સૌના રામ, સૌમાં રામ
પ્રતીકાત્મક તસવીર
આપણે દાયકાઓ અને સદીઓના વિલંબથી ટેવાયેલા છીએ. દેશ માટેનો કોઈ પ્રાણપ્રશ્ન હોય તો એનો નિકાલ આવતાં આટલો ટાઇમ તો થાય જ એવી આપણી માન્યતા અસ્થાને પણ નથી. પ્રજાએ આ જ જોયું છે. આપણા અનુભવ પર આનંદાઘાત કરે એવી બે પરિવર્તક ઘટના ૨૦૨૦ની પાંચમી ઑગસ્ટે બની. ૩૭૦ કલમ રદ કર્યાને એક વર્ષ પૂરું થયું અને એ જ દિવસે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થયું. જય સિયારામના નાદથી અયોધ્યાનગરી ગુંજી ઊઠી. બહારથી અને ભીતરથી અયોધ્યા રામમય બની ગઈ. ભગવતીકુમાર શર્માના શેર અયોધ્યા સંદર્ભે સાર્થક લાગે છે.
હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને!
પછી દસ દિશામાં પરમ તું નીરખને!
અગમ તું નીરખને! નિગમ તું નીરખને!
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને!
રામમંદિરના ભૂમિપૂજન નિમિત્તે સરયુ નદીના કાંઠે વસેલી અયોધ્યાનગરી ચારેગમ ઝળહળી ઊઠી. એવું લાગ્યું કે ભારતીય સંસ્કૃતિનું તેજ આ પવિત્ર દિવસે સાક્ષી થવા માટે એકત્ર થયું છે. સંતો અને મહંતોની આંખમાં રામલલ્લા માટેનો ભક્તિભાવ તાદૃશ્ય થઈ રહ્યો હતો. મંદિરના નિર્માણ માટે લવાયેલા પથ્થરો પંડમાં પ્રાણ ફૂંકાવાની વાત સાંભળીને પ્રફુલ્લિત થઈ રહ્યા હતા. વર્ષોથી પથ્થરોને આકાર આપી રહેલા કામદારોની આંગળીઓ દિવ્ય અનુસંધાનમાં નિમિત્ત હોવાની તક મળવાથી ખુશ હતી. દક્ષેશ કૉન્ટ્રૅક્ટર ચાતકના શેરમાં ભક્તનો ભાવ વર્તાશે...
આજ ખુશાલીનો અવસર છે ચાતક એના આંગણમાં
મારી આંખો મેંદીની ભીનાશ લગાવી બેઠી છે
અવસર ખુશાલીનો કેમ ન હોય. આ તો સદીઓની લડાઈ હતી. વાત અધિકાર કરતાં વિશેષ આત્મસન્માનની હતી. પરદેશી સત્તાઓ કાયમ આપણા પર ચડાઈ કરી ધર્મસ્થાનકોનો ખાતમો બોલાવતી આવી છે. આપણને હથોડાના ઘા કોઠે પડી ગયા છે. એકવીસમી સદીમાં હવે આ ઘા વીંઝતા હથોડાને અટકાવવાનો પ્રશંસનીય પ્રયાસ થયો છે. હવે માટી ખોદી નવસર્જનનાં નિમિત્ત બનતા પાવડાનો મહિમા કરવાનો છે. ફિલિપ ક્લાર્કના શેરમાં સંવેદન સાથે સંઘર્ષ પણ સમાયેલો છે...
ચીતરેલા મોર ભીંતે જોઈને
ભીતરે હુંયે કળાતો જાઉં છું
ગોઠવાતી કેટલાયે પ્રેમથી
એ જ ઈંટોમાં ચણાતો જાઉં છું
લાખો દીવાથી તેજસ્વી થયેલી નગરીમાં નવચેતન વર્તાતું હતું. બીજેપીના એજન્ડામાં સમાવિષ્ટ બે મોટી સમસ્યાનો તોડ નીકળ્યો; કલમ ૩૭૦ અને રામમંદિર. ગળથૂથીમાં જ તોડવાની માનસિકતા ધરાવતા ધર્માંધો અને તોડફોડ કરવાની માનસિકતા ધરાવતા વિરોધ પક્ષો મીંદડી બની ગયા. છેલ્લા એકાદ વર્ષમાં આપણે જોયું કે ઓમર અબદુલ્લા અને મેહબૂબા મુફ્તી જેવા ઝેર ઓકતા નેતાઓ અંકુશમાં આવ્યા છે. નજરબંધીને કારણે નૈનમટ્ટકા કરી પ્રજાને ગુમરાહ કરવાની ચેષ્ટા પર બ્રેક લાગી છે. તેમને લાચાર જોઈને મરીનડ્રાઇવની પાળી પર ઊભાં-ઊભાં આકાશને સહસ્ર તાળીઓથી વધાવવાનું મન થાય. દરિયાને ડહોળી નાખનાર તત્ત્વોને રામબાણ વાગે એમાં રંજ ન હોય, રોમાંચ જ હોવો જોઈએ. આવી બલાઓને તો ખલીલ ધનતેજવીનો શેર મુબારક...
આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર
ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર
કાશ્મીરમાં ફેંકાયેલા પથ્થરોને કારણે લોહી વહ્યું, જ્યારે અયોધ્યામાં પથ્થરો મંદિરમાં પરોવાઈને ઇતિહાસ સર્જશે. પથ્થરનાં પણ પોતાનાં નસીબ હોય છે. મધુમતી મહેતાના શેરમાં પ્રભાતનો ઉજાસ વર્તાય છે...
ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું
કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું
વાંકદેખાઓ અત્યારથી વિવાદનો મસાલો ખાંડવા બેસી ગયા છે, જેથી આખું વર્ષ પ્રવૃત્તિ રહે. રામમંદિર તો બનાવી લેશો, પણ રામરાજ્ય ક્યારે લાવશો એવું બચકાનું પૂછીને પોતાનું અસ્તિત્વ ટકાવવાનો મિથ્યા પ્રયત્ન કરનારાઓ આપણે ત્યાં હોલસેલના ભાવે મળી જશે. તેમના નાખુનમાં નકારનો ‘ન’ એવો ઘૂસી ગયો છે કે હકારનો ‘હ’ મૂકવો હોય તો બે-ત્રણ પેઢીનો ખર્ચો કરવો પડે. એટલો ખર્ચો કરવાની હવે જરૂર નથી અને એટલો સંયમ રાખવાનો હવે સમય નથી. એટલે જવાહર બક્ષીના આ શેર માણીએ...
શ્રદ્ધા તો ઠીક કોઈ અશ્રદ્ધા રહી નથી
આંખો કરું છું બંધ હવે અંધકારમાં
ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ
પડઘાઉં છું સદીથી હજી સુનકારમાં
રામમંદિરમાં ભારતનો સાચો અવાજ વર્તાઈ રહ્યો છે. જેમને હિન્દુ હોવામાં લઘુતાગ્રંથિ અનુભવાય છે એ લોકો બહુ-બહુ તો પોતાના કાન બંધ કરી દેશે. કરે. આપણને શું? સમસમીને બેસશે. બેસે. આપણને શું? દિલ જલતા હૈ તો જલને દે. આપણે તો શયદા કહે છે એવી મનોકામના કરીએ...
જનારી રાત્રિ જતાં કહેજે
સલૂણી એવી સવાર આવે
કળી કળીમાં સુવાસ મહેકે
ફૂલો ફૂલોમાં બહાર આવે
પાનખર ગમે એટલી લાંબી ચાલે, બહારેં ફિર ભી આતી હૈં, બહારેં ફિર ભી આયેગી. અત્યારે તો ક્રાન્તિકારી પરિવર્તનને આવકારવાની ઘડી છે. સૂફી પરમારના શબ્દોમાં શાશ્વતી પડઘાય છે...
પરિસ્થિતિ તમારી લાગે છે કેદી સમી અમને
તમારું ધૈર્ય જોઈને હું લાગું છું પગે તમને
પરિવર્તન પ્રભુ લાવોને માનવજાતની અંદર
ત્યજીને ધર્મોનાં ઘર્ષણ અમે સૌ પૂજીએ તમને
ઘર્ષણ દરેકના જીવનમાં રહેવાનું. વ્યક્તિગત હોય કે રાષ્ટ્રીય, ઘર્ષણ ઘસાવામાં માનતું નથી. એ રૂપ બદલી-બદલીને આવ્યા કરે છે. આપણે ત્યાં પેચીદા પ્રશ્નો આધારિત ફિલ્મો બનતી રહી છે. દેશના ભાગલા થયા એ ઘટના પર આધારિત ‘ગર્મ હવા’, ‘ધર્મપુત્ર’, ‘તમસ’, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, ‘ગદર ઃ એક પ્રેમકથા’ વગેરે ફિલ્મો બની. કાશ્મીરી પંડિતોની સમસ્યા પર વિધુ વિનોદ ચોપડાએ તાજેતરમાં જ ‘શિકારા’ બનાવી. રામમંદિરના ઇતિહાસ આધારિત ફિલ્મની જાહેરાત કંગના રનોટે કરી છે. રામમંદિરના પ્રાગટ્ય માટે પુરુષાર્થ કરનાર દિવંગત-વર્તમાન પેઢીનો હરેશલાલના શેર સાથે આભાર માનીએ. બધું જ હવે રામમય બનવામાં છે.
તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો
અશોક બાદ જેમ શિલાલેખ રહી ગયો
ક્યા બાત હૈ
એક સદીનો મનસૂબો લઈ ક્ષણને તોડું
ધીરે ધીરે પથ્થર જેવા જણને તોડું
દૂર ઘણી મંઝિલ ને રસ્તા વાંકાચૂંકા
જોર લગાવીને સઘળી અડચણને તોડું
ADVERTISEMENT
કામ નથી એક્કેય એવું જે ના થઈ શકતું
સૌથી પહેલાં મસમોટા આ ‘પણ’ને તોડું
કોણ કહે છે કોમળતા એ નિર્બળતા છે?
ચાલ કમળની દાંડી લઈને ઘણને તોડું
જડશે જોજે સાવ અચાનક ઝળહળ જેવું
લાવ હથોડી શ્રદ્ધાની લઈ કણને તોડું
- પારુલ ખખ્ખર