Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > મજૂરીનાં બે વીઘાં અને એક હાઇવે

મજૂરીનાં બે વીઘાં અને એક હાઇવે

Published : 21 June, 2020 09:22 AM | IST | Mumbai Desk
Raj Goswami

મજૂરીનાં બે વીઘાં અને એક હાઇવે

મજૂરીનાં બે વીઘાં અને એક હાઇવે

મજૂરીનાં બે વીઘાં અને એક હાઇવે


લૉકડાઉનના પગલે દિલ્હીમાંથી શ્રમિકોનું પલાયન શરૂ થયું ત્યારે શાસક પક્ષના એક નેતાએ સવાલ કર્યો હતો કે આ લોકો ઘરે કેમ જાય છે? જ્યાં છે ત્યાં કેમ નથી રહેતા? હિન્દી સિનેમામાં દેશના પ્રવાસી શ્રમિકોની કહાનીઓ આવી એમાં એ સવાલનો જવાબ હતો, મજબૂરી ન હોય તો કોઈ ઘર ન છોડે 


ચાર કલાકની નોટિસ આપીને દેશભરમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં બેઘર અને બેકાર થઈ ગયેલા હજારો શ્રમિકોની હૃદયદ્રાવક વાતો અને તસવીરો તમે જોઈ હશે. ભૂખ્યા-તરસ્યા અને હાથે-પગે ચાલતા શ્રમિકોનું શહેરમાંથી તેમના ગામ તરફનું પલાયન ૧૯૪૭ના વિભાજન વખતના પલાયનની યાદ આપાવે એવું હતું. એમાં ઇન્દોર જિલ્લામાંથી પસાર થતા આગરા-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી આવેલો એક વિડિયો (લેખ સાથે એનો ફોટો છે) તમે કદાચ જોયો હશે. એમાં રાહુલ નામનો ૪૦ વર્ષનો એક માણસ ગાડામાં એક મહિલા અને છોકરાને લાદીને ખુદ બળદ સાથે જોતરાયો હતો. એમાં તે બોલતો હતો કે ‘બસ નથી ચાલતી, નહીં તો અમે બસમાં ગયાં હોત. મારા પિતા અને ભાઈ-બહેન આગળ ચાલતાં ગયાં છે, શું કરીએ? મારી પાસે બે બળદ હતા, પણ ઘરમાં લોટ અને બીજો સમાન ખતમ થઈ ગયો એટલે ૧૫,૦૦૦નો બળદ ૫૦૦૦ રૂપિયામાં વેચી દીધો.’
આયરિશ કવિ અને નાટ્યકાર ઑસ્કર વાઇલ્ડે ૧૮૮૯માં તેના એક લેખમાં લખ્યું હતું કે કળા જીવનની નકલ નથી કરતી, કળાની નકલ જીવન કરે છે. પશ્ચિમની કળાની તો આપણને ખબર નથી, પણ ભારતીય હિન્દી સિનેમામાં તો એવું બને છે કે જીવનની વાસ્તવિકતાને પડદા પર પ્રતિબિંબિત કરવામાં આવે છે. એવું ન હોત તો કેવી રીતે શક્ય છે કે ૧૯૫૩માં બિમલ રૉયે તેમની ફિલ્મ ‘દો બીઘા જમીન’માં ઘોડાગાડીમાં ઘોડાને બદલે બલરાજ સહાનીને જોતર્યા હતા!
એ સાચું કે તત્કાલીન કલકત્તામાં કછોટો મારેલા એક્વલડી માણસો ખેંચતા હોય એવી હાથ-રિક્ષા ૧૩૦ વર્ષથી પ્રચલિત હતી. ૧૮૭૦ના દાયકામાં જપાનમાં આવી રિક્ષાની શરૂઆત થઈ હતી, કલકત્તામાં એનો પ્રવેશ થયો એ પહેલાં બંગાળી શેઠો અને જમીનદારો પાલખીમાં ફરતા હતા. પાલખી તેમનું સામાજિક સ્ટેટસ હતું. અંગ્રેજો તેમનું વર્ચસ અને સ્ટેટસ સાબિત કરવા હાથ-રિક્ષા લઈ આવ્યા અને એને કારણે એક એવો મજૂરવર્ગ પેદા થયો જેનો વ્યવસાય જ હાથ-રિક્ષામાં ગોરા સાહેબો અને પછી તો બંગાળી શેઠોને પણ લાવવા-લઈ જવા માટેનો હતો. ૧૯૭૧માં બંગલા દેશ યુદ્ધ થયું ત્યારે અનેક વિસ્થાપિત બંગલાદેશીઓ અને ગરીબ ભારતીયો આ વ્યવસાયમાં જોતરાયા હતા.
