ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરસાણની દુનિયામાં અળવીના પાનમાંથી બનતી વિવિધ વાનગીઓનો મહિમા અનેરો છે, ગુજરાતમાં તેને પતરવેલિયાં તરીકે ઓળખવામાં આવે છે. ફરસાણમાં તેનું અનોખું સ્થાન છે. મહારાષ્ટ્રમાં અળવીના પાનને અળૂ કહેવામાં આવે છે જયારે પાતરાંને "અળૂચી વડી" તરીકે ઓળખવામાં આવે છે અને અળવીના પાનના શાકને "અળૂચા ફદફદ" કહેવાય છે. ગુજરાતમાં બનતી અળવીના પાનની વાનગીને પાતરાં, પતરવેલી અથવા પતરવેલિયાં કહે છે, જ્યારે સિંધીઓ તેને "કચાલુ" કહે છે અને હિન્દીમાં "અરબી કે પત્તે" તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં, અળવીના પાંદડામાંથી બનેલી વાનગીઓને પાત્રોડે, પત્રાડે અથવા પત્રાદા પણ કહેવાય છે. આ ઉપરાંત, ગુજરાતના આણંદ જિલ્લાનું બોરીયાવી ગામ અળવીના પાનની ખેતી માટે જાણીતું છે, જ્યાં મોટા પ્રમાણમાં આનો પાક થાય છે અને ચોમાસામાં તેનો ભરપૂર સંગ્રહ કરવામાં આવે છે. મોટા ભાગે અળવીના પાનમાંથી બનેલા પાતરાં(પાત્રા), જે એક પ્રખ્યાત ફરસાણ છે, તે રાજ્યના દરેક ખૂણામાં લોકપ્રિય છે અને વિવિધ રીતે બનાવામાં આવે છે. વાઘરેલા, તળેલાં, અને ઘણી જગ્યાએ બાફેલા પાતરાં પણ પ્રખ્યાત છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
23 August, 2024 04:02 IST | Mumbai | Chirantana Bhatt