ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ત્રીજી વન-ડે સિરીઝ પણ જીતી અફઘાનિસ્તાને : સચિન તેન્ડુલકર અને ક્વિન્ટન ડીકૉકના મોટા રેકૉર્ડની બરાબરી કરી લીધી રહેમાનુલ્લા ગુરબાઝે
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે જીતની ઉજવણી કરતી અફઘાનિસ્તાનની ટીમ.
UAEમાં બંગલાદેશ સામે છેલ્લી વન-ડેમાં પાંચ વિકેટે જીત મેળવી અફઘાનિસ્તાન ટીમે ૨-૧થી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પોતાને નામે કરી છે. બંગલાદેશે ૮ વિકેટે ૨૪૪ રન ફટકાર્યા હતા. ૨૪૫ રનના ટાર્ગેટને અફઘાનિસ્તાને પાંચ વિકેટ ગુમાવીને ૪૮.૨ ઓવરમાં ચેઝ કરી લીધો હતો. બન્ને ટીમ વચ્ચે આ ચોથી દ્વિપક્ષીય વન-ડે સિરીઝ હતી. બન્ને ટીમે બે-બે સિરીઝ ૨-૧નાં એકસરખા રિઝલ્ટ સાથે જ જીતી છે.
માર્ચમાં આયરલૅન્ડ સામે ૨-૦થી અને સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે ૨-૧થી વન-ડે સિરીઝ જીત્યા બાદ અફઘાનિસ્તાનની આ વર્ષે સતત ત્રીજી વન-ડે સિરીઝ જીત થઈ છે. પહેલી વાર ચૅમ્પિયન્સ ટ્રોફી રમતાં પહેલાં અફઘાનિસ્તાનની ટીમ માટે આ રિઝલ્ટ મનોબળ વધારવાનું કામ કરશે.
ADVERTISEMENT
ગુરબાઝે ૧૦૧ રન ફટકાર્યા હતા.
ત્રીજી મૅચમાં રહેમાનુલ્લા ગુરબાઝે ૧૨૦ બૉલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારી ૧૦૧ રનની ઇનિંગ્સ રમીને ધમાલ મચાવી હતી. જાન્યુઆરી ૨૦૨૧માં વન-ડે ડેબ્યુ કરનાર ગુરબાઝ અફઘાનિસ્તાન માટે સૌથી વધારે વન-ડે સેન્ચુરી ફટકારનાર બૅટર છે પણ આઠમી વન-ડે સેન્ચુરી ફટકારીને તેણે એક રેકૉર્ડ લિસ્ટમાં વિરાટ કોહલીને પછાડીને સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી છે.
બાવીસ વર્ષની ઉંમર સુધીમાં સૌથી વધુ ૮ વન-ડે સેન્ચુરી ફટકારીને તેણે સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડીકૉક અને ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકરના રેકૉર્ડની બરાબરી કરી છે. જોકે આ લિસ્ટમાં બાવીસ વર્ષના રહેમાનુલ્લા ગુરબાઝે ૪૬ ઇનિંગ્સમાં સૌથી ફાસ્ટેસ્ટ ૮ વન-ડે સેન્ચુરી ફટકારી છે. ડીકૉકે બાવન ઇનિંગ્સ અને સચિને ૧૧૩ ઇનિંગ્સમાં આ કમાલ કરી હતી. વિરાટ કોહલીએ બાવીસ વર્ષની ઉંમર સુધીમાં ૬૬ ઇનિંગ્સમાં સાત વન-ડે સેન્ચુરી ફટકારી હતી.