આજકાલ લગ્નની સીઝન પુરબહારમાં ચાલી રહી છે. ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી દ્વારા લગ્નપ્રસંગની યાદોને કાયમી સંભારણું બનાવવામાં આવતું હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી લગ્ન પહેલાં પ્રી-વેડિંગ શૂટનો ટ્રેન્ડ ચાલ્યો છે. એના માટે અદભુત અને અવિસ્મરણીય લોકેશનની પસંદગી કરવામાં આવતી હોય છે ત્યારે આજકાલ દક્ષિણ ગુજરાતમાં દરિયાકિનારે આવેલું નારગોલ ગામ ચર્ચામાં આવ્યું છે. પ્રી-વેડિંગ ફોટો અને વિડિયોશૂટ માટે ફોટોગ્રાફરો અને કપલ્સ માટે આ સ્થળ હૉટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. માત્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્રમાંથી પણ અહીં પ્રી-વેડિંગ શૂટ માટે કપલ્સ આવી રહ્યાં છે. અરબી સમુદ્રના કિનારે આવેલું આ ગામ આમ તો દરિયાકિનારે આવેલાં બીજાં ગામો જેવું જ છે. ફરક માત્ર એટલો છે કે અદભુત લોકેશનને કારણે ૫૦૦ રૂપિયા પ્રી-વેડિંગ ફોટોશૂટ ટૅક્સ વસૂલ કરતું ગુજરાતનું આ અનોખું ગામ છે. ગોલ્ડન સૅન્ડથી છવાયેલો ચાર કિલોમીટર લાંબો શાંત, સ્વચ્છ દરિયાકિનારો અને એક લાખથી વધુ વૃક્ષોના મિયાવાકી જંગલ સાથે ડેવલપ કરેલો માલવણ બીચ કપલ્સ અને ફોટોગ્રાફરોની પહેલી પસંદ બની રહ્યો છે અને એટલે જ નારગોલ પ્રી-વેડિંગ ફોટોશૂટનું હૉટ ડેસ્ટિનેશન બન્યું છે જ્યાં લગ્નની સીઝનમાં રોજ ૨૫થી ૩૦ શૂટ થઈ રહ્યાં છે. હાલની સીઝનમાં તમે આ દરિયાકિનારે અમસ્તા ટહેલવા નીકળો તો અચૂક તમને કોઈક ને કોઈક કપલ શૂટ કરતું જોવા મળી જશે.
26 February, 2023 03:58 IST | Ahmedabad | Mehul Jethva