‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવાં વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતાં હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દીવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેનાં થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાનાં જાણીતાં કવિઓનાં જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
તાજેતરમાં જ મુંબઈનાં કવયિત્રી ડૉ. ભૂમા વશીનાં પ્રથમ કાવ્ય-સંગ્રહ `સાવ અનોખો નાતો`નું વિમોચન થયું. વ્યવસાયે ઓર્થોડોન્ટિસ્ટ હોવાથી દર્દીઓનાં આડા અવળા દાંત ગોઠવવાની સાથે શબ્દોને છંદ-મીટરમાં ગોઠવવાનું કપરું કામ હાથ ધરી ગુજરાતી સાહિત્યમાં પણ પગલી પાડી છે, ત્યારે આવો તેમની કેટલીક રચનાઓ માણીએ અને તેમનાં પ્રથમ સંગ્રહને વધાવીએ.
13 August, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar