વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ મારિયા બ્રાન્યાસ મોરેરાએ ૪ માર્ચે પોતાનો ૧૧૭મો જન્મદિવસ મનાવ્યો હતો.
વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ મારિયા બ્રાન્યાસ
વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ મારિયા બ્રાન્યાસ મોરેરાએ ૪ માર્ચે પોતાનો ૧૧૭મો જન્મદિવસ મનાવ્યો હતો. ૧૯૦૭માં સૅન ફ્રાન્સિસ્કોમાં જન્મેલા મારિયાએ ગયા વર્ષે જાન્યુઆરીમાં ૧૧૮ વર્ષના ફ્રાન્સના લ્યુસીલ રેન્ડનના અવસાન બાદ સૌથી વૃદ્ધ વ્યક્તિનો ખિતાબ મેળવ્યો હતો. મારિયાએ ૧૯૩૧માં લગ્ન કર્યાં હતાં અને કપલ ત્રણ બાળકોના પેરન્ટ્સ બન્યાં હતાં. મારિયાના પતિનું ૧૯૭૬માં અવસાન થયું હતું અને તેમનો એકમાત્ર પુત્ર ૮૬ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. મારિયાને સાંભળવામાં સમસ્યા થાય છે અને જાતે હરી-ફરી શકતાં નથી. એ સિવાય તેમને કોઈ ફિઝિકલ કે મેન્ટલ હેલ્થ પ્રૉબ્લેમ નથી. મારિયાનો પરિવાર તેમની સાથે વાતચીત કરવા માટે વૉઇસ-ટુ-ટેક્સ્ટ ડિવાઇસનો ઉપયોગ કરે છે. સંશોધકોએ મારિયાની લાળ, બ્લડ અને યુરિનનાં સૅમ્પલ તેમની ૮૦ વર્ષની દીકરી સાથે સરખાવ્યાં હતાં. લાંબા આયુષ્યનું રહસ્ય જણાવતાં મારિયા કહે છે કે આમાં મારા નસીબ અને સારા જિનેટિક્સે તો ભાગ ભજવ્યો છે, પણ શાંતિ, કુટુંબ અને મિત્રો સાથેનું જોડાણ, પ્રકૃતિનો સાથ, ભાવનાત્મક સ્થિરતા, પૉઝિટિવિટી, નવું શીખવાની ધગશ મહત્ત્વની બાબતો છે. તેમણે એવી સલાહ પણ આપી કે ચિંતા ન કરો, કોઈ પસ્તાવો ન રાખો અને ટૉક્સિક લોકોથી દૂર રહો!

