મસ્કે જે વિડિયો પોસ્ટ કર્યો છે એમાં ૧૯૯૬માં તેમની ઉંમર ૨૫ વર્ષ હતી ત્યારથી ૨૦૨૩માં પંચાવન વર્ષની વય સુધીની યાત્રા દર્શાવી છે.
લાઇફમસાલા
ઈલૉન મસ્ક કહે છે, નેટવર્થ તમારા વાળ પણ વધારી આપે છે
સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે પુરુષોના વાળ ઊતરવા માંડે છે, પણ વિશ્વના સૌથી અમીર બિઝનેસમૅન ઈલૉન મસ્કના કિસ્સામાં ઊંધું થયું છે. તેમની ઉંમર વધતાં તેમની સંપત્તિ તો અઢળક વધી છે, પણ વાળ પણ વધી ગયા છે અને મસ્કે પોતે જ આમ કહ્યું છે. ટેસ્લા કાર, સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ અને સ્પેસઍક્સ સહિતની કંપનીઓના માલિક ઈલૉન મસ્કે ઍક્સ પર એક વિડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે આશ્ચર્યની વાત છે કે નેટવર્થ તમારા વાળ પણ વધારી આપે છે. મસ્કે જે વિડિયો પોસ્ટ કર્યો છે એમાં ૧૯૯૬માં તેમની ઉંમર ૨૫ વર્ષ હતી ત્યારથી ૨૦૨૩માં પંચાવન વર્ષની વય સુધીની યાત્રા દર્શાવી છે. પોતાના જૂના વિડિયો મર્જ કરીને એમાં ઉંમરની સાથે નેટવર્થનો આંકડો પણ લખ્યો છે.
આમ તો એવી ચર્ચા ચાલી રહી છે કે મસ્કે હેર ટ્રીટમેન્ટ કરાવી છે. યુએલ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ફિઝિશ્યન રહી ચૂકેલા ડૉ. જેમ્સ સી. બટલરના કહેવા પ્રમાણે મસ્કે ૨૦૦૦ની સાલમાં ટાલનો ઇલાજ કરવા કહ્યું હતું. જોકે એ સમયે પણ તેઓ પબ્લિક ફિગર હતા એટલે ટ્રાન્સપ્લાન્ટ કરાવે તો મીડિયામાં તેની છબિ ખરડાય એટલે તેમણે કોઈ બીજો રસ્તો અપનાવવા કહ્યું અને ડૉક્ટરે ખાસ મસ્ક માટે સંશોધન કર્યું અને ‘હેરગ્રોથ-ઍક્સ’ નામની દવા વિકસાવી અને એનાથી મસ્કનું ખિસ્સું ભર્યુંભર્યું છે એમ તેમનું માથું પણ ભર્યુંભર્યું થઈ ગયું.