ચોપાટી જાયેંગે, ભેલપૂરી ખાયેંગે લકડી બંદર બન્યું ચોપાટી
પહેલા આવું હતું ચોપાટી
તુલસીદાસજીની એક જાણીતી પંક્તિ છે: તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ. આ પંક્તિનો સાચો અર્થ સમજવો હોય તો સમી સાંજે ગિરગામ ચોપાટીના દરિયા કિનારે જવું. અહીં મોટરમાં બેઠા બેઠા દરિયાની હવા ખાતા માલેતુજારો પણ જોવા મળે, અને રેતીમાં પાથરેલી સાદડી પર લંબાવીને ચંપી કરાવતા નફિકરાઓ પણ જોવા મળે. તેમને જોઇને પેલું પ્રખ્યાત ફિલ્મી ગીત યાદ આવ્યા વગર રહે નહિ:
સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે,
આજા પ્યારે, પાસ હમારે, કાહે ગભરાય, કાહે ગભરાય.’
હાથ ચાલાકીના ખેલ બતાવનારા અહીં જોવા મળે, તો જીભ ચાલાકીથી લોકો પાસેથી પૈસા ઉઘરાવી લેનારા લેભાગુઓ પણ જોવા મળે. અને હા, આસપાસની દુનિયાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ માનીને એકબીજામાં ગૂંથાઈ ગયેલાં પ્રેમીઓ માટે તો સ્વર્ગ અહીંથી વેંત જ છેટું હોય છે. હા, સવારે અહીં આવો તો કિનારા પર કેટલેક સ્થળે માણસો કરતાં વધુ તો કબૂતરો જોવા મળે. રૂપિયા બે રૂપિયાનું ચણ નાખીને ઢગલો પુણ્ય કમાઈ લેવાની ધગશ ધરાવતા લોકો ચણા વેરતા જાય અને પુણ્ય ઉસેટતા જાય.
પણ આજથી સો-દોઢ સો વર્ષ પહેલાં અહીં આમાંનું કશું નહોતું. ફક્ત નાનાં વહાણો અહીં લાંગરતાં, અને પોતાનો માલ કાંઠાની રેતીમાં ઉતારતાં. એ માલ એટલે મુખ્યત્વે લાકડા. એટલે એ વખતે આ જગ્યા ‘લકડી બંદર’ તરીકે ઓળખાતી. પણ પછીથી ધીમે ધીમે તે ‘ચોપાટી’ના નામે ઓળખાવા લાગી. અરે, આજે આપણે જેને મલબાર હિલ કહીએ છીએ તેને પણ લોકો તો ચોપાટીની ટેકરી તરીકે જ ઓળખતા. પણ આ ચોપાટી નામ આવ્યું ક્યાંથી? તેના નામમાં આવતા ‘ચો’ (ચાર)ને કારણે ઘણા કહે છે કે અહીં પાણીના ચાર પ્રવાહ ભેગા થતા તેથી ચોપાટી. તો વળી કેટલાક કહે છે કે અહીં ચાર રસ્તા ભેગા થતા એટલે ચોપાટી. પણ સાહેબ, મુંબઈમાં જ એક કરતાં વધુ ચોપાટી છે: પહેલી ગિરગામ ચોપાટી, પણ પછી વરલી ચોપાટી, દાદર ચોપાટી, ખાર-દાંડા ચોપાટી, જુહુ ચોપાટી, વગેરે. એટલું જ નહિ, દરિયા કાંઠે કે નદી તીરે આવેલાં ગુજરાતનાં ઘણાં શહેરોને પણ પોતપોતાની ‘ચોપાટી’ છે. જેમ કે સુરત, સોમનાથ, પોરબંદર, વેરાવળ, દ્વારકા, માધવપુર વગેરેની ચોપાટી. હવે, ચોપાટી’ શબ્દનો એક અર્થ થાય છે સપાટ કે સમથળ જમીન. મલબાર હિલની ટેકરી પૂરી થાય અને પછી લગભગ તરત આવે છે આ સમથળ, સપાટ જમીન. એટલે લોકો તેને ‘ચોપાટી’ તરીખે ઓળખાતા હોય એમ બને. પણ પછી, એ શબ્દ સાથે ‘દરિયા કિનારો’ જોડાઈ ગયો અને એટલે બીજી જગ્યાઓએ આવેલી દરિયા કે નદી કિનારા પરની સપાટ કે સમથળ જમીન પણ ‘ચોપાટી’ તરીકે ઓળખાતી થઈ. કે પછી, ગુજરાતના દરિયા કાંઠાના કોઈ શહેર પાસેથી મુંબઈને ‘ચોપાટી’ શબ્દ મળ્યો હશે? સૌરાષ્ટ્રમાં ઘરની પરસાળ માટે વપરાતો શબ્દ ‘ચોપાડ’ આપણી ‘ચોપાટી’ને મળતો આવે છે. ચોપાડ એટલે ચારે તરફથી ખુલ્લી જગ્યા. અને હિન્દી ભાષામાં વપરાતા ‘ચોપાલ’ શબ્દનો અર્થ પણ થાય છે ‘ખુલ્લી સાર્વજનિક જગ્યા.’ મુંબઈની દક્ષિણે આવેલા મહારાષ્ટ્રના કોઈ દરિયા કિનારાને લોકો ‘ચોપાટી’ તરીકે ઓળખતા હોય એવું જાણ્યું નથી.
