એટલું જ નહીં, વર્ષેદહાડે ૪૨ લાખ કરોડ રૂપિયાનું માર્કેટ છે આપણા ટ્રાયેન્ગલ સમોસાનું. આજે વિશ્વમાં સમોસા દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે ભારતીયોના આ સૌથી પ્રિય સ્ટ્રીટ-સ્નૅકની દુનિયામાં એક ડોકિયું કરવું તો બને છે
આમ તો મુંબઈનું ઑફિશ્યલ સ્ટ્રીટ-ફૂડ વડાપાંઉ છે અને એનો મોભો બીજું કોઈ છીનવી શકે એમ નથી. એમ છતાં વડાપાંઉ પછી સૌથી વધુ ખવાતી સ્ટ્રીટ-ડિશ જો કોઈ હોય તો એ સમોસા જ છે. મુંબઈના દર ૧૦૦ મીટરના અંતરે તમને કોઈક ને કોઈક ફેમસ વડાં-સમોસાવાળો મળી જ રહેશે. વળી સમોસા એટલા વર્સેટાઇલ છે કે એ તમને ૧૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીની રેન્જમાં મળે.
તમને ખબર છે કે ભારતીયો રોજેરોજ કરોડો સમોસા ઝાપટી જાય છે! ભારતમાં સમોસા તૈયાર કરીને ફ્રોઝન ફૉર્મમાં એને એક્સપોર્ટ કરવાનો બિઝનેસ પણ કરોડો રૂપિયાનો છે. પેન્ડેમિક પહેલાં ૨૦૧૯ના વર્ષમાં વાર્ષિક ધોરણે ૪૨ લાખ કરોડ રૂપિયાનું સમોસાનું માર્કેટ હતું. નવાઈ લાગે કે ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં પણ સ્પેસિફિક સમોસાના માર્કેટ માટે પણ આટલું રિસર્ચ થતું હશે? યસ, આમ તો સમોસા પર સ્ટડી કરે એવું કોઈ સેગમેન્ટ નથી એટલે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ થોડાં વર્ષો પહેલાં ગુજરાતી મૂળના અમિત નાણાવટીએ બૅન્ગલોરબેઝ્ડ સમોસાપાર્ટી નામનું એક સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. આ સ્ટાર્ટ-અપે આ ક્ષેત્રમાં ઝંપલાવતાં પહેલાં ખૂબ રિસર્ચ કરી એની ફળશ્રુતિ છે આ ફિગર્સ. તેમના આંકડા મુજબ ભારતભરમાં રોજેરોજ ૬ કરોડથી વધુ સમોસા ખવાય છે. ગામડાંઓમાં રેંકડીઓ કે સાઇકલ પર થેલીમાં સમોસાનાં પૅકેટ લઈને વેચનારાઓની સંખ્યા એમાં લગભગ ૩૦ ટકાથી વધુની છે. સમોસાપાર્ટીએ કરેલા સર્વેક્ષણમાં સમોસાનું ૭૫ ટકા માર્કેટ અનઑર્ગેનાઇઝ્ડ છે. આપણા શહેરમાં વડાપાંઉ સામે ટક્કર ઝીલી શકાય એમ ન હોવાથી આ સ્ટાર્ટ-અપે મુંબઈ સિવાયનાં મેટ્રોઝ એટલે કે બૅન્ગલોર, હૈદરાબાદ અને દિલ્હી (એનસીઆર)માં મોટા પાયે માત્ર સમોસા જ વેચતાં ૨૦ આઉટલેટ્સ શરૂ કર્યાં છે. સમોસાના માર્કેટ પર તેમણે જબરદસ્ત રિસર્ચ કરી છે અને સમોસાની પાંચેક વરાઇટીઝ પણ ડેવલપ કરી છે. અને હા, એ માટે તેમને વેન્ચર કૅપિટલ કંપની તરફથી ૧૮ કરોડ રૂપિયાનું ફન્ડિંગ પણ મેળવ્યું છે.
સમોસા ભારતીય નથીઆપણા રોજિંદા ફૂડમાં સમોસા એટલા ડીપ વણાઈ ચૂક્યા છે કે આ વાનગી મૂળ ભારતની નહોતી એવું જો કોઈ કહે તો માનવામાં ન આવે. ઇન્ટરનેટ ફંફોસશો તો ખબર પડશે કે સમોસા મૂળ પર્શિયાના હતા. મુંબઈના જાણીતા ફૂડ-હિસ્ટોરિયન કુરુશ દલાલ એ બાબતે પ્રકાશ પાડતાં કહે છે, ‘એ જમાનામાં પર્શિયા અને ટર્કી જુદાં નહોતાં એટલે સમોસા ટર્કીશ અને પર્શિયન દેણ છે એમ કહેવાય. એ સમ્બુસાક અથવા તો સમ્બુસા તરીકે ઓળખાતા અને એના પરથી અપભ્રંશ થઈને આપણા માટે એ સમોસા બની ગયા. જોકે અત્યારે જે સમોસા મળે છે એમાં અને ઓરિજિનલ ટર્કીશ ડિશમાં બહુ ફરક છે. એમાં બીફ અને નૉન-વેજ જ વપરાતું. ખીમામાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવતાં અને બૅક કરીને ખવાતા. સમયાંતરે એને શૅલો ફ્રાય અને પછી ફ્રાય કરવામાં આવ્યા. એ વખતે પણ સમ્બુસાક ઘીમાં જ ફ્રાય થતા. હા, એ વખતે પણ ત્યાં ઘી વપરાતું જ હતું.’
04 September, 2022 12:15 IST | Mumbai