Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > તંબુ તાણિયા રે લોલ

તંબુ તાણિયા રે લોલ

22 September, 2013 06:04 AM IST |

તંબુ તાણિયા રે લોલ

તંબુ તાણિયા રે લોલ







સેજલ પટેલ

યંગ જનરેશનમાં હવે ગામ-શહેરથી થોડેક દૂર નૅચરલ વાતાવરણમાં જઈને રિલૅક્સ કરવાનો કૅમ્પિંગ ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. હવે સ્ટ્રેસ અને કામની થકાવટ દૂર કરવા વીક-એન્ડ પાર્ટીઝથી કામ નથી ચાલતું. ખરેખર તન-મનની શાંતિ માટે કુદરતના સાંનિધ્યમાં જવા લાગ્યા છે આજના યંગસ્ટર્સ. સાથે જ ટ્રેકિંગ, હાઇકિંગ, રૅપલિંગ જેવી ઍડ્વેન્ચરસ પ્રવૃત્તિઓ પણ સાહસિક જનરેશનમાં ખૂબ જ ફેવરિટ છે.

શહેરો અને ગામથી દૂર જંગલ જેવા વિસ્તારમાં તંબુ તાણીને રહેવાની મજા માણનારા લોકોનો અનુભવ વધુ રોચક અને તાજગીસભર બની રહે એ માટે તંબુઓની ડિઝાઇન્સમાં પણ હવે જબરી ક્રીએટિવિટી ખીલી રહી છે. યુરોપિયન દેશોમાં તો આર્કિટેક્ટ્સના વિદ્યાર્થીઓને તંબુના ડિઝાઇનિંગનું પણ ઑફિશ્યલી જ્ઞાન આપવામાં આવે છે. એટલે જ કદાચ વિશ્વમાં મોટા ભાગના ડિઝાઇનર ટેન્ટ્સ યુરોપિયન દેશોની પેદાશ છે. તાડપત્રી અને તંબુઓનો ઇતિહાસ વષોર્ પુરાણો છે. માનવીએ ઘર બાંધવાનું શરૂ કર્યું એ પહેલાંથી કાપડ અને તાડપત્રીઓની આડશ ઊભી કરીને કામચલાઉ ઘરો વપરાતાં આવ્યાં છે. જોકે લેટેસ્ટ ડિઝાઇનરોએ જે ટેન્ટ્સ તૈયાર કર્યા છે એ જોઈને દિમાગ કામ કરતું બંધ થઈ જાય અને દિલ બાગ-બાગ થઈ ઊઠે. ચાલો, એક નજર નાખીએ.


બબલ ટેન્ટ

જંગલમાં હોવા છતાં તંબુમાં વપરાતી તાડપત્રી જાડી અને અપારદર્શક હોવાને કારણે સિક્યૉર ફીલ કરાવે. જોકે એનો એક માઇનસ પૉઇન્ટ એ પણ છે કે એનાથી આસપાસનું રિયલ રાત્રિસૌંદર્ય અને ખુલ્લું આકાશ માણવા ન મળે. ફ્રેન્ચ ડિઝાઇનર પીરી સ્ટીફને ત્રણ વર્ષ પહેલાં એક ટ્રાન્સપરન્ટ બબલ ટેન્ટ બનાવ્યો છે, જેમાં બેસીને તમે જંગલી પશુઓથી સુરક્ષિત તો રહો જ, પણ સાથે કુદરતી સૌંદર્યને લક્ઝુરિયસ રીતે માણી પણ શકો. સફેદ ટ્રાન્સપરન્ટ ટેન્ટમાં માત્ર એક રૂમ જ નથી હોતો, કાઉચ ચૅર્સ, ટી-ટેબલ અને સોલર ટેબલ-લૅમ્પ સાથેનો લિવિંગ-રૂમ અને નાનકડો બૅડરૂમ પણ છે. પૂરી મૉડર્ન સુખસુવિધાઓ સાથે તમે જંગલમાં સલામત થઈને સૌંદર્ય માણી શકો છો. જોકે આ બબલ ટેન્ટનો પણ એક માઇનસ પૉઇન્ટ છે. દિવસના સમયે એમાં ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ આવે છે. અલબત્ત, સફેદ કલરને કારણે ગરમીનું પ્રમાણ ઘટી જાય છે. અને હા, જંગલમાં કપડાં બદલવા હોય તો? એ માટે તો જૂનીપુરાણી કપડાંની આડશ કરવી જ પડશે. ફ્રાન્સના કોઈ પણ શહેરમાં આવાં ટેન્ટ ભાડેથી મળે છે. એક નાઇટની મજા માટે ખિસ્સામાંથી લગભગ ૪૦,૦૦૦ રૂપિયા હળવા કરવા પડે.

