૨૦૧૯માં મૅન્ચેસ્ટરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની સેમી ફાઇનલ આપણે જરાક માટે હારી ગયા હતા, પરંતુ આ વખતે મેન ઇન બ્લુ ઇલેવન એવી છે જે ભારતને રવિવારની અમદાવાદની ફાઇનલમાં લઈ જઈ શકે એમ છે
ટીમ ઇન્ડિયા હવે વિરાટ દોડ માટે તૈયાર છે. એ.એફ.પી.
મુંબઈઃ જેમ ક્રિકેટના ક્રેઝની બાબતમાં મૅન્ચેસ્ટર અને મુંબઈ વચ્ચે મોટો તફાવત છે એમ આ બન્ને શહેરને મળેલી વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલ માટેની ટીમ ઇન્ડિયા ઇલેવન વચ્ચે પણ મોટો ગૅપ છે એમ કહેવું ખોટું નથી. ૨૦૧૯માં મૅન્ચેસ્ટરમાં વિશ્વકપની સેમી ફાઇનલ ન્યુ ઝીલૅન્ડ સામે રમાઈ હતી અને આવતી કાલે પણ એ જ દેશ સામે રમાવાની છે. એ વખતની મેન ઇન બ્લુ ઇલેવન સ્ટ્રૉન્ગ જરૂર હતી, પરંતુ કેટલાક બૅટર્સ અને અમુક બોલર્સ અસલ ફૉર્મમાં નહોતા, જ્યારે આ વખતે એવું નથી. આવતી કાલે વાનખેડે સ્ટેડિયમમાં કિવીઓ સામે આપણી જે ઇલેવન રમવા ઊતરશે તેમના હાલના ફૉર્મ પરથી કહી શકાય કે અગિયારે અગિયાર ખેલાડી આવતી કાલે ભારતને જિતાડી શકે એમ છે. ટોચના છ બૅટર અને મુખ્ય ચાર બોલર બેસ્ટ ફૉર્મમાં છે જ, ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ કિવીઓને ભારે પડી શકે એમ છે.
ભારતના સર્વશ્રેષ્ઠ કૅપ્ટન અને લેજન્ડરી વિકેટકીપર-બૅટર એમએસ ધોનીના સુકાનમાં ત્યારે કિવીઓ સામેની સેમીમાં રમનાર ભારતીય ટીમના બાકીના ૧૦ પ્લેયર્સમાં રોહિત શર્મા, કે. એલ. રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહ હતા. આ તમામ ખેલાડીઓ મૅચ-વિનર્સ કહી શકાય, પરંતુ ત્યારે બધા ફૉર્મમાં નહોતા અને બાકીની હરીફ ટીમો વચ્ચે ટીમ ઇન્ડિયાની જે ગણના ત્યારે થતી હતી એની સરખામણીમાં વર્તમાન ટીમ ઇન્ડિયાની ગણના ઘણી વધુ અસરદાર છે એમ કહી શકાય.
ટીમ ઇન્ડિયા ૨૦૧૯માં સેમી ફાઇનલ પહેલાં પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૫ પૉઇન્ટ સાથે મોખરે હતું, પરંતુ હકીકત એ છે કે ત્યારે ભારત ૯માંથી એક મૅચ (ઇંગ્લૅન્ડ સામે) હાર્યું હતું અને એક લીગ મૅચ (ન્યુ ઝીલૅન્ડ સામે) અનિર્ણીત રહી હતી. સેમી ફાઇનલમાં ફરી કિવીઓ સામે જ ભેટો થયો અને જાડેજાના ૭૭ રન અને ૫૦ રન બનાવનાર ધોનીના શૉકિંગ રનઆઉટ બાદ ભારત ૧૮ રનથી હારી ગયું હતું. જોકે આ વખતે પરિસ્થિતિ સાવ અલગ છે. તમામ નવ મૅચ જીતીને ૧૮ પૉઇન્ટ સાથે અવ્વલ રહેલા ભારત પાસે જે મૅચ-વિનિંગ ઇલેવન છે એમાંના તમામ પ્લેયર અત્યારે તેમના બેસ્ટ ફૉર્મમાં છે અને આવતી કાલે પણ આ વિનિંગ કૉમ્બિનેશન જ મૅચમાં ઊતરશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. વાનખેડેની પિચ પણ આ અનચૅન્જ્ડ ઇલેવને જ રમવું જોઈએ એ તરફ ઇશારો કરી રહી છે.
આ રહી મૅચ-વિનર્સ ઇલેવન ઃ રોહિત શર્મા (૯ મૅચમાં ૫૦૩ રન, એક સેન્ચુરી, બે હાફ સેન્ચુરી, ૧૨૧.૪૯નો સ્ટ્રાઇક-રેટ), શુભમન ગિલ (૭ મૅચમાં ૨૭૦ રન, ત્રણ હાફ સેન્ચુરી, ૧૦૪.૬૫નો સ્ટ્રાઇક-રેટ), વિરાટ કોહલી (૯ મૅચમાં હાઇએસ્ટ ૫૯૪ રન, બે સેન્ચુરી, પાંચ હાફ સેન્ચુરી, ૮૮.૫૨નો સ્ટ્રાઇક-રેટ અને ૯૯.૦૦ની બેસ્ટ ઍવરેજ), શ્રેયસ ઐયર (૯ મૅચમાં ૪૨૧ રન, એક સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરી, ૧૦૬.૫૮નો સ્ટ્રાઇક-રેટ), કે. એલ. રાહુલ (૯ મૅચમાં ૩૪૭ રન, એક સેન્ચુરી, એક હાફ સેન્ચુરી, ૯૩.૫૩નો સ્ટ્રાઇક-રેટ), સૂર્યકુમાર યાદવ (પાંચ મૅચમાં ૮૭ રન, ૧૧૬.૦૦નો સ્ટ્રાઇક-રેટ), રવીન્દ્ર જાડેજા (૯ મૅચમાં ૧૧૧ રન તેમ જ ૧૬ વિકેટ, ૩.૯૭નો ઇકૉનૉમી રેટ), કુલદીપ યાદવ (૯ મૅચમાં ૧૪ વિકેટ, ૪.૧૫નો ઇકૉનૉમી રેટ), જસપ્રીત બુમરાહ (૯ મૅચમાં ૧૭ વિકેટ, ૩.૬૫નો ઇકૉનૉમી રેટ), મોહમ્મદ શમી (પાંચ મૅચમાં ૧૬ વિકેટ, ૪.૭૮નો ઇકૉનૉમી રેટ) અને મોહમ્મદ સિરાજ
(૯ મૅચમાં ૧૨ વિકેટ, ૫.૨૦નો ઇકૉનૉમી રેટ).