આયુષ મ્હાત્રેએ ૬૯ રનની અણનમ ઇનિંગ્સ રમીને છત્તીસગઢ સામે જીત અપાવી
શાર્દૂલ ઠાકુર
લખનઉમાં ગઈ કાલે મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની લીગ મૅચમાં છત્તીસગઢને ૮ વિકેટે હરાવ્યું હતું. મુંબઈના કૅપ્ટન શાર્દૂલ ઠાકુરના ૧૯ રનમાં ૩ વિકેટના શાનદાર પ્રદર્શનને કારણે છત્તીસગઢ ૧૯.૪ ઓવરમાં ૧૨૧ રને ઑલઆઉટ થયું હતું. મુંબઈએ ૧૫.૫ ઓવરમાં આયુષ મ્હાત્રેની શાનદાર ફિફ્ટીના આધારે બે વિકેટે ૧૨૩ રન કરીને ૧૨૨ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો હતો.
યંગ ઓપનર આયુષ મ્હાત્રેએ ૪૯ બૉલમાં ૩ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૬૯ રનની નૉટઆઉટ ઇનિંગ્સ રમી હતી. અનુભવી ક્રિકેટર અજિંક્ય રહાણેએ ઓપનિંગ દરમ્યાન ૩ ફોર અને બે સિક્સરના આધારે ૨૮ બૉલમાં ૪૦ રન ફટકારીને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેરલા સામેની હાર બાદ મુંબઈ જીતના ટ્રૅક પર પરત ફર્યું છે. ગ્રુપ-Aમાં મુંબઈ ૨૦ પૉઇન્ટ અને ૧.૯૮૯ની નેટ રન-રેટ સાથે પહેલા ક્રમે છે.


