રોમાંચક જંગમાં પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કરનાર પાવર પલ્ટન Aની ૪૧ રનથી હાર : બેસ્ટ બૅટર અને પ્લેયર આૅફ ધ સિરીઝ બનીને પ્રિયા મહેતા છવાઈ ગઈ
‘મિડ-ડે’ તથા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા સંયુક્ત રીતે આયોજિત મુંબઈના ગુજરાતી-મારવાડી-પારસી સમાજની મહિલા ક્રિકેટરોના વર્લ્ડ કપ જેવી ગણાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૧૬મી ધમાકેદાર સીઝનમાં ઘાટકોપર જૉલી જિમખાનાની ટીમે સતત ત્રીજા વર્ષે અને કુલ સાતમી વાર ચૅમ્પિયન બનીને આ ટુર્નામેન્ટમાં નવો વિક્રમ રચ્યો છે. એક તરફ ઘાટકોપર જૉલી જિમખાનાએ ૧૧મી વખત ફાઇનલમાં પહોંચીને નવો રેકૉર્ડ સ્થાપ્યો છે તો ત્યાં બીજી તરફ પાવર પલ્ટન A ટીમે પહેલી વખત આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને કમાલ કરી છે. ઘાટકોપર જૉલી જિમખાનાએ ૧૦ ફાઇનલના અનુભવના જોરે જ પાવર પલ્ટન A ટીમને ૪૧ રનથી હરાવી હતી.
ટ્રાયેન્ગ્યુલર સેમી ફાઇનલ જંગમાં છેલ્લાં બે વર્ષની રનર-અપ ટીમ માહ્યાવંશી યોગેશ પટેલ-8 ટીમને હરાવીને બન્ને ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં ઘાટકોપર જૉલી જિમખાનાની કૅપ્ટન નંદિતા ત્રિવેદીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટૉસ વખતે તેણે હરીફ ટીમને ૧૦૦થી ૧૨૦નો ટાર્ગેટ આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. પાવર પલ્ટન A ટીમની સચોટ બોલિંગ અને ફીલ્ડિંગ સામે તેઓ ૬ ઓવરમાં ૪ વિકેટે ૮૯ રન જ બનાવી શક્યા હતા જેમાં તુશી શાહ (૧૩ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૦ રન) અને નિધિ દાવડા (૧૨ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૩૪ રન)નું મુખ્ય યોગદાન હતું. એક સમયે ઘાટકોપર જૉલી જિમખાના ૩ ઓવરના અંતે કેતકી ધૂર્રે, નંદિતા ત્રિવેદી અને અનામિકા રાવડિયાની વિકેટ ગુમાવીને ૨૭ રન સાથે સઘર્ષ કરી રહ્યું હતું પણ અનુભવી તુશી શાહ અને નિધિ દાવડા ચોથી વિકેટ માટે ૨૦ બૉલમાં ૪૫ રનની પાર્ટનરશિપ વડે ટીમને ચૅલેન્જિંગ સ્કોર સુધી લઈ ગઈ હતી. જવાબમાં પાવર પલ્ટન A ટીમે તેમની સુપરસ્ટાર ખેલાડી પ્રિયા મહેતા (૧૫ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૮ રન)ના જોરે ૩ ઓવરમાં ૪૩ રન ફટકારતાં ઘાટકોપર જૉલી જિમખાનાના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો. જોકે ચોથી ઓવરમાં તુશી શાહે પ્રિયા મહેતા અને કૅપ્ટન પૂજા શાહને આઉટ કરીને ટીમને જબરદસ્ત કમબૅક કરાવ્યું હતું. એક જ ઓવરમાં આ ડબલ ઝટકા બાદ પાવર પલ્ટન ટીમ ફસડાઈ પડી હતી અને ૩ ઓવરમાં એક વિકેટે ૪૩ રનથી ૫.પ ઓવરમાં માત્ર ૪૮ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૪૧ રનથી જીત સાથે ઘાટકોપર જૉલી જિમખાનાએ ચૅમ્પિયનશિપની હૅટ-ટ્રિક અને સૌથી વધુ સાતમી વાર ચૅમ્પિયન સાથે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.
તુશી શાહ ફરી ફાઇનલની સ્ટાર
મારવાડી જૈન સમાજની અને અન્ડર-23 મુંબઈ ટીમની કૅપ્ટન તુશી શાહે ગઈ કાલે ફાઇનલમાં ૧૩ બૉલમાં અણનમ ૩૦ રન અને ૧.૨ ઓવરમાં માત્ર ૬ રન આપીને પ્રિયા મહેતા અને પૂજા શાહ જેવી ડેન્જર ખેલાડી સહિત ત્રણ વિકેટ ઝડપી ઘાટકોપર જૉલી જિમખાનાને ચૅમ્પિયન બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ પહેલાં ૨૦૨૩ની ફાઇનલમાં પણ તુશી શાહે ૧૮ બૉલમાં ત્રણ જોરદાર સિક્સર અને ચાર ફોરની મદદથી અણનમ ૪૬ રન ફટકારીને ટીમને ચૅમ્પિયન બનાવી હતી.