આજે તો ગિરગામ ચોપાટીની આસપાસની ઘણી જગ્યા ચોપાટ કે સમથળ છે, પણ અગાઉ એવું નહોતું. દરિયા કીનારાની સાંકડી પટ્ટી પછી તરત શરૂ થતી જુદી જુદી જણસોની વાડીઓ. હવે તો એ વાડીઓનું નામ નિશાન રહ્યું નથી, છતાં આજેય ગિરગામ વિસ્તારમાંના ઘણા લોકોની જીભે હજી આવાં નામો જ રમે છે: તાડવાડી, ફણસવાડી, કાંદાવાડી, કેળેવાડી, જામ્બુલવાડી, ફોફળ (સોપારી)વાડી, વગેરે.એટલે એક વખત આ બધો વિસ્તાર જાતજાતનાં વૃક્ષોથી ઘેરાયેલો હતો. તે પછી આવતી થોડી ખુલ્લી, સપાટ જમીનને લોકો ‘ચોપાટી’ કહેતા હોય તો તે સમજી શકાય.
પણ પછી મુંબઈમાં રેલવે આવી. પહેલી લાઈન તો બોરી બંદરથી થાણાની હતી, જીઆઈપી રેલવેની. પછી આવી બીબીસીઆઈ (આજની વેસ્ટર્ન) રેલવે. તેનું કામ પ્રમાણમાં ધીમે ધીમે આગળ વધ્યું. ૧૮૫૯ સુધીમાં સુરતથી ગ્રાન્ટ રોડ સુધી પાટા નખાયા અને તે જ વર્ષે ગ્રાન્ટ રોડ ટર્મિનસ ખુલ્લું મુકાયું. પછી ૧૮૬૧માં તે પાટા ચર્ચ ગેટ સુધી પહોંચ્યા, અને પછી ૧૮૭૩માં કોલાબા સુધી. ટ્રેનના પાટા ઓળંગવા જતાં આજે તો મુંબઈમાં દરરોજ કેટલાય માણસોના જાન જાય છે. પણ ૧૯મી સદીમાં તો મુંબઈની વસ્તી ઘણી ઓછી. બે ટ્રેનો વચ્ચેનો સમય ગાળો લાંબો, અને છતાં એ વખતે પણ પાટા ઓળંગવા જતાં કેટલાક લોકો મોતને ભેટતા હતા. બીબીસીઆઈ રેલવેના એક એન્જિનિયરના મનમાં થયું કે આમ માણસોને મરવા ન દેવાય. પણ તો કરવું શું? માણસો માટે રેલવે લાઈન ઉપર પૂલ બાંધવો. અને એવા પહેલા પૂલનું બાંધકામ શરૂ થયું ચોપાટી નજીક. આજે એ પૂલ કેનેડી બ્રિજ તરીકે ઓળખાય છે. દેખીતું છે કે આ નામને અમેરિકાના પ્રેસિડન્ટ જોન એફ કેનેડી સાથે કશું લાગતું વળગતું નથી. આવો પૂલ બાંધાવાનું જે એન્જિનિયરને સૂઝ્યું તેમનું નામ હતું જોન પિટ કેનેડી (૧૭૯૬-૧૮૭૯). ૧૮૫૦માં તેમની ચીફ એન્જિનિયર તરીખે નિમણૂક થઈ. તેઓ પૂલ બાંધવામાં નિષ્ણાત હતા. ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં પણ તેમણે કેટલાક પૂલ બાંધેલા. પણ તેમના નામ સાથે જોડાયેલો મુંબઈનો આ પૂલ ક્યારે બંધાયો તેની માહિતી રેલવેના દફતરમાં પણ સચવાઈ નથી! પણ ૧૮૫૦ અને ૧૮૭૦ની વચમાં ક્યારેક તે બંધાયો હશે. મુંબઈથી અમદાવાદ સુધીની રેલવે લાઈન નખાઈ ત્યારે નર્મદા નદી ઉપરનો પૂલ તથા વસઈની ખાડી પરનો પૂલ પણ આ કેનેડીએ જ બાંધ્યા હતા. મુંબઈના એક પૂલને તેમનું નામ અપાયું એટલું જ નહિ, ચોપાટીના દરિયા કિનારાનું પણ સત્તાવાર નામ એક જમાનામાં હતું કેનેડી સી ફેસ! જો કે એ નામ લોકોમાં ક્યારેય પ્રચલિત થયું નહિ. પણ પીએમ બાથ બહારની ફૂટપાથની વચ્ચોવચ એક થાંભલા પર આ કેનેડી સી ફેસ નામ લખેલું તે આ લખનારે વર્ષો પહેલાં જોયેલું છે. આજે એ થાંભલો છે કે નહિ તેની ખબર નથી.
