રીવાબા જામનગર નૉર્થ મતવિસ્તારનાં બીજેપીનાં ધારાસભ્ય છે.
વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પહેલાં જાડેજા પત્ની રીવાબા સાથે કચ્છના આશાપુરા માતાના મંદિરે પહોંચ્યો
આઇપીએલ-૨૦૨૩ની અમદાવાદ ખાતેની ફાઇનલમાં છેલ્લા બૉલે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને ચૅમ્પિયન બનાવનાર રવીન્દ્ર જાડેજા હવે ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ ખાતેના આવતા મહિનાના પ્રવાસમાં ટ્રોફી અપાવવા મક્કમ છે. અત્યારે તે બ્રેક માણી રહ્યો છે, પણ એ દરમ્યાન તેણે ધાર્મિકતાની ઝાંખી તેના કરોડો ચાહકોને કરાવી છે. માત્ર જાડેજાને જ નહીં, તેની પત્ની રીવાબાને પણ કુળદેવી મા આશાપુરા પર ભરપૂર શ્રદ્ધા છે. તેઓ તાજેતરમાં કચ્છમાં આશાપુરા માતાના મંદિરે આશીર્વાદ લેવા ગયાં હતાં.
રીવાબાએ ટ્વિટર પર ગઈ કાલે આ પ્રવાસની તસવીરો પોસ્ટ કરવાની સાથે કૅપ્શનમાં મંત્ર સાથે લખ્યું હતું કે ‘આજ રોજ માતાના મઢ, કચ્છ ખાતે દેવી માં આશાપુરાનાં દર્શન કરી ધન્યતા અનુભવી તેમ જ સૌની સુખાકારી માટે માંને પ્રાર્થના કરી. આશાપુરા માત કી જય.’ ૨૮ મેએ અમદાવાદમાં જાડેજાએ ફોર ફટકારીને સીએસકેને પાંચમી ટ્રોફી અપાવી ત્યાર બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેદાન પર ચોમેર ખુશી છવાઈ ગઈ હતી અને એ અવિસ્મરણીય માહોલમાં રીવાબા મેદાન પર આવીને પતિ રવીન્દ્રસિંહ જાડેજાને પહેલાં પગે લાગ્યાં હતાં અને પછી તેની સાથે અભૂતપૂર્વ વિજય સેલિબ્રેટ કર્યો હતો.
રીવાબા જામનગર નૉર્થ મતવિસ્તારનાં બીજેપીનાં ધારાસભ્ય છે.