૨૦૦૫માં તત્કાલીન ડાબેરી સરકારે આને માનવીય શોષણ અને ગરિમાનું અપમાન ગણાવીને હાથ-રિક્ષા પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ એમાં રિક્ષાચાલકો બેરોજગાર થઈ જશે એવા તર્ક સાથે કલકત્તા હાઈ કોર્ટે આ પ્રતિબંધ ફગાવી દીધો હતો. કલકત્તામાં આજે પણ ૧૮,૦૦૦ રિક્ષા ખેંચનારાઓ છે. હવે એનાં નવાં લાઇસન્સ આપવાનું બંધ થઈ ગયું છે અને મમતા બૅનરજીની સરકાર આ રિક્ષાઓમાં બૅટરી બેસાડી રહી છે.
‘દો બીઘા જમીન’માં બલરાજ સહાનીની યાતનાને પગલે દેશના પ્રવાસી શ્રમિકોની કરુણ વાસ્તવિકતાને હિન્દી સિનેમામાં સ્થાન મળ્યું. લૉકડાઉનને પગલે દિલ્હીમાંથી શ્રમિકોનું પલાયન શરૂ થયું ત્યારે શાસક પક્ષના એક નેતાએ સવાલ કર્યો હતોલ કે ‘આ લોકો ઘરે કેમ જાય છે? જ્યાં છે ત્યાં કેમ નથી રહેતા?’ હિન્દી સિનેમામાં દેશના પ્રવાસી શ્રમિકોની કહાનીઓ આવી એમાં એ સવાલનો જવાબ હતો ઈ મજબૂરી ન હોય તો કોઈ ઘર ન છોડે. એક સમય હતો જ્યારે હિન્દી સિનેમામાં ‘મઝદૂર’ અને ‘કિસાન’ હીરો હતા અને તેઓ ભારતીય જીવનની અસલિયતને પેશ કરતા હતા.
એમાં ‘દો બીઘા જમીન’ બેન્ચમાર્ક છે. બિમલ રૉયે (પરિણીતા, બિરાજ બહૂ, સુજાતા, મધુમતી, બંદિની) રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતા ‘દુઈ બીઘા જોમી’ પરથી આ ફિલ્મ બનાવી હતી. ૧૯૫૨માં બિમલ રૉયે મુંબઈમાં યોજાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ‘બાઇસિકલ થીફ’ (સાઇકલચોર) નામની ઇટાલિયન ફિલ્મ જોઈ હતી, જેમાં દ્વિતીય મહાયુદ્ધ પછીના રોમમાં એક ગરીબ પિતા તેની ચોરાઈ ગયેલી સાઇકલ શોધે છે, જે ન મળે તો તેની નોકરી જોખમમાં હોય છે. આ ફિલ્મને પરદેશી ભાષાની શ્રેષ્ઠ ફિલ્મનો ઑસ્કર મળ્યો હતો અને તે ઇટલીના ગરીબ અને કામદાર વર્ગ પરની સૌથી મહાન ફિલ્મ ગણાય છે. એના પરથી બિમલ રૉયને અસલી લોકેશન પર શૂટ થઈ હોય અને શહેરની વાસ્તવિકતા રજૂ કરતી હોય એવી હિન્દી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.
એ વખતે સંગીતકાર સલિલ ચૌધરી બંગાળી ફિલ્મો પર જ કામ કરતા હતા. તેમણે ટાગોરની કવિતા પરથી ‘રિક્ષાવાલા’ નામની વાર્તા લખી હતી, જેમાં એક બંગાળી ખેડૂત તેની જમીનને બચાવવા કલકત્તાની સડકો પર પગ ઘસે છે. સલિલદા મૃણાલ સેન અને ઋત્વિક ઘટક સાથે મળીને એના પરથી ફિલ્મ બનાવવાના હતા, પણ ઘટકના મિત્ર બિમલ રૉયે આ વાર્તા વાંચી હતી અને તેમણે સલિલદા પર એ જ દિવસે ટેલિગ્રામ કરીને આ વાર્તા માગી લીધી હતી, જે દિવસે સલિલદાનાં લગ્ન થવાનાં હતાં. સલિલદાએ એક શરતે હા પાડી કે ફિલ્મનું સંગીત હું કમ્પોઝ કરીશ! સલિલ ચૌધરીનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ અ રીતે થયો હતો (એક આડવાત ઃ મીનાકુમારીની પણ આ પહેલી ફિલ્મ છે. ‘આ રી આ, નિંદિયા તુ આ’ લોરી ગાવા પૂરતી તે એમાં આવે છે).
