ટ્વિટર પર આ પોસ્ટ શિવાની નામની ટ્વિટર યુઝરે મૂકી છે, જેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘ટાસ્ક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે.’
Offbeat News
આ ફોટો વાઇરલ થયો છે.
આઇપીએલ માટેનું લોકોનું ગાંડપણ એ હદે છે કે ગમે તેટલા થાકી ગયા હો તો પણ પોતાની પસંદગીની ટીમની મૅચ જોવા માટે બેસી જાય છે. એવા પણ લોકો હોય છે જેઓ મૅચ જોવા માટે ઑફિસમાંથી બીમારીનું બહાનું કાઢી રજા લેતા હોય છે. આવામાં જો ટિકિટ મળે અને મૅચ લાઇવ જોવા મળે તો-તો ભાગ્યે જ કોઈ એ તક છોડે. આવું જ કંઈ બન્યું શનિવારની ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મૅચ જોવા ઑફિસમાંથી બહાનુ કાઢીને આવેલી યુવતી સાથે. તે પોતાની સાથે પ્લૅકાર્ડ પણ લાવી હતી, જેમાં લખ્યું હતું કે ‘મારા પર કૅમેરાનું ફોકસ કરશો નહીં, મારા સહકાર્યકરો માને છે કે હું બીમાર છું.’ જોકે આમ છતાં કૅમેરામાં તેનું આ પ્લૅકાર્ડ ઝિલાઈ જતાં એ વાઇરલ થઈ જ ગયું. જોકે યુવતીએ એ એવી રીતે પકડ્યું હતું કે તેનો ચહેરો જોઈ શકાતો
નહોતો.
જોકે તેની બાજુમાં એક યુવક બીજું પ્લૅકાર્ડ પકડીને ઊભો હતો, જેના પર લખ્યું હતું કે ‘તે સ્વિગીની ઍડ્મિન છે.’ આ ફોટો પણ વાઇરલ થયો છે. ટ્વિટર પર આ પોસ્ટ શિવાની નામની ટ્વિટર યુઝરે મૂકી છે, જેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘ટાસ્ક સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે.’ આ પોસ્ટે અનેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે તથા સોશ્યલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં કેટલાકે એને સ્વિગીની માર્કેટિંગ સ્ટ્રૅટેજી ગણાવી છે, જેના જવાબમાં સ્વિગીએ એના ઑફિશ્યલ પેજ પર લખ્યું છે કે દ્વેષીઓ આને ફોટોશૉપ પણ ગણાવી શકે છે. અનેક જણે લખ્યું છે કે ભલે આ કદાચ માર્કેટિંગ ટ્રિક હોય, પરંતુ એ સંપૂર્ણ ફિલ્મી છે.