ફિફા વર્લ્ડ કપમાં સેનેગલ, નેધરલૅન્ડ્સ, અમેરિકા અને ઇંગ્લૅન્ડ છેલ્લી ગ્રુપ-મૅચ જીતીને નૉકઆઉટમાં પહોંચી ગયા : ગ્રુપ ‘એ’માં કતાર, ઇક્વાડોર અને ગ્રુપ ‘બી’માં ઈરાન, વેલ્સ ટુર્નામેન્ટની બહાર થઈ ગયા
કતારના ફિફા વર્લ્ડ કપમાં મંગળવાર પહેલાં ઉપરાઉપરી ત્રણ દિવસમાં ત્રણ દેશ (ફ્રાન્સ, બ્રાઝિલ, પોર્ટુગલ)ની ટીમ ૧૬ ટીમના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ હતી, પરંતુ મંગળવારે એક દિવસમાં ગ્રુપ-સ્ટેજમાંથી એકસાથે ચાર ટીમે પ્રી-ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી લીધી હતી. ગ્રુપ ‘એ’માં સેનેગલે ઇક્વાડોરને ૨-૧થી અને નેધરલૅન્ડ્સે યજમાન કતારને ૨-૦થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ગ્રુપ ‘બી’માં ઇંગ્લૅન્ડે વેલ્સને ૩-૦થી અને અમેરિકાએ ઈરાનને ૧-૦થી પરાજિત કરીને લાસ્ટ-16ના ગ્રુપમાં એન્ટ્રી મેળવી લીધી હતી.
આઠમાંના દરેક ગ્રુપમાંથી બે ટીમ પ્રી-ક્વૉર્ટરમાં જાય છે અને બાકીની બે ટીમ સ્પર્ધાની બહાર થઈ જાય છે. એ મુજબ ગ્રુપ ‘એ’માંથી કતાર અને ઇક્વાડોરે અને ગ્રુપ ‘બી’માંથી ઈરાન અને વેલ્સે આ વખતના વર્લ્ડ કપમાંથી વહેલી વિદાય લઈ લીધી છે.
આફ્રિકન ચૅમ્પિયનની રોચક જીત
સેનેગલ આફ્રિકન ચૅમ્પિયન છે અને એણે મંગળવારે ઇક્વાડોરને ૨-૧થી હરાવીને પોતાના વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજી જ વખત નૉકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. આ મૅચમાં ત્રણ ગોલ કરનાર ત્રણેય ખેલાડી ઇંગ્લૅન્ડમાંથી આવ્યા છે. ૪૪મી મિનિટે ઇસ્માઇલા સારે ગોલ કરીને સેનેગલને ૧-૦થી સરસાઈ અપાવી હતી. ૬૭મી મિનિટે ઇક્વાડોરે મોઇઝેઝ કેઇસેડોના ગોલથી સ્કોર ૧-૧થી લેવલ કર્યો હતો. જોકે ત્યાર બાદ ત્રીજી જ મિનિટમાં સેનેગલના કૅપ્ટન કૅલિડૉઉ કૉઉલીબાલીએ આ મસ્ટ-વિન મૅચમાં ગોલ કરીને સેનેગલને ૨-૧થી સરસાઈ અપાવી હતી અને પછી ઇક્વાડોરને મૅચ ડ્રૉ કરાવવાનો કોઈ મોકો નહોતો મળ્યો.
કતારનો પર્ફોર્મન્સ સૌથી ખરાબ
કતાર યજમાન દેશ હોવાથી આ વખતે પહેલી વાર વર્લ્ડ કપમાં રમવા મળ્યું હતું અને એમાં ઇક્વાડોર સામે ૦-૨થી, સેનેગલ સામે ૧-૩થી અને મંગળવારે નેધરલૅન્ડ્સ સામે ૦-૨થી હારવાની સાથે કતારની ટીમે વિશ્વકપમાંથી વિદાય લીધી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં યજમાન ટીમ ગ્રુપ-સ્ટેજની ત્રણેય મૅચ હારીને સ્પર્ધાની બહાર થઈ હોય એવો કતારનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ રેકાર્ડ-બુકમાં કાળા અક્ષરે લખાશે.
અમેરિકાને જિતાડનાર હૉસ્પિટલમાં
ગ્રુપ ‘બી’માં અમેરિકાએ ઈરાનને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ૧-૦થી હરાવીને પ્રી-ક્વૉર્ટરમાં પ્રવેશ કર્યો હતો. રાજકીય ક્ષેત્રે અમેરિકા અને ઈરાન એકમેકના દુશ્મન છે અને મંગળવારની જીતથી અમેરિકી ખેલાડીઓનો નૈતિક જુસ્સો ઘણો વધી ગયો હશે. ૩૮મી મિનિટે અમેરિકાના ક્રિસ્ટિયન પુલિસિકે બૉલને કિક મારી, બૉલ સીધો ગોલપોસ્ટમાં ગયો અને પુલિસિક ઈરાનના ગોલકીપર સાથે એવો ટકરાયો કે પુલિસિકને ગંભીર ઈજા થઈ અને તેને સીધો હૉસ્પિટલ લઈ જવાયો. જોકે તેની ટીમ વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગઈ. એક કલાક પછી પુલિસિકે કમ્પ્યુટર પ્રોગ્રામ ‘ફેસટાઇમ’ મારફત સાથી-ખેલાડીઓનો સંપર્ક કર્યો હતો અને જીતનું સેલિબ્રેશન કર્યું હતું.
ઇંગ્લૅન્ડ જીતીને પ્રી-ક્વૉર્ટરમાં
ગ્રુપ ‘બી’માં વેલ્સે પ્રી-ક્વૉર્ટરમાં પહોંચવા મંગળવારે પાડોશી દેશ ઇંગ્લૅન્ડને હરાવવાનું હતું અને અમેરિકાને ઈરાન હરાવે એવી પ્રાર્થના કરવાની હતી. જોકે બેમાંથી કંઈ જ નહોતું બન્યું. પહેલાં તો ઈરાનને અમેરિકાએ ૧-૦થી હરાવી દીધું અને પછી વેલ્સે ઇંગ્લૅન્ડ સામે ૦-૩થી પરાજય જોવો પડ્યો. બ્રિટિશ ટીમને આ શાનદાર વિજય માર્કસ રૅશફર્ડે અપાવ્યો હતો. તેણે ૫૦મી મિનિટે ફ્રી કિકથી ગોલ કરીને ઇંગ્લૅન્ડને ૧-૦થી લીડ અપાવી અને ૫૧મી મિનિટે ફિલ ફૉડેનના ગોલથી સરસાઈ ૨-૦ની થઈ હતી. ૬૮મી મિનિટે રૅશફર્ડે દૂરથી દોડી આવીને બીજો ગોલ કર્યો હતો. હાફ-ટાઇમ વખતે વેલ્સના ગારેથ બેલને ઈજાને લીધે મેદાનની બહાર લઈ જવાયો હતો.
01 December, 2022 11:25 IST | Doha | Gujarati Mid-day Correspondent