આમની ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશનમાં ૯૦ ટકા ફાયદો થયો
યોગ
છેલ્લાં ચાર વર્ષથી યોગાભ્યાસમાં એક પણ દિવસનો બ્રેક નહીં લેનારાં મુલુંડનાં સંગીતા રાઠોડને યોગનો ચમત્કારિક લાભ થઈ ચૂક્યો છે. બાવન વર્ષનાં સંગીતાબહેન ભાંડુપની એક સ્કૂલમાં પ્રી-પ્રાઇમરી સેક્શન લીડ કરતાં હતાં. તેઓ કહે છે, ‘શરૂઆતથી જ કામની જવાબદારીઓમાં એટલી ડૂબેલી હતી કે પોતાની જાત માટે સમય જ નહોતો મળતો. મને જોરદાર થાઇરૉઇડ હતું. મારી હેલ્થ પ્રત્યે થોડું ધ્યાન આપી શકું એ આશયથી મેં જૉબ છોડી દીધી, પણ એ જ સમયે મારા પપ્પાની તબિયત બગડી. એટલે મોટા ભાગનો સમય તેમની ચાકરીમાં ગયો. મારું થાઇરૉઇડ એવું વધી જતું હતું કે આખા શરીરમાં સોજા ચડી જતા. બીજી બાજુ જૂનમાં પપ્પા ગુજરી ગયા. સપ્ટેમ્બરમાં મને ચિકનગુનિયા થયો. એ જ ગાળામાં સાસુ ગુજરી ગયાં. હું ભયંકર પેઇનકિલર દવા પર હતી. મારી હાલત બગડી જ રહી હતી. સાંધાઓમાંથી જોર ઓછું થઈ ગયું હતું. કોઈ જ વસ્તુ પકડી ન શકું. ઘરનાં કામ ન કરી શકું. એ ગાળામાં મને કોઈએ યોગ સજેસ્ટ કર્યા. ત્યારે થતું કે કેવી રીતે યોગ કરીશ? મને ઊઠવા-બેસવા માટે પણ હેલ્પની જરૂર પડે છે પરંતુ જેમ-જેમ શરૂ કર્યું એમ-એમ બેનિફિટ્સ દેખાવા શરૂ થયા. લગભગ છ મહિનામાં મારા ૯૦ ટકા પ્રૉબ્લેમ સૉલ્વ થઈ ગયા છે. થાઇરૉઇડનો ડોઝ ઘટી ગયો છે. મને બહુ જ ફાયદો થયો છે અને ખરેખર હું કહીશ કે માત્ર આસનો નહીં પણ પ્રાણાયામ, મેડિટેશન એમ દરેકનો અદ્ભુત લાભ થતો હોય છે. મારી ઇમ્યુનિટી સુધરી છે. મગજ શાંત થયું છે. અંદરથી હું સ્ટ્રૉન્ગ બની છું.’
જે યોગને હસી કાઢતાં હતાં એણે જ પ્રૉબ્લેમ સૉલ્વ કર્યા
ADVERTISEMENT
ત્રણ બાળકની મમ્મી મેઘના ગોડાને પગમાં એવો દુખાવો થતો કે તે આખી-આખી રાત રડીને કાઢતાં. બધી જ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી કાયમી કોઈ ઉકેલ ન મળ્યો અને પછી શરૂ થઈ તેમની યોગ-યાત્રા
પોતાના હસબન્ડ સાથે કન્સ્ટ્રક્શન કેમિકલના બિઝનેસમાં કામ કરતાં મેઘના ગોડાનાં ૧૪ વર્ષનાં ટ્રિપ્લેટ્સ બાળકો પણ આજકાલ તેમની સાથે યોગ કરે છે. જોકે આ જ મેઘનાબહેન એક સમયે કોઈ તેમની પાસે યોગનું નામ લે તો તેઓ હસી કાઢતાં. તેઓ કહે છે, ‘બાળકોના જન્મ પછી શારીરિક રીતે હું ખૂબ ધોવાઈ ગઈ હતી, પણ તેમના ઉછેરમાં સમય નીકળતો ગયો અને હું મારી હેલ્થ પ્રત્યે બેધ્યાન જ રહી. જોકે એ સમયે મને પગમાં જોરદાર દુખાવો થતો. એટલા પગ દુખતા કે અડધી રાતે જાગીને રડતી. પગમાં દુપટ્ટા બાંધીને સૂતી. મારા હસબન્ડે પગ દાબવા પડતા તો પણ ફરક ન પડે. ઍલોપથી ટ્રીટમેન્ટની કોઈ અસર ન થઈ. હાથમાં અને ગરદનમાં પણ દુખાવો શરૂ થયો હતો. એવી પીડા થતી કે સવારે ઊઠીને બાળકોના ટિફિન બનાવતા સમયે મારી આંખમાં પાણી આવી જતાં. એટલી ભયંકર તકલીફ થતી હતી. ફિઝિયોથેરપીની પણ થોડીક વાર અસર રહેતી. પાછું હતું એનું એ. એ દરમ્યાન મારા પાડોશીએ મને યોગાસન સજેસ્ટ કર્યાં. જોકે અત્યાર સુધી મને એમ જ હતું કે યોગ ગુજરાતીઓનું કામ નહીં, ચીકણા લોકો યોગ કરે વગેરે. જોકે તેમના આગ્રહથી હું ક્લાસમાં ગઈ. બે-ચાર દિવસમાં મને ફરક દેખાવાનું શરૂ થયું. મને ઊંઘ નહોતી આવતી, કટાણે ભૂખ લાગતી, પગ દુખતા એ બધું જ અત્યારે બંધ થઈ ગયું છે. અત્યારે લૉકડાઉનમાં ક્લાસ બંધ થઈ ગયા તો પણ જાતે કરતી. ઑનલાઇન ક્લાસ ચાલુ થયા તો પાછું જૉઇન કર્યું. ફિઝિકલી અને મેન્ટલી મને યોગને કારણે ખૂબ ફાયદો થયો છે. હવે હું સો સૂર્યનમસ્કાર કરી શકું છું. અત્યારે અમે અમારા જૈન તીર્થમાં ગયાં તો હું થાક્યા વિના ચડી ગઈ હતી. મારામાં એનર્જી-લેવલ અકલ્પનીય રીતે વધી ગયું છે. યોગથી ખરેખર ફાયદો થાય એ મેં પ્રત્યક્ષ અનુભવ્યું છે.’