ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી
ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું.
સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે.
કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.
13 April, 2025 07:10 IST | Salangpur | Gujarati Mid-day Correspondent