ફિલ્મમાં શંભુ (બલરાજ સહાની) બે વીઘા જમીન પર ગર્ભવતી પત્ની પાર્વતી (નિરૂપા રૉય), પુત્ર કનૈયા અને બાપ મંગુનું પાલનપોષણ કરે છે. ગામમાં જમીનદાર હરનામ સિંહ (મુરાદ) તેની વિશાળ જમીન પર મિલ લાવે છે. એમાં વચ્ચે શંભુની જમીન આવે છે. એ જમીન પડાવી લેવા ઠાકુર શંભુ પર દેવું ચૂકવવા દબાણ કરે છે. શંભુ ઘરનો સામાન વેચીને પણ દેવું ચૂકતે કરી શકતો નથી, કારણ કે ઠાકુરના મુનશીએ નકલી કાગળ બનાવીને દેવાની રકમ ૩૫થી વધારીને ૨૩૫ કરી નાખી હોય છે.
મામલો કોર્ટમાં જાય છે અને કોર્ટ ફેંસલો આપે છે કે શંભુએ ૩ મહિનામાં રકમ ચૂકવવી પડશે, નહીં તો જમીન વેચીને વસૂલ કરવામાં આવશે. વખનો માર્યો શંભુ તેના દીકરા સાથે કલકત્તા જઈને રિક્ષા ખેંચવાનું કામ શરૂ કરે છે, પણ એમાંય તેની પનોતી બેસે છે. રિક્ષા ચલાવવામાં તે જખમી થઈ જાય છે, બીજી તરફ તેની સગર્ભા પત્ની તેને મળવા શહેર આવે છે અને તે અકસ્માતનો ભોગ બને છે. તેનો પુત્ર ગરીબીથી ત્રાસીને ચોરી કરે છે. શંભુની કમાણી પત્નીની સારવારમાં જ ખતમ થઈ જાય છે.
થાકી-હારીને પરિવાર પાછો ગામ જાય છે, તો જમીન વેચાઈ ગઈ હોય છે અને મિલ બની રહી હોય છે. તેનો બાપ પાગલ થઈને રખડતો હોય છે. છેલ્લે શંભુ તેની જમીનની માટી મુઠ્ઠીમાં ભરે છે ત્યારે ત્યાં બેઠેલો ગાર્ડ એ માટી પણ તેના હાથમાંથી લઈ લે છે.
બલરાજ સહાનીનો ઍક્ટર પુત્ર પરીક્ષિત સહાની પિતાના જીવનચરિત્રમાં લખે છે, ‘રિક્ષા ખેંચનાર શ્રમિકની ભૂમિકા માટે પિતાએ ખૂબ અભ્યાસ કર્યો હતો. તેઓ જોગેશ્વરીમાં દૂધવાળા ભૈયાની વસ્તીમાં ગયા હતા, જ્યાં તેમનું કામ તો જોવા મળે જ, સાથે તેમનો જુસ્સો પણ સમજવા મળે. તેઓ ખેતરમાં જઈને ખેડૂતોની સાથે રહ્યા હતા, ઘરે જઈને સાથે જમ્યા હતા. કલકત્તામાં ફિલ્મનું શૂટિંગ થતું હતું ત્યારે પિતા એક સ્થાનિક રિક્ષાચાલકને મળ્યા હતા, જેની વાર્તા પણ શંભુ જેવી જ હતી. બાકી હોય એમ રિક્ષા કેવી રીતે ખેંચાય એ શીખવા માટે તેઓ શહેરના આસ્ફાલ્ટના રોડ પર ખુલ્લા પગે દોડ્યા હતા, જેમાં તેમને પગમાં ફોલ્લા પડી ગયા હતા.’
તેમની આત્મકથામાં બલરાજ સાહની લખે છે, ‘જોગેશ્વરીમાં બિહાર અને ઉત્તર પ્રદેશના ભૈયાઓ રહેતા હતા અને દૂધનો ધંધો કરતા હતા. બિમલ રૉય સાથે મારી મુલાકાત થઈ એ પછી હું તબેલાઓમાં જવા માંડ્યો. હું ધ્યાનથી જોતો કે તેઓ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે ખાવા બેસે છે, કેવી બોલી બોલે છે અને કેવાં કપડાં પહેરે છે. હું બધું મગજમાં નોંધતો હતો અને મારી જાતને તેમના સ્થાને કલ્પના કરતો હતો. ‘દો બીઘા જમીન’ની ભૂમિકામાં જે પણ સફળતા મેં મેળવી છે એ આ ભૈયાઓના અભ્યાસને આભારી છે.’
‘દો બીઘા જમીન’ ડિરેક્ટર બિમલ રૉયને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી ગઈ અને બલરાજ સહાનીને એક દમદાર અભિનેતા તરીકે સાબિત કરી ગઈ. ફિલ્મફેરમાં જે બેસ્ટ ફિલ્મની કૅટેગરી છે એ જીતનાર આ પહેલી ફિલ્મ છે. બલરાજ સહાની સામ્યવાદી હતા અને કાર્લ માર્ક્સને ‘ગુરુ’ માનતા હતા. રોજી-રોટી માટે તેઓ ફિલ્મોમાં આવેલા, પણ એમાંય તેમણે તેમનો માનવતાવાદી અભિગમ જાળવી રાખ્યો હતો. ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર તેઓ એક આદર્શ જીવન જીવતા હતા અને ગરીબોના અન્યાય સામે અવાજ ઉઠાવતા હતા.
તેઓ આમલોકો વચ્ચે જીવતા હતા. તેઓ જવાહરલાલ નેહરુ અને અન્ય અનેક નેતાઓના અંગત મિત્ર હતા અને તેમની સાથે પ્રજાની મુશ્કેલીઓ વિશે ચર્ચા કરતા રહેતા હતા. વિભાજનમાં તેઓ રાવલપિંડીથી કલકત્તા આવ્યા હતા અને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ત્યાં તેઓ અંગ્રેજી ભણાવતા હતા અને તેમનાં પત્ની હિન્દી ભણાવતાં હતાં. થોડો વખત તેમણે ગાંધીજી સાથે પણ કામ કર્યું હતું, પણ પછી તેઓ સામ્યવાદી બની ગયા હતા. ૧૯૪૭માં તેમનાં પત્નીના અવસાન પછી તો તેમણે સમાજસેવામાં જ ઝંપલાવી દીધું હતું.
એ સમયે બંગાળમાં ભયાનક દુકાળ પડ્યો હતો અને સહાની સાધારણ લોકોની વિપદાને સિનેમાના માધ્યમથી બતાવવા માગતા હતા. ‘દો બીઘા જમીન’ (અને ‘ધરતી કે લાલ’) જેવી ફિલ્મો કરવા પાછળનું આ મુખ્ય કારણ હતું. તેઓ માનવાધિકાર માટે અંદોલન કરતા હતા અને સરકારની ટીકા પણ કરતા હતા.
૧૯૭૨માં દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે બલરાજ સહાનીએ એક અવિસ્મરણીય પ્રવચન આપ્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે ‘જવાહરલાલ નેહરુએ તેમની આત્મકથામાં સ્વીકાર કર્યો છે કે દેશની આઝાદીની લડાઈમાં શરૂઆતથી જ મૂડીવાદી વર્ગનું વર્ચસ રહ્યું છે એટલે સ્વાભાવિક જ હતું કે આઝાદી પછી આ વર્ગનું શાસન અને સમાજ પર વર્ચસ હોય. આજે કોઈ એ વાતનો ઇનકાર ન કરી શકે કે પાછલાં ૨૫ વર્ષથી મૂડીવાદી વર્ગ દિનપ્રતિદિન વધુ ધનવાન અને શક્તિશાળી બન્યો છે, જ્યારે શ્રમિક-ખેડૂતવર્ગ વધુ લાચાર અને પરેશાન છે.
‘પંડિત નેહરુ આ સ્થિતિને બદલવા માગતા હતા, પણ ન બદલી શક્યા. સંજોગોથી તેઓ મજબૂર હતા. આજે ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં સરકાર આ સ્થિતિને બદલવાની વાતો કરે છે. એ કેટલી સફળ થશે એ કહી ન શકાય કે ન તો મારે એ ચર્ચામાં પડવું છે. રાજકારણ મારો વિષય નથી. માત્ર એટલું જ કહેવું ઘણું છે કે જે રીતે હિન્દુસ્તાનમાં અંગ્રેજોની હુકૂમત પર અંગ્રેજી મૂડીવાદીઓનો દબદબો હતો એવી જ રીતે આજે દેશની હુકૂમત પર મૂડીવાદીઓનો પ્રભાવ છે.’
કદાચ આ જ કારણ છે કે ઇન્દોર-આગરા હાઇવે પર રાહુલે બળદગાળામાં બળદની જેમ જોતરાવું પડ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2020 09:22 AM IST | Mumbai Desk | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK