આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.
31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai