫ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૮૦ રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. ફાઇનલમાં અણનમ ૨૫ રન અને બે વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ શ્રીરામ ઇલેવનનો રાજેશ આહિર મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો, જ્યારે ચામુંડા ઇલેવનનો મહાદેવ દેવરાજ (૧૩૬ રન, ૪ વિકેટ, ૩ કૅચ અને બે રન-આઉટ) મૅન ઑફ ધ સિરીઝ, જે.વાય.સી. ચોબારી ટીમનો કપિલ આહિર (૧૫૩ રન) બૅસ્ટ બૅટર અને શ્રીરામ ઇલેવનનો મહાદેવ કાના (૮ વિકેટ) બૅસ્ટ બોલર બન્યો હતો.