ચોપાટી નજીક આવેલો બીજો એક પુલ છે ફ્રેન્ચ બ્રિજ. આ નામને પણ ફ્રાન્સ દેશ સાથે કશું જ લાગતું વળગતું નથી. કર્નલ પેટ્રિક ટી. ફ્રેન્ચ હતા બીબીસીઆઈ રેલવેના સ્થાપક અધ્યક્ષ. તેમની યાદગીરીમાં આ પૂલ બંધાયો હતો. કર્નલ ફ્રેન્ચ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પણ અચ્છા ચાહક અને જાણકાર હતા. તેમણે કેટલોગ ઓફ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સટ્રુમેન્ટ તૈયાર કરીને રૉયલ આઈરિશ એકેડેમીને ભેટ આપ્યું હતું. આ પુલની ધારે આવેલું બ્લેવેત્સ્કી લોજનું મકાન એક જમાનામાં શહેરનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર હતું. પણ ચોપાટીના દરિયા કિનારા સાથે સીધો સંકળાયેલો પૂલ તે તો સેન્ડહર્સ્ટ બ્રિજ. ઓપેરા હાઉસ થિયેટર આગળથી શરૂ થઇ તે દરિયા કિનારા પાસે પૂરો થાય છે. ૧૮૯૫થી ૧૯૦૦ સુધી બૉમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર રહેલા લોર્ડ સેન્ડહર્સ્ટની યાદમાં આ પૂલને તેમનું નામ અપાયેલું. જીઆઈપી (હાલની સેન્ટ્રલ) રેલવે પર તેમના નામનું સ્ટેશન પણ છે.
પણ ચોપાટીને સૌથી નજીકનો સંબંધ છે તે તો ચર્ની રોડ સ્ટેશન સાથે. દેખીતું છે કે સ્ટેશનનું નામ પડ્યું છે નજીક્ના ચર્ની રોડ પરથી. આ ચર્ની રોડ નામનો ઈતિહાસ પણ મજેનો છે. આજે આપણે જેને આઝાદ મેદાન તરીકે ઓળખીએ છીએ તે પહેલાં કેમ્પના મેદાન (લોક બોલીમાં કાંપનાં મેદાન) તરીકે ઓળખાતું હતું. ત્યાં પુષ્કળ ઘાસ ઉગતું હતું અને શહેરના ગોવાળો-ભરવાડો પોતાનાં ઢોરઢાંખરને રોજ ત્યાં ચરાવવા લઇ જતા. સરકાર ભલે કોઈ પણ હોય, લોકોની અગવડ કેમ વધે એના પેંતરા જ લડાવતી હોય છે. તે વખતની અંગ્રેજ સરકારને થયું કે આ મેદાનની જમીન તો સરકારી છે. એટલે તેના પરનું ઘાસ પણ સરકારી છે. તો એ ઘાસ મફતમાં ઢોર ખાઈ જાય એ કેમ ચાલે? એટલે ૧૮૩૮માં ત્યાં ઢોર ચરાવવા માટે સરકારે ફી ઉઘરાવવાનું શરૂ કર્યું. હવે તમે જ કહો, જે વસ્તુ મફતમાં મળતી હોય તેને માટે ફદિયાં ચૂકવવાં કોને ગમે? અને ગૌરક્ષકો તો એ વખતે પણ હતા. સર જમશેદજી જીજીભાઈને થયું કે આ તો સરકારી જુલમ કહેવાય. ઠાકુરદ્વાર પાસે પણ ઘણી જમીનમાં ઘાસ ઉગતું હતું. જમશેદજીએ ગાંઠનાં ગોપીચંદન કરીને એ જમીન ખરીદી લીધી અને ઢોર ઢાંખરને મફત ચરાવવા માટે ખુલ્લી મૂકી દીધી. ઢોરને ચરાવવા માટેની જગ્યાને મરાઠીમાં ‘ચરણી’ કહે છે. એટલે એ જગ્યા ‘ચરણી’ તરીકે ઓળખાવા લાગી. પછીથી ત્યાં જે રસ્તો બન્યો તેનું નામ પણ ચર્ની રોડ અને જે રેલવે સ્ટેશન બન્યું તેનું નામ પણ પડ્યું ચર્ની રોડ સ્ટેશન.
