બુમરાહ (૫૬ રનમાં ૪), અશ્વિન (૩૫ રનમાં ૩) અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે (૪૦ રનમાં બે) વિરાટની ગેરહાજરીમાં ટીમની કમાન સંભાળી રહેલા અજિંક્યએ પાથરેલી જાળમાં ઑસ્ટ્રેલિયન ટીમને બરાબરના સપડાવ્યાઃ મૅચ પર પકડ મજબૂત કરવા હવે આજે બૅટ્સમેનોએ કરવી પડશે કમાલ : ભારત સામે સ્મિથ પહેલી વાર ઝીરો
ગઈ કાલે બીજી અને બૉક્સિંગ-ડે ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે ફરી બોલરોના શાનદાર પર્ફોર્મન્સને લીધે ઑસ્ટ્રેલિયાને ૨૦૦ રનનો આંકડો પાર કરવા નહોતો દીધો. પ્રથમ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થનાર ઑસ્ટ્રેલિયન ટીમ ગઈ કાલે પ્રથમ દિવસે ૧૯૫ રનમાં જ પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. કાંગારૂઓ ૧૯૫ રનમાં ઑલઆઉટઑસ્ટ્રેલિયાઅે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગનો નિર્ણય લીધો હતો. ઓપનર જો બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને પાંચમી ઓવરમાં જસપ્રીત બુમરાહે તેને પૅવિલિયનમાં પાછો મોકલી આપ્યો હતો. માર્નસ લબુશેન (૧૩૨ બૉલમાં ચાર ફોર સાથે ૪૮), ટ્રેવસ હેડ (૯૨ બૉલમાં ચાર ફોર સાથે ૩૮) અને મૅથ્યુ વેડ (૩૯ બૉલમાં ૩ ફોર સાથે ૩૦) સિવાય કોઈ અસરકારક ભારતીય બોલિંગ-અટૅક સામે ટકી નહોતા શક્યા. ઑસ્ટ્રેલિયાઅે શરૂઆતમાં ૩૮ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાર બાદ થોડા પ્રતિકાર બાદ એક સમયે ૧૬૪ રનમાં ૮ વિકેટ ગુમાવી દીધી હતી. નૅથન લાયને ૧૭ બૉલમાં અેક સિક્સર અને બે ફોર સાથે ૨૦ રન ફટકારતાં તેઓ ૨૦૦ રનની નજીક પહોંચી શક્યા હતા અને ૭૨.૩ ઓવરમાં ૧૯૫ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા. જસપ્રીત બુમરાહે ૫૬ રનમાં ૪, રવિચન્દ્ર અશ્વિને ૩૫ રનમાં ૩ અને પ્રથમ મૅચ રમી રહેલા મોહમ્મદ સિરાજે ૪૦ રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે ફિટ થઈને કમબૅક કરી રહેલા રવીન્દ્ર જાડેજાને છેલ્લે પૅટ કમિન્સની વિકેટ મળી હતી. ભારતે ત્યાર બાદ દિવસના અંતે ૧૧ ઓવરમાં ઓપનર મયંક અગરવાલ (ઝીરો)ની વિકેટ ગુમાવીને ૩૬ રન બનાવ્યા હતા. મયંક પ્રથમ ઓવરમાં જ મિચલ સ્ટાર્કના છેલ્લા બૉલમાં અએલબીડબલ્યુ થયો હતો. પ્રથમ ટેસ્ટ રમી રહેલો શુભમન ગિલ ૪ રને હતો ત્યારે સ્લીપમાં લબુશેને તેને જીતવદાન આપ્યું હતું. ત્યાર બાદ ગિલ બરાબરનો ખીલ્યો હતો અને ૩૮ બૉલમાં પાંચ ફોર સાથે ૨૮ રન તથા વાઇસ કૅપ્ટન ચેતેશ્વર પુજારા ૨૩ બૉલમાં ૭ રન સાથે અણનમ રહ્યો હતો. રહાણેની જાળમાં ફસાયા કાંગારૂઓગઈ કાલની પ્રથમ દિવસની રમત બાદ ભારતીય બોલરો સાથે સૌકોઈ વિરાટની ગેરહાજરીમાં ટીમની જવાબદારી સંભાળી રહેલા અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીનાં ભરપેટ વખાણ કરતા હતા. સ્મિથ, લબુશેન અને હેડની વિકેટ રહાણેએ બિછાવેલી જાળ અને ફીલ્ડિંગ પ્લેસમેન્ટને જ આભારી હતી. એ ઉપરાંત ૧૩મી ઓવરમાં જ અશ્વિનને બોલિંગ-અટૅકમાં લાવવાનો નિર્ણય માસ્ટરસ્ટ્રોક સાબિત થયો હતો. અશ્વિને વેડ અને સ્મિથની વિકેટ ઝડપીને કૅપ્ટનના ભરોસાને સાર્થક કર્યો હતો. રહાણેના બોલિંગ-ચેન્જિસ અને ફીલ્ડિંગ-પ્લેસમેન્ટ એટલા પર્ફેક્ટ હતા કે કાંગારૂઓને કમબૅક કરવાનો મોકો જ નહોતો આપ્યો. થર્ડ લોએસ્ટ બૉક્સિંગ-ડે સ્કોરઑસ્ટ્રેલિયા મેલબર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં પ્રથમ દિવસે પાંચમી વાર ઑલઆઉટ થઈ ગયું હતું. ગઈ કાલનો ૧૯૫ રન એમાં થર્ડ લોઅેસ્ટ હતો. ૨૦૧૦-’૧૧માં ઇંગ્લૅન્ડ સામે ૪૨.૫ ઓવરમાં બનાવેલો ૯૮ રનમાં સૌથી લોએસ્ટ છે જ્યારે ૧૯૮૬-૮૭માં ઇંગ્લૅન્ડ સામે જ ૫૪.૪ ઓવરમાં ૧૪૧ રન બીજા નંબરે છે. આ ઉપરાંત તેઓ ૧૯૮૧-’૮૧માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૬૮.૧ ઓવરમાં ૧૯૮ રનમાં અને ૧૯૯૬-૯૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે જ ૭૪.૫ ઓવરમાં ૨૧૯ રનમાં ઑલઆઉટ થઈ ગયા હતા.
27 December, 2020 03:58 IST