બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં આૅસ્ટ્રેલિયન ટીમને ચેતવણી આપતાં પૉન્ટિંગે કહ્યું...
રિષભ પંત
૨૦ મહિના બાદ રિષભ પંતની ભારતીય ટેસ્ટ-ટીમમાં વાપસી પર રિકી પૉન્ટિંગે ઑસ્ટ્રેલિયન ટીમને ચેતવણી આપી છે. આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફી પહેલાં તેણે ઑસ્ટ્રેલિયાને રિષભ પંતની હરકતોથી મૂર્ખ ન બનવાની ચેતવણી આપી છે. રિષભ પંતને મૅચ-વિનિંગ ખેલાડી ગણાવતાં રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ‘આપણે બધાએ તેને રમતો જોયો છે અને સ્ટમ્પ માઇક પર તેનો અવાજ સાંભળ્યો છે. તેને પોતાનું ક્રિકેટ પસંદ છે, તે મૅચ-વિનર છે. તે માત્ર કેટલાક રન બનાવવા અને મજા કરવા માટે નથી રમતો. તેણે ઓછી ટેસ્ટ-મૅચોમાં પાંચ ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે અને એમ. એસ. ધોનીએ ૯૦ ટેસ્ટ રમીને પણ ૬ સેન્ચુરી જ ફટકારી છે. આ બતાવે છે કે આ વ્યક્તિ કેટલો સારો અને ગંભીર ક્રિકેટર છે.’
દિલ્હી કૅપિટલ્સમાં રિષભ પંતના હેડ કોચ રહેલા રિકી પૉન્ટિંગે આગળ કહ્યું હતું કે ‘છેલ્લાં છ-સાત વર્ષમાં ભારતીય ટીમનું નેતૃત્વ મજબૂત રહ્યું છે. વિરાટ કોહલીની કૅપ્ટન્સીની શરૂઆતની વાત કરીએ તો તેણે ભારતીય ક્રિકેટને બદલવામાં મોટી ભૂમિકા ભજવી છે. હેડ કોચ રાહુલ દ્રવિડે છેલ્લાં ચાર વર્ષમાં આ ચાલુ રાખ્યું. વિરાટ કોહલી જેવા ખેલાડીની ટીમ પર ખૂબ જ અસર છે અને તેમની પાસે સ્ટાર ખેલાડીઓ છે.’
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાના આ ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગ નવી ટીમને કોચિંગ આપવા માટે ઉત્સુક છે. તે આગામી સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની અન્ય ટીમ સાથે જોડાઈ શકે છે.