‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
તાજેતરમાં જ ગુજરાતી ભાષાએ કવિ રમેશ આચાર્યને ગુમાવ્યા. ગૌરવ સાથે પોતાની કલમે `હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે` એવું લખનાર રમેશ આચાર્યની રચનાઓ થકી એમને શ્રદ્ધાંજલિ આપીએ. લીંબડી મુકામે જન્મેલા આ કવિએ પોતાના પિતા કવિશ્રી રવિશંકરભાઈ આચાર્યનો શબ્દવારસો સાચવ્યો. રમેશ આચાર્યના પુત્ર દર્શક આચાર્ય પણ જાણીતા સર્જક છે. ક્યાંક રમેશભાઈએ પોતે જ નોંધ્યું છે કે એમનો ઉછેર વગડાઉ વનસ્પતિની જેમ થયો. સ્નાતકની પદવી લઈ તેઓ બેન્કર તરીકે નોકરીએ જોડાયા. કવિએ ૧૯૭૮માં `ક્રમશઃ` નામનો મોનોઇમેજનો કાવ્યસંગ્રહ આપ્યો. ત્યારબાદ તેમની શબદયાત્રામાં `હાઈફન`, `મેં ઇચ્છાઓ સૂકાવા મૂકી છે`, `ઘર બદલવાનું કારણ`, `પાથરણાવાળો`, `ડોકે ચાવી બાંધેલ કાગડો`, `ઓસરેલાં પૂર` વગેરે સંગ્રહો ઉમેરાયા.
01 April, 2025 10:52 IST | Mumbai | Dharmik Parmar