કૃત્રિમ ગર્ભધારણ માટેની ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) માટે જે પ્રક્રિયા અત્યાર સુધી નિષ્ણાતો દ્વારા લૅબોરેટરીમાં થતી હતી એ આખી પ્રક્રિયા હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ દ્વારા કરી શકાય છે.
પ્રતીકાત્મક તસવીર
કૃત્રિમ ગર્ભધારણ માટેની ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) માટે જે પ્રક્રિયા અત્યાર સુધી નિષ્ણાતો દ્વારા લૅબોરેટરીમાં થતી હતી એ આખી પ્રક્રિયા હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ દ્વારા કરી શકાય છે. ન્યુ યૉર્ક અને મેક્સિકોમાં કન્સીવેબલ લાઇફ સાયન્સિસ ટીમના એમ્બ્રોયોલૉજિસ્ટ ડૉ. જૅકીસ કોહેનના નેતૃત્વમાં એક એવી ઑટોમેટેડ સિસ્ટમ શોધાઈ છે જેમાં માનવનિષ્ણાતોની મદદ વિના IVFની પ્રક્રિયા માટે જરૂરી ૨૩ પ્રોસીજર્સ આપમેળે થઈ શકે છે. કૃત્રિમ ગર્ભધારણ માટે લૅબોરેટરીમાં ચોક્કસ તાપમાને એક–એક એગમાં સ્પર્મ ઇન્જેક્ટ કરવાની ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન (ICSI) પ્રક્રિયા જે મૅન્યુઅલી કરવામાં આવે છે એ નવી શોધાયેલી સિસ્ટમ મુજબ AI દ્વારા થઈ છે. ICSI પદ્ધતિમાં જે ૨૩ સ્ટેપ્સ નિષ્ણાતો દ્વારા મૅન્યુઅલી કરવામાં આવે છે એ તમામ સ્ટેપ્સ હ્યુમન હૅન્ડની મદદ વિના રિમોટ ડિજિટલ કન્ટ્રોલ દ્વારા આપમેળે કરી શકાય છે.
આ પદ્ધતિથી તૈયાર થયેલા ભ્રૂણમાંથી મેક્સિકોની હોપ IVF હૉસ્પિટલમાં એક બૉયનો જન્મ થયો છે. ૪૦ વર્ષની એક મહિલાએ અનેક નિષ્ફળ સાઇકલ પછી AI સંચાલિત IVF સિસ્ટમ દ્વારા તૈયાર થયેલા ચાર ભ્રૂણમાંથી એક બેબીને પોતાના ગર્ભાશયમાં સ્થાપિત કરીને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આ વિશ્વનું પહેલું બાળક છે જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા ઑટોમેટેડ સિસ્ટમથી પેદા થયું છે.

