શારજાહમાં રમાયેલી મૅચમાં બાબર અને રિઝવાન સહિત પાંચ મહત્ત્વના ખેલાડીઓની ગેરહાજરીમાં પાકિસ્તાન માત્ર ૯૨ રન કરી શક્યું, અફઘાનિસ્તાનનો ૬ વિકેટે વિજય
શારજાહમાં સૈમ અયુબની વિકેટની ઉજવણી કરતો બોલર નાવીન ઉલ-હક.
શારજાહમાં રમાયેલી ટી૨૦ મૅચમાં અફઘાનિસ્તાને પ્રથમ વખત પાકિસ્તાનને ૯ વિકેટે માત્ર ૯૨ રન કરવા દીધા બાદ એને ૬ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને કૅપ્ટન બાબર આઝમ સહિત પાંચ મહત્ત્વના ખેલાડીઓને આરામ આપતાં અફઘાનિસ્તાનના બોલરો સામે તેમની હાલત કફોડી બની હતી. અફઘાનિસ્તાનના ૬ બોલરોને વિકેટ મળી હતી.
બીજી તરફ અફઘાનિસ્તાનની શરૂઆત પણ સારી નહોતી રહી. એણે ૧૦મી ઓવરમાં ૪૫ રનમાં ૪ વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યાર બાદ વિકેટ ગુમાવી નહોતી અને ૬ વિકેટે બે ઓવર બાકી રાખીને વિજય મેળવ્યો હતો.
ADVERTISEMENT
મોહમ્મદ નબીએ છેલ્લા એક દાયકામાં પાંચ પ્રયાસમાં પાકિસ્તાન સામે સિક્સર ફટકારીને પહેલો વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાને કહ્યું હતું કે ‘વિજયનો આનંદ છે, કારણ કે અમે હંમેશાં તેમની સામે નાના માર્જિનથી હાર્યા છીએ. અફઘાનિસ્તાનની જર્સી પહેરવી અને જીત મેળવવી એ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.’ આજે અને આવતી કાલે રમાનારી મૅચ પૈકી કોઈ એક જીતી જાય તો અફઘાનિસ્તાન પાસે પહેલી વખત ટી૨૦ સિરીઝ જીતવાની તક છે. બાબર અને મોહમ્મદ રિઝવાનને બદલે ઓપનિંગ માટે આવેલા સૈમ અયુબ અને મોહમ્મદ હારિસ લો બાઉન્સ બૉલને સમજી શક્યા નહોતા અને ફટકો મારવા જતાં બૅટિંગ પાવર-પ્લેમાં આઉટ થયા હતા. પાકિસ્તાન ૨૦૧૨માં દુબઈમાં ઑસ્ટ્રેલિયા સામે ૭૪ રનમાં જ ઑલઆઉટ થયું હતું. આ વખતે એ રેકૉર્ડ તૂટે એવી શક્યતા હતી, પરંતુ એમ થયું નહોતું. ઇમામ વસીમે સૌથી વધુ ૧૮ રન બનાવ્યા હતા. પાકિસ્તાનના નવા ફાસ્ટ બોલર ઇહસાનુલ્લાહ ખાને પોતાની પહેલી ઓવરમાં બે વિકેટ મેળવી હતી.