યુવા કિવી ખેલાડી રાચિન રવીન્દ્રએ કહ્યું કે બન્ને ભારતીય આૅલરાઉન્ડર સતત સારી બોલિંગ કરવા ઉપરાંત બૅટિંગમાં ઉપયોગી યોગદાન આપી રહ્યા છે
રાચિન રવીન્દ્ર
આવતી કાલથી બૅન્ગલોરમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટની સિરીઝની પ્રથમ મૅચ શરૂ થઈ રહી છે. ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ન્યુ ઝીલૅન્ડના ટૉપ ઑર્ડર અને યુવા બૅટર રાચિન રવીન્દ્રએ કહ્યું હતું કે તેમને સૌથી વધુ ડર ભારતના અનુભવી ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાનો લાગી રહ્યો છે અને સફળ થવા આ બન્નેને કાબૂમાં રાખવા ખૂબ જ જરૂરી છે.
અશ્વિન અને જાડેજા બન્નેએ મળીને કુલ ૮૦૦ કરતાં વધુ વિકેટ ઝડપી છે અને ટેસ્ટ ઑલરાઉન્ડરના રૅન્કિંગમાં જાડેજા પ્રથમ અને અશ્વિન બીજા ક્રમાંકે છે.
ADVERTISEMENT
અશ્વિન-જાડેજાની જોડીના ખતરા વિશે રાચિને કહ્યું હતું કે ‘તેઓ સતત ઉમદા બોલિંગ કરી રહ્યા છે અને તેઓ લાંબા સમય સુધી એક જ એરિયામાં બૉલ ફેંકવાની ક્ષમતા ધરાવે છે. તેમની સામે અમારી ખરી કસોટી થશે. ઉપરાંત તેઓ બૅટિંગ પણ કરી શકે છે. આથી હરીફ ટીમ માટે મુશ્કેલીઓ વધી જતી હોય છે.’
રાચિને વધુમાં કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે ઘરઆંગણે ભારતીય ટીમ કેટલી ડેન્જરસ છે. કોઈ પણ ટીમે ભારતમાં જીતવું આસાન નથી હોતું.
ન્યુ ઝીલૅન્ડ તેની છેલ્લી સિરીઝમાં શ્રીલંકા સામે ૦-૨થી હારીને આવ્યું છે, જ્યારે ભારતે ઘરઆંગણે બંગલાદેશને ૨-૦થી પરાસ્ત કર્યું છે.