રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે
ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ.
ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’
15 April, 2025 02:18 IST | Mumbai | Jigisha Jain