ટ્રી ટેન્ટ

ઝાડ પર લટકેલા ટેન્ટ્સની પણ વિશાળ રેન્જ બ્રિટનના ડિઝાઇનર ડ્રે વૅપનારે બનાવી છે. બે દાયકા પહેલાં આ ભાઈએ હૉલૅન્ડમાં એક કૅમ્પસાઇટ તૈયાર કરેલી જેમાં વૃક્ષના થડ પર લટકતા હોય એવા, બે વૃક્ષ પર ઝૂલા ખાતા હોય એવા કે ફાનસની જેમ ઝાડની ડાળીઓ પર ટીંગાતા હોય એવા તંબુઓ બનાવ્યા છે. બે વૃક્ષ વચ્ચે હીંચકા ખાતા તંબુ જાણે હૅમક બાંધ્યા હોય એવા છે. કેટલાક ટેન્ટમાં નીચેનો ભાગ સપાટ અને કડક રાખીને સૂવાની ગાદી સમતલ કરીને એની ઉપર શંકુ આકારનું કવર બનાવવામાં આવે છે. જોકે ઝાડની ડાળીઓ પર લૅન્ટર્નની જેમ લટકતા ટેન્ટ્સ મસ્ત રોમૅન્ટિક ફીલ આપે છે. નવ ફૂટ લાંબા અને આઠ ફૂટ પહોળો બેઝ હોવાથી રહેવા-સૂવામાં પણ કમ્ફર્ટેબલ હોય છે. આવા ટેન્ટ માત્ર હૉલૅન્ડની આ કૅમ્પસાઇટ પર જ માણવા મળશે.

બ્રિટનમાં જમીનથી એક-દોઢ ફૂટ ઊંચા રહે એવા વૃક્ષ પર ટીંગાતા ટેન્ટ પણ મળે છે, એનાથી જમીન પરના કીડી-મંકોડા કે સાપ તંબુમાં અંદર ઘૂસી આવવાનો ભય નથી રહેતો. આ ટેન્ટ ભાડેથી મેળવી શકાય એવા છે.

ડ્રેસ ટેન્ટ


થોડાક વષોર્ પહેલાં ઍડ્રિએની પાઓ અને રૉબિન લૅસર નામના ગાર્મેન્ટ ડિઝાઇનરોએ ટેન્ટ બનાવવાનો પ્રયોગ કર્યો હતો, જેમાં મૉડલે પહેરેલા ડ્રેસનો કમર નીચેનો ભાગ ચારેકોરથી ફુલાવીને લાંબો કરી નાખ્યો હતો. એટલું જ નહીં, કમર નીચેના કપડાને ઍલ્યુમિનિયમ સ્કૅપોલ્ડિંગની મદદથી બેઝ આપીને ટેન્ટ જેવો આકાર આપ્યો હતો. રોજબરોજના વપરાશમાં કે ઈવન રૅમ્પ પર પણ આવો ડ્રેસ પહેરીને મૉડલ ચાલી શકે એમ નહોતી. જોકે એનું જોઈને બીજા સ્વીડિશ ડિઝાઇનરે નકલી મૉડલ વાપરીને ડ્રેસ ટેન્ટ તૈયાર કર્યા છે. આ ટેન્ટમાં તમે રહી શકો છો અને જાણે તંબુની ટોચ પરનો નકલી મૉડલ જાણે ચાડિયાની જેમ રખેવાળી કરી રહ્યો હોય એવું લાગે છે.