આ સર જમશેદજી જીજીભોયનો જન્મ મુંબઈમાં ૧૭૮૩ના જુલાઇની ૧૫મી તારીખે અને બેહસ્તનશીન થયા ૧૮૫૯ના એપ્રિલની ૧૪મી તારીખે. મૂળ વતની ગુજરાતના ઓલપાડ ગામના. ૧૬ વર્ષની વયે કલકત્તા અને ત્યાંથી ચીન ગયા. પછી તો ચીનના પાંચ-છ પ્રવાસો કરી કપાસ અને અફીણના વેપારમાં પુષ્કળ કમાયા. ૪૦ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો તેમની પાસે બે કરોડ રુપિયાની મૂડી હતી, જે એ જમાનામાં અધધધ કહેવાય. ૧૮૧૮માં તેમણે ‘જમશેદજી જીજીભોય એન્ડ કંપની’ શરૂ કરી. તેના બીજા ભાગીદારો હતા મોતીચંદ અમીચંદ, મહંમદઅલી રોગા, અને રોજેરિયો દ ફારિયા. – એક હિંદુ, એક મુસ્લિમ અને એક ગોવન ખ્રિસ્તી. પણ જમશેદજીએ કમાઈ જાણ્યું તેમ પૈસા વાપરી પણ જાણ્યા. પુષ્કળ સખાવતો કરી. માહિમ અને વાંદરાને જોડતો રસ્તો બાંધવા માટે સરકારે કહ્યું કે પૈસા નથી, ત્યારે જમશેદજીએ પોતાનાં પત્નીના નામે પૈસા આપી તે બંધાવ્યો. જે આંજે પણ લેડી જમશેદજી રોડ તરીકે ઓળખાય છે. સર જે. જે. હોસ્પિટલ બાંધવા માટે તેમણે એક લાખ રૂપિયા દાનમાં આપેલા. જે. જે. સ્કૂલ ઑફ આર્ટસ, જે.જે. કોલેજ ઑફ આર્કિટેક્ચર, વગેરે પણ તેમના દાનને પ્રતાપે બંધાઈ. પૂના વૉટર વર્કસ બાંધવાના ખર્ચના ૬૬ ટકા જેટલી રકમ તેમણે આપેલી અને બાકીની સરકારે. ૧૮૩૮માં ‘બૉમ્બે ટાઈમ્સ’ નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું તેના સ્થાપકોમાંના એક હતા જમશેદજી. આજનું ટાઈમ્સ ઑફ ઇન્ડિયા તે આ બૉમ્બે ટાઈમ્સનો જ નવો અવતાર. બ્રિટીશ સરકારે ૧૮૪૨માં તેમને નાઈટહૂડથી નવાજ્યા, અને ૧૮૫૮માં બેરોનેટ બનાવ્યા. આવું સન્માન રાણી વિક્ટોરિયા પાસેથી મેળવનાર જમશેદજી પહેલા હિન્દી હતા.
આપણી ભાષાની એક ખૂબ જાણીતી અને માનીતી નવલકથાની એક મુખ્ય ઘટના સાથે ચર્ની રોડ સ્ટેશન, ચોપાટી, વાલકેશ્વર એ બધી જગ્યાઓ સંકળાયેલી છે. પણ એ નવલકથા અને તેના લેખકના આ બધી જગ્યાઓ સાથેના સંબંધની વાત હવે પછી. અત્યારે તો પહેલાં ચોપાટીની ભેળનો સ્વાદ માણી લઈએ, મલાઈ કુલ્ફી ઝાપટી લઈએ અને ટ્રેન પકડવા માટે ચર્ની રોડ જતાં પેલું પ્રખ્યાત ગીત ગણગણી લઈએ:
ચોપાટી જાયેંગે, ભેલપૂરી ખાયેંગે,
અચ્છી અચ્છી સુરતોં સે આંખે લડાયેંગે
હલ્લા મચાયેંગે, ગુલ્લા મચાયેંગે
બૅન્ડ બાજા બાજેગા ધમ ધમ ધમ.

