રાજકોટની મહિલા ફૂડ ડિલિવરી પાર્ટનર પણ આવા જ એક સંઘર્ષ સાથે પરિવાર, અભ્યાસ અને નોકરીને સમતોલ રાખવાનો પ્રયાસ કરી રહી છે
અજબગજબ
રાજકોટની મહિલા બાઇક લઈને ફૂડ ડિલિવરીની નોકરી કરે છે
માણસના સંઘર્ષની કોઈ સીમા નથી હોતી અને સંઘર્ષ વિના ક્યારેય સિદ્ધિ નથી મળતી. આપણી આસપાસ કેટલાય લોકો અનેક પ્રકારના સંઘર્ષ કરતા હોય છે. રાજકોટની મહિલા ફૂડ ડિલિવરી પાર્ટનર પણ આવા જ એક સંઘર્ષ સાથે પરિવાર, અભ્યાસ અને નોકરીને સમતોલ રાખવાનો પ્રયાસ કરી રહી છે. આ મહિલા બાઇક લઈને ફૂડ ડિલિવરીની નોકરી કરે છે. બાઇકમાં પાછળ ઝોમાટોનો થેલો છે અને આગળ નાનકડા દીકરાને બેસાડીને ડિલિવરી કરવા નીકળે છે. એ મહિલા હોટેલ મૅનેજમેન્ટનો કોર્સ કરી રહી છે અને હજી મહિના પહેલાં જ ફૂડ-ડિલિવરીનું કામ શરૂ કર્યું છે. પરિવાર ચલાવવા માટે અભ્યાસની સાથે નોકરી કરવી પડે એમ હતું એટલે તેણે અનેક ઠેકાણે નોકરી શોધી પણ દીકરો સાથે હોવાને કારણે ક્યાંય કામ નહોતું મળતું. પછી તેને વિચાર આવ્યો કે ઘરમાં બાઇક છે તો પછી દીકરાને સાથે લઈને કામ કેમ ન થઈ શકે? અને એટલે તેણે ઝોમાટોમાં ડિલિવરી એજન્ટનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તેને પોતાને પણ થોડી અડચણ આવી, મુશ્કેલીઓ પડી પણ હવે વાંધો નથી આવતો. રાજકોટના કન્ટેન્ટ ક્રીએટરે આ મહિલાનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે અને અનેક લોકો મહિલાના જુસ્સાને સો સો સલામ આપી રહ્યા છે.