કૉઝી ઑફિસોમાં બેસીને વુમન-પાવરનાં બણગાં ફૂંકનારાઓ ગુજરાતનાં ગામડાંઓમાં જઈને મહિલા સશક્તીકરણ કોને કહેવાય એ જોવા આ બહેનોને મળી આવે. આ સ્ત્રી પશુપાલકોએ ગાય-ભેંસના દૂધનાં ઉત્પાદન અને વેચાણના બિઝનેસમાં અકલ્પનીય સફળતા મેળવીને ઑન્ટ્રપ્રનરશિપની વ્યાખ્યાને વિસ્તારવાની ફરજ પાડી છે. પશુપાલન એટલે ઢોર-ઢાંખરને રાખવાં એવું નહીં, આયોજનબદ્ધ રીતે બહેનો ગાયો–ભેંસો રાખીને એના દૂધ ઉત્પાદનના વ્યવસાયમાં મહેનત કરીને એવો રંગ લાવી કે લોકો દંગ રહી ગયા. ચાલો મળીએ અને જાણીએ તેમની સક્સેસના મંત્ર...
શૈલેષ નાયકઆણંદ જિલ્લાના શેખડી ગામનાં સુવર્ણાબહેન પટેલ ઑસ્ટ્રેલિયા જવાનાં છે. ઑસ્ટ્રેલિયા જવું એ બહુ મોટી વાત નથી, ઘણા બધા જાય છે; પણ સુવર્ણાબહેનના કિસ્સામાં એ મોટી વાત છે, કેમ કે મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને ગાય–ભેંસ લોન પર લઈને પશુપાલનના વ્યવસાય થકી દૂધ ઉત્પાદન કરી ‘બે પાંદડે’ થઈને સ્વબળે એવાં તો પગભર થયાં કે દીકરા અભિષેકને ઉચ્ચ અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયા મોકલ્યો અને હવે સુવર્ણાબહેન પોતે ઑસ્ટ્રેલિયા જવાનાં છે.સુવર્ણાબહેન જેવી ગુજરાતની લાખો ગ્રામ્ય મહિલાઓ પોતાની આવડતથી પશુપાલનના વ્યવસાય દ્વારા દૂધ ઉત્પાદન કરીને પગભર થઈ છે અને ખુશહાલ જીવન વિતાવી રહી છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમૂલ ડેરીમાં રોજનું સરેરાશ એક કરોડ લિટર જેટલું દૂધ મહિલા પશુપાલકો દ્વારા આવે છે અને પ્રતિદિન ૪૦ કરોડ રૂપિયાનું દૂધ મહિલાઓ ભરે છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સન્નારીઓ પાંચ-દસથી માંડીને ૧૦૦થી વધુ ગાયો–ભેંસો રાખીને પશુપાલન થકી રોજનું ૩૦૦–૪૦૦ લિટરથી માંડીને ૧૦૦૦ લિટર જેટલું દૂધ મંડળીમાં ભરે છે. પશુપાલન એટલે ઢોર-ઢાંખરને રાખવાં એવું નહીં, પણ આયોજનબદ્ધ રીતે બહેનો આ વ્યવસાયમાં એવી મહેનત કરીને રંગ લાવી કે લોકો દંગ રહી ગયા.પોતાના ઘરે કે તબેલામાં ગાયો–ભેંસો રાખીને પશુપાલન થકી દૂધ ઉત્પાદન માટે કોઈ મહિલા સ્વબળે આગળ આવી, તો કોઈ મહિલાને પરિવારનો સાથ મળ્યો, કોઈ મહિલાએ ગાય-ભેંસ ખરીદવા લોન લીધી, તો કોઈ મહિલાએ મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને હિંમત હાર્યા વગર મનોબળ મજબૂત કરીને એવી મહેનત કરી કે તેમનાં જીવન બદલાઈ ગયાં. એટલું જ નહીં, આ મહિલાઓને સમાજમાં માન-સન્માન મળ્યાં અને તેમને અવૉર્ડથી નવાજવામાં આવી છે.ગ્રામીણ વિસ્તારની મહિલા પશુપાલકો ગાય–ભેંસનું દૂધ ઉત્પાદન કરી એને વેચીને આત્મનિર્ભર બનવા સાથે મહિલા સશક્તીકરણનું ઉદાહરણ પૂરું પાડી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ અને રોલમૉડલ બની છે અને બીજી બહેનોને પગભર થવા રાહ ચીંધી રહી છે.
27 December, 2020 06:28 IST