એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે ભાવિક હરિયા, જે ‘કીપ ધ ભજન્સ અલાઈવ’ એટલે કે ‘ભજનોને જીવંત રાખો’ના એક મિશન સાથે નીકળી પડ્યો છે. આ મિશન પાછળનો તેનો હેતુ યુવા પેઢીમાં આપણા સાંસ્ક્રુતિક ભજનો પ્રત્યે રસ લાવવાનો છે, જેમાં તે સફળ પણ થઈ રહ્યા છે. ઇંગ્લૅંડમાં જન્મેલા અને ઉછરેલા ભાવિક હરિયાએ ભારત સહિત વિદેશોમાં પણ લોકોને ભજનની ધૂન લગાવી છે. તો ચાલી જાણીએ તેના આ રસપ્રદ સફર વિશે.
02 April, 2025 01:22 IST | Mumbai | Viren Chhaya