આખરે કરી હૅટ-ટ્રિકની કમાલ
ઘાટકોપર જૉલી જિમખાનાએ સાતમી વાર ચૅમ્પિયન બનીને સૌથી વધુ વાર ચૅમ્પિયન બનવાનો પોતાનો જ રેકૉર્ડ વધુ મજબૂત કરી લીધો હતો. આ મામલે બૉમ્બે રૉકર્સ ટીમ ચાર વાર ચૅમ્પિયનશિપ જીતીને બીજા નંબરે છે. જોકે કોઈ ટીમ અત્યાર સુધી સતત ત્રણ વર્ષ મિડ-ડે લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતવામાં સફળ નહોતી થઈ શકી. આ પહેલાં કે.વી.ઓ. ટીમ ૨૦૧૦ અને ૨૦૧૧માં તથા બૉમ્બે રૉકર્સ ૨૦૧૫ અને ૨૦૧૬ સતત બે વર્ષ જીતી હતી, પણ હૅટ-ટ્રિકની કમાલ નહોતી કરી શકી. ઘાટકોપર જૉલી જિમખાના પણ આ પહેલાં ૨૦૧૭ અને ૨૦૧૮માં સતત બે વર્ષ ચૅમ્પિયન બની હતી, પણ ૨૦૧૯માં ચક દે બૉમ્બે રૉકર્સ સામે ફાઇનલમાં હાર થતાં હૅટ-ટ્રિક નહોતી કરી શકી, પણ આ વખતે હૅટ-ટ્રિક કરવાના મક્કમ ઇરાદા સાથે મેદાનમાં ઊતરી હતી અને ટૉસ વખતે જ તેમની કૅપ્ટન નંદિતા ત્રિવેદીએ એની કબૂલાત પણ કરી હતી.
પ્રિયા મહેતા ન્યુ સુપરસ્ટાર
કિંજલ અંબાસણા, ડિમ્પલ ગાલા, મનાલી રાવલ, રાધિકા ઠક્કર, નિધિ દાવડા, જયશ્રી ભૂતિયા વગેરે બાદ મિડ-ડે લેડીઝ ક્રિકેટને પ્રિયા મહેતાના રૂપમાં એક નવી સુપરસ્ટાર મળી છે. મુલુંડની રહેવાસી અને મારવાડી સમાજની પ્રિયા મહેતા તેના શાનદાર પર્ફોર્મન્સ વડે આ વખતે બધાની પ્રિય બની ગઈ હતી. તે એકલે હાથે ટીમને ફાઇનલ સુધી દોરી ગઈ હતી અને ફાઇનલમાં પણ એ જ્યાં સુધી મેદાનમાં હતી ત્યાં સુધી તેની ટીમ ચૅમ્પિયન બની જશે અને ટુર્નામેન્ટને એક નવી ચૅમ્પિયન મળશે એવું લાગી રહ્યું હતું. પ્રિયાએ છ મૅચમાંથી ચારમાં તો વુમન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો છે. ૨૪ સિક્સર અને ૨૦ ફોરની રમઝટ તેમ જ ૮૪.૩૩ની ઍવરેજ અને ઑલમોસ્ટ ૩૦૦ના સ્ટ્રાઇક-રેટ સાથે તેણે હાઇએસ્ટ ૨૫૩ રન બનાવ્યા છે. પ્રિયાએ ચાર વખત સિક્સરની હૅટ-ટ્રિક ફટકારવાની પણ કમાલ કરી છે. ૮૨ રનનો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર પણ તેણે જ ફટકાર્યો છે. આ ઉપરાંત ૩ વિકેટ, ૩ કૅચ અને બે રનઆઉટ કરાવ્યા હતા.
કમાલનો ઇન્ડિવિજ્યુઅલ પર્ફોર્મન્સ કરનારી ખેલાડીઓ
હાફ-સેન્ચુરી (ઇનામ ૨૫૦૦ રૂપિયા)
૧) પ્રિયા મહેતા (પાવર પલ્ટન A)
૨) જયશ્રી ભૂતિયા (માહ્યાવંશી યોગેશ પટેલ 8)
૩) નિધિ દાવડા (ઘાટકોપર જૉલી જિમખાના)
૪) કેતકી ધૂર્રે (ઘાટકોપર જૉલી જિમખાના)
૫) નંદિતા ત્રિવેદી (ઘાટકોપર જૉલી જિમખાના)
૬) રિદ્ધિ ગોસ્વામી (પાવર પલ્ટન B)
વિકેટની હૅટ-ટ્રિક (ઇનામ ૧૦૦૦ રૂપિયા)
૧) કાજલ શાહ (ટ્રાન્સફૉર્મ)
સિક્સરની હૅટ-ટ્રિક (ઇનામ ૧૦૦૦ રૂપિયા)
૧) પ્રિયા મહેતા (પાવર પલ્ટન A) – ચાર વાર
૨) દિશા મોતા (પાવર પલ્ટન A) – બે વાર
૩) રિદ્ધિ ગોસ્વામી (પાવર પલ્ટન B) – એક વાર
૪) કેતકી ધૂર્રે (ઘાટકોપર જૉલી જિમખાના) – એક વાર
૫) દિયા સંઘવી (માહ્યાવંશી યોગેશ પટેલ 8) – એક વાર
૬) જયશ્રી ભૂતિયા (માહ્યાવંશી યોગેશ પટેલ 8) – એક વાર
19 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent