યુઝરે કમેન્ટ કરી કે ‘કાર મેડ ઇન ચાઇના, સાઇકલ મેઇડ ઇન જપાન
Offbeat News
સાઇકલ સાથેની ટક્કરમાં કારને નુકસાન
જો કોઈ કાર અને સાઇકલ વચ્ચે ટક્કર થાય તો સ્વાભાવિક રીતે એમ જ લાગે કે આખેઆખી સાઇકલ તૂટી જાય. જોકે ઇન્ડસ્ટ્રિયલિસ્ટ હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર એક પોસ્ટ મૂકી છે જેને જોયા બાદ સ્વાભાવિક રીતે આ જવાબ બદલાઈ જાય.
આ ફોટોગ્રાફ એક કાર અને એક સાઇકલ વચ્ચેની ટક્કરનો છે. આશ્ચર્યની વાત એ છે કે સાઇકલ પર સવાર વ્યક્તિને કે તેની સાઇકલને કશું જ થયું નથી, પરંતુ કારના આગળના ભાગને નુકસાન થયું છે. ગોએન્કાએ આ ફોટોગ્રાફ સાથે કૅપ્શન લખી હતી, ‘યોગ્ય મજબૂત ટાયર રાખો, એનાથી મદદ મળે છે.’ આ ફોટોગ્રાફ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ સરપ્રાઇઝ્ડ થઈ ગયા છે. માત્ર અડધા કલાકમાં આ પોસ્ટને ૧૦,૦૦૦થી વધારે વ્યુઝ મળ્યા છે. એના પર મજેદાર કમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે ‘ટાયરમાં સિમેન્ટ ભરાવી છે?’ અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે ‘કાર મેડ ઇન ચાઇના, સાઇકલ મેઇડ ઇન જપાન. કેમ કે, ચીનની વસ્તુઓ તકલાદી હોય છે જ્યારે જપાનની વસ્તુઓ મજબૂત હોય છે. બંને વચ્ચે ટક્કર થાય તો આવી જ સ્થિતિ થાય.’ અનેક લોકોને આ ફોટોગ્રાફ પર વિશ્વાસ બેસતો નથી.