આ મહાન ફિલ્ડરે ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ માટે કરી અરજી
જોન્ટી રોડ્સ (File Photos)
આખા ક્રિકેટ વિશ્વમાં પોતાની ફિલ્ડિંગ માટે જાણીતા જોન્ટી રોડ્સે ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ માટે અપ્લાય કર્યું છે. જી હાં, આ મહાન સાઉથ આફ્રિકન ક્રિકેટરે ફિલ્ડિંગ કોચના પદ માટે અરજી કરી છે. જોન્ટી રોડ્સે પોતાની અરજી BCCIને મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાના કોચ અને સપોર્ટિંગ સ્ટાફની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે.
સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ફિલ્ડર જોન્ટી રોડ્સે જે રીતે પોતાના ક્રિકેટ કરિયરમાં ફિલ્ડિંગ કરી તેનાથી બધા જ તેમના ફેન બની ગયા હતા. આવી જ રીતે ફિલ્ડિંગ કોચ તરીકે પણ તે પોતાની શાનદાર ઈમેજ બનાવી ચૂક્યા છે. જોન્ટી રોડ્સ ફિલ્ડિંગ કોચ તરીકે દક્ષિણ આફ્રિકા અને IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સને કોચિંગ આપી ચૂક્યા છે.
ADVERTISEMENT
હાલના સમયની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર છે, જેમનો કાર્યકાળ 45 દિવસ વધારવામાં આવ્યો છે. આર. શ્રીધર વિન્ડિઝ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની સાથે રહેશે. આ દરમિયાન BCCI હેડ કોચ સહિતના સ્ટાફ માટે અરજી બહાર પાડી છે, જેના માટે જોન્ટી રોડ્સે અપ્લાય કર્યું છે.
જો કે ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરને સીધી એન્ટ્રી મળી શકે છે. પરંતુ કપિલ દેવની આગેવાની વાળી ક્રિકેટ એડવાઈઝરી કમિટી જોન્ટી રોડ્સને તક આપી શકે છે. જો જોન્ટી રોડ્સ ક્રિકેટ એડવાઈઝરી કમિટીના માપદંડો પૂરા કરશે તો તેમની નિમણૂંક શક્ય છે.
આ પણ વાંચોઃ Photos: પ્રો કબડ્ડી લીગ માટે આકરી મહેનત કરી રહી છે ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ ટીમ
BCCIએ ટીમ ઈન્ડિયાના હેડ કોચ, બેટિંગ કોચ, ફિલ્ડિંગ કોચ, બોલિંગ કોચ, ફીઝિયો, સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ અને મેનેજરના પદ માટે અરજી મંગાવી છે, જેની છેલ્લી તારીખ 30 જુલાઈ છે. મેનેજર સિવાય તમામનો કાર્યકાળ 2 વર્ષનો હશે.

