એબિલગેઇલ લેકર નામની આ મહિલાએ જણાવ્યું કે ‘આ બિલાડી એક મિનિટમાં ૮૦ વખત શ્વાસોચ્છ્વાસ લે છે.
સારવાર પાછળ સાત લાખ ખર્ચ્યા બાદ માલિકને ખબર પડી કે બિલાડીની આ વિચિત્ર આદત છે
ઑસ્ટ્રેલિયાની એક મહિલાએ તાજેતરમાં એક બિલાડી પાળી હતી, પરંતુ એને કોઈક બીમારી છે એવું લાગતાં તેણે પ્રાણીઓના ડૉક્ટર પાસે વિવિધ પ્રકારની તપાસ કરાવવા પાછળ ૧૨,૫૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે ૭ લાખ રૂપિયા) ખર્ચી નાખ્યા હતા. પછીથી ખબર પડી કે એને કોઈ બીમારી નથી, પરંતુ આ એ બિલાડીનો વિચિત્ર વર્તનનો એક ભાગ છે. એબિલગેઇલ લેકર નામની આ મહિલાએ જણાવ્યું કે ‘આ બિલાડી એક મિનિટમાં ૮૦ વખત શ્વાસોચ્છ્વાસ લે છે. એક વખત તેણે એક મિનિટમાં આવું ૧૦૦ વખત કરતાં હું પ્રાણી ચિકિત્સક પાસે ગઈ હતી. ડૉક્ટરે વિવિધ પ્રકારની ટેસ્ટ પાછળ આટલા રૂપિયા ખર્ચ્યા બાદ કહ્યું કે મૂસ નામની આ બિલાડીનું વર્તન જ એવું છે. ૨૩ વર્ષની લેકરે ગયા વર્ષે જ આ બિલાડીને પાળવાનું નક્કી કર્યું હતું, પરંતુ આ બિલાડીના ડૉક્ટરે શરૂઆતમાં જ એના બ્રીધિંગને લઈને કંઈક વિચિત્રતા હોવાનું નોંધ્યું હતું. લેકરે કહ્યું કે ‘પહેલાં તો મને કંઈક પ્રૉબ્લેમ હોવાનું લાગ્યું નહોતું, પણ પછી જ્યારે હું એની નસબંધી કરાવવા માટે ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ડૉક્ટરે મને કહ્યું કે એ આ પ્રમાણે વારંવાર શ્વાસોચ્છ્વાસ લે છે. જો ખરેખર એવું હોય તો આ એક ગંભીર બાબત ગણી શકાય. ડૉક્ટરોએ જ મને થોડી ટેસ્ટ કરાવવાનું કહ્યું, પરંતુ મેં અગાઉ પણ બિલાડી પાળી હતી એથી મને કંઈક વિચિત્ર લાગ્યું નહોતું. જોકે હું સ્વતંત્ર રીતે રહેતી થઈ ત્યાર બાદ આ મારી પહેલી બિલાડી હતી. ડૉક્ટરે મને માત્ર એના પર ધ્યાન રાખવા જણાવ્યું. પ્રાણી ચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે બિલાડી એક મિનિટમાં ૧૫થી ૩૦ વખત શ્વાસ લે છે, પરંતુ આ બિલાડી થોડી અલગ હતી. એક વખત એણે એક મિનિટમાં ૧૦૦ વખત શ્વાસ લેતાં હું એને ડૉક્ટર પાસે લઈ ગઈ. ઘણા મહિના સુધી ટેસ્ટ બાદ એક નિષ્ણાત પ્રાણી ચિકિત્સકે કહ્યું કે એનાં ફેફસાં બરાબર છે, માત્ર બિલાડી વિચિત્ર છે.