પત્નીના આકસ્મિક મૃત્યુની અંતિમ ક્ષણો ત્યાં કરવામાં આવેલા રેકૉર્ડિંગમાં કેદ થઈ હતી.
અજબગજબ
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાજસ્થાનના કોટામાં સેન્ટ્રલ વેરહાઉસિંગમાં કામ કરતા દેવેન્દ્ર સંદલે તેમની બીમાર પત્ની ટીનાની દેખભાળ કરવા માટે રિટાયરમેન્ટનાં ત્રણ વર્ષ પહેલાં જ વૉલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (VRS) હેઠળ નિવૃત્તિ લીધી, પણ વિધિને કંઈક બીજું જ મંજૂર હતું. નોકરીમાં તેમના વિદાયસમારંભ સમયે જ હાર્ટ-અટૅક આવતાં તેમની પત્ની ટીનાનું તેમની નજર સામે મૃત્યુ થયું હતું. પત્નીના આકસ્મિક મૃત્યુની અંતિમ ક્ષણો ત્યાં કરવામાં આવેલા રેકૉર્ડિંગમાં કેદ થઈ હતી. વિદાયસમારોહમાં પતિ અને પત્નીને ગળામાં ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા અને ટેબલ પર ગુલાબની પાંખડીઓ સજાવવામાં આવી હતી. ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા હતા ત્યારે એકાએક ટીનાને ચક્કર આવતાં તેને ખુરશીમાં બેસાડવામાં આવી હતી. પતિએ તેની પીઠ પર માલિશ પણ કરી હતી. લોકો તેના માટે પાણી પણ લાવ્યા હતા, પણ તે ઢળી પડી હતી. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડૉક્ટકોએ મૃત ઘોષિત કરી હતી.
દેવેન્દ્ર સંદલે ઘરે પણ પાર્ટીનું આયોજન કર્યું હતું અને ઘરને ફૂલોથી સજાવ્યું હતું, પણ ટીનાના સ્થાને તેનો મૃતદેહ ઘરે આવ્યો હતો. આ મુદ્દે દેવેન્દ્ર સંદલે જણાવ્યું હતું કે ‘હું ૧૯૯૧થી સેન્ટ્રલ વેરહાઉસિંગમાં કામ કરું છું અને મારી નોકરીમાં વધારે સમય આપવો પડે છે. મારે સવારે વહેલું જવું પડે છે અને ઘરે આવતાં મોડું થાય છે. વળી રજાના દિવસે પણ કામ કરવું પડે છે. પત્નીની દેખભાળ કરી શકાય એટલા માટે મેં ત્રણ વર્ષ પહેલાં જ VRS લેવાનું નક્કી કર્યું હતું, પણ કુદરતને એ મંજૂર નહોતું.