સૌરઊર્જાથી પ્રકાશિત ટેન્ટ

હાલમાં અમેરિકન આર્મી પોતાના સૈનિકો માટે સૌરઊર્જાથી ઉજાસ પાથરતા ટેન્ટનો પ્રયોગ કરી રહી છે. ૧૬ બાય ૨૦ ફૂટના આ ટેન્ટની ઉપર ૮૦૦ વૉટ્સ ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકે એવી ફોટોવૉલ્ટેઇક પૅનલ લગાવવામાં આવી છે. બ્લુ રંગની પટ્ટીઓવાળી ફ્લેક્સિબિલ સપાટી દ્વારા સૂર્યનાં કિરણોનું વીજળીમાં રૂપાંતર થઈને સંઘરાય છે. આ વીજળી રાતના પ્રકાશ માટે તેમ જ નાઇટ-વિઝન ગૉગલ્સ અને એના જેવાં અત્યાધુનિક ગૅજેટ્સ ચાર્જ કરવામાં પણ કામ આવે છે.

અમેરિકામાં ઑરેન્જ કંપનીએ બે માણસો રહી શકે અને રેન્ટ પર લઈને ફરી શકાય એવા સોલર ટેન્ટ્સ બનાવ્યા છે.

પાર્ટી ટેન્ટ

લંડનમાં અન્ડરગ્રાઉન્ડ ટ્યુબ જેવો ટેન્ટ બનાવવામાં આવ્યો છે. એમાં લગભગ ૭૨ વ્યક્તિઓ સૂઈ શકે એવી મોકળી જગ્યા છે. ટ્રેનનાં બારણાંઓની જેમ બેઉ બાજુ બે-બે અને આગળ-પાછળ એક એમ કુલ છ દરવાજાઓ એમાં છે. પાર્ટી કરવી હોય કે મોટા જૂથમાં કૅમ્પ પર જવું હોય તો આ ટ્યુબ ટેન્ટ બેસ્ટ છે.

જૅકેટ ટેન્ટ

એકલા-એકલા ટ્રેકિંગ કરવાનો કે જંગલમાં ફરવાનો શોખ ધરાવતા લોકો માટે શિયાળો, ઉનાળો કે ચોમાસુ ત્રણેય સીઝનમાં ચાલે એવો પહેરી લઈ શકાય એવો જૅકેટ ટેન્ટ બેસ્ટ છે. બૅગમાં ફોલ્ડ કરીને રાખી શકાય એવો આ ટેન્ટ જૅકેટની જેમ પહેરવાનો હોય છે. વેલક્રો દ્વારા પેટીપૅક થઈ જતો હોવા છતાં મોં પાસે જાળીવાળી નેટ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી.

કાર ટેન્ટ

શહેરની બહાર તમે ચાહો ત્યાં તંબુઓ ઊભા કરી શકો છો, પણ સિટીની અંદર એવી સવલત નથી મળતી. કોઈ શહેરની અંદર જાઓ અને રહેવા માટે હોટેલ ન મળે તો શું કરવાનું? કેટલાક ડાહ્યા ડિઝાઇનરોએ આ સમસ્યાનું સૉલ્યુશન આપતો કાર ટેન્ટ બનાવ્યો છે. આ એક ટાઇપનું કારનું કવર જ હોય છે જેને ટેન્ટ જેવી સુવિધાઓ માટે સજ્જ કરવામાં આવ્યું છે. જેમ કે એક બાજુએ વેલક્રોથી અંદર જવા-આવવાનો દરવાજો બનાવાયો છે. અંદર ઍલ્યુમિનિયમનું ફોલ્ડિંગ સ્ટ્રક્ચર છે, જેના પર આ કવર બેસી જાય. કારની જ સાઇઝનો અને કારના જ કવર જેવો દેખાતો આ ટેન્ટ તમે કોઈ પણ પાર્કિંગ પ્લેસમાં જઈને ખડો કરી દો તો તમારી ટેમ્પરરી રાતવાસની સમસ્યા સૉલ્વ થઈ જાય. રોડ પર ભસતા કૂતરાઓની કે પેટ્રોલિંગ માટે નીકળેલી પોલીસની પણ ચિંતા નહીં.



Whatsapp-channel Whatsapp-channel

22 September, 2